મહેશ્વરને માનવામાં આવે છે ગુપ્ત કાશી. ઐતિહાસિક મહત્વ ધરાવતું મહેશ્વર છે માણવા લાયક જગ્યા
મધ્યપ્રદેશને દેશનું દિલ માનવામાં આવે છે અને મધ્યપ્રદેશની શાન વધારે છે મહેશ્વર. ચાહે હેરિટેજની વાત હોય કે પછી ભગવાન શિવના અગણિત મંદિરોની, બોલિવૂડની ફિલ્મ્સમાં ઝળકતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન મહેશ્વરની અદભુત ખૂબસૂરતીના બોલતા પુરાવા છે. મહેશ્વરનું પુરાતન નામ સાંભળો તો બાહુબલિની માહિષ્મતી નગરી યાદ આવી જાય...અને આવું તો બીજું ઘણું બધું છે મહેશ્વરમાં જે તમને અચરજ પમાડશે. તો ચાલો થઈ જાવ તૈયાર...આ ખૂબસૂરતીને શબ્દોથી જાણવા માટે...આજે આપને કરાવવી છે સફર મહેશ્વરની.
મહેશ્વર પર મોહ્યું બોલિવૂડ
મહેશ્વર પહોંચો તો મહેશ્વરના ઘાટની સીડીઓ અને કિલ્લાની ખૂબસૂરતી જોઈને તમે તરત બોલી ઉઠો કે અરે..આ તો એ જ જગ્યા કે જ્યાં ફિલ્મ પેડમેનમાં અક્ષય કુમાર સાયકલ ચલાવતા જોવા મળ્યા...તો વળી એમ પણ યાદ આવે કે આ તો સલમાન ખાનના દબંગ ડાન્સવાળું ડેસ્ટિનેશન છે ભાઈ. અને આ લિસ્ટ તો હજી પણ લાંબુ ને લાંબુ થતું રહે..મહેશ્વરમાં ઘણી બધી ફિલ્મ્સ અને સિરિયલ્સ થઈ છે શૂટ. દબંગ-3, પૅડમેન, બાજીરાવ મસ્તાની, કલંક, મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી, તેવર, નીરજા ભનોત અને આવી તો બીજી ઘણી ફિલ્મ્સ. ન માત્ર ફિલ્મ્સ પરંતુ સિરિયલ્સના શૂટિંગ પણ અહીં થઈ ચુક્યા છે જેમાં મહેશ્વરના ઘાટ અને નર્મદા નદીની સુંદરતા જોવા મળી. અને બોલિવૂડ જ કેમ..મહેશ્વરમાં તો કંઈ કેટલીયે સાઉથની ફિલ્મ્સના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે. એટલે જ તો મહેશ્વર બની ગયું છે પરફેક્ટ શૂટિંગ ડેસ્ટિનેશન.
ક્યાં આવ્યું મહેશ્વર ?
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવી ઐતિહાસિક પર્યટન નગરી મહેશ્વર. મધ્યપ્રદેશની રાજધાની ઈંદોરથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલા મહેશ્વરનું નામકરણ ભગવાન શિવના નામ પર કરવામાં આવ્યું છે. નર્મદા નદીના કિનારે વસ્યું છે મહેશ્વર..પ્રાચીન સમયમાં હોલકર રાજ્યની રાજધાની એવું મહેશ્વર ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. દેવી અહિલ્યાબાઈ હોલકરના સમયમાં બનાવવામાં આવેલા મહેશ્વરના ઘાટની સુંદરતા મન મોહી લે તેવી છે.
મહેશ્વર કઈ રીતે જવું ?
મહેશ્વર જિલ્લા ખરગોનથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે ઈંદોરથી 90 કિલોમીટરના અંતરે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગથી મહેશ્વરનું અંતર 55 કિલોમીટર છે તો ઉજ્જૈનથી 150 કિમીનું અંતર છે.
હવાઈ માર્ગ- વિમાન માર્ગે મહેશ્વર જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે ઈંદોરનું દેવી અહિલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ જે મહેશ્વરથી 95 કિલોમીટર દૂર છે. દેશના તમામ પ્રમુખ શહેરો સાથે આ એરપોર્ટ કનેક્ટેડ છે.
રેલ માર્ગ – મહેશ્વર જવા માટે રેલવેની મુસાફરી પસંદ કરતા હો તો સૌથી નજીકનું સ્ટેશન ઈન્દોર છે જ્યાંથી ટેક્સી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મહેશ્વર પહોંચી શકાય છે.
સડક માર્ગ – મહેશ્વર મધ્યપ્રદેશના તમામ મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે. મહેશ્વર મુંબઈ-આગ્રા નેશનલ હાઈવેથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે.
મહેશ્વરમાં રહેવું ક્યાં ?
મહેશ્વર ફરવા માટે પહોંચનારા પર્યટકોના બજેટ અનુસાર હોટલ્સ અને રુમ્સ અહીં મળી જાય છે. 800 થી 8000 રુપિયામાં અહીં હોટલ્સમાં રુમ મળી રહે છે. કેટલીક મોંઘી હોટલ્સ પણ મહેશ્વરમાં મળી રહે છે. તો અહીં આવનારા પર્યટકોએ મહેશ્વરના પ્રખ્યાત દાલ બાફલે ચાખવાનું ભુલવું નહીં.
મહેશ્વરનું મહત્વ
મહેશ્વરનો કિલ્લો લગભગ 250 વર્ષ જુનો છે જ્યાં દેશ-વિદેશથી ટુરિસ્ટ્સ તેના આર્કિટેક્ટર, બનાવટને નિહાળવા આવતા હોય છે. રામાયણ અને મહાભારતમાં મહેશ્વરને મહિષ્મતી તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. મહારાણી અહિલ્યાબાઈના સમયમાં અહીં સુંદર ઘાટનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તો કિલ્લાની અંદર રાણી અહિલ્યાબાઈની રાજગાદી પર બેઠેલી પ્રતિમા પણ રાખવામાં આવી છે. તો કિલ્લાની અંદર હેરિટેજ હોટલ પણ છે જે કોઈ રાજાના મહેલ સમાન જ અનુભૂતિ કરાવે. હોટલના મોટાભાગના રુમમાંતી નર્મદા નદીની ખૂબસૂરતી જોવા મળે છે. મહેશ્વર ઘાટની પાસે જ કાલેશ્વર, રાજ રાજેશ્વર, વિઠ્ઠલેશ્વર, અહિલ્યેશ્વરના મંદિરો આવેલા છે. રાણી અહિલ્યાબાઈના શાસન કાળમાં મહેશ્વરી સાડી વિશ્વસ્તરે નામના પામી. અહીં મહેશ્વરી સાડી ઉદ્યોગ લોકપ્રિયતા પામ્યો છે. જો આપ મહેશ્વર પહોંચી જ ગયા છો તો અહીંની હેન્ડલૂમ માહેશ્વરી સાડીઓ ખરીદીને અહીંની યાદગિરી સાથે લઈ જઈ શકો છો. અહીં સાડી ઉપરાંત હેન્ડલૂમના ડ્રેસના કાપડ, દુપટ્ટા વગેરે પણ સુંદરતમ ડિઝાઈન્સ અને ઉત્તમ ક્વોલિટીમાં મળી જાય છે. અહીં આપને આર્ટપીસ પણ મળે છે જે આપની પસંદગી પ્રમાણે આપ ખરીદી શકો છો.
મહેશ્વરમાં જોવાલાયક સ્થળો
મહેશ્વર પ્રાચીન હોવાની સાથોસાથ કલા, સંસ્કૃતિ અને વૈભવશાળી ઈતિહાસનું સાક્ષી રહ્યું છે. ત્યારે મહેશ્વરમાં અને આજુબાજુના કેટલાક સ્થળો ટુરિસ્ટ માટે મસ્ટવોચ બન્યા છે. મહેશ્વરના કિલ્લામાં એન્ટ્રી કરતા પહેલા જ સાડી ઉદ્યોગની ઝલક મળવાની શરુ થઈ જાય. જ્યાં સાડી બનાવવાની હાથશાળ પણ જોવા મળે છે. મહારાણી અહિલ્યાબાઈ હોલકરની એક લાઈફસાઈઝ પ્રતિમા પણ પરિસરમાં જોવા મળે. 25 કિલો સોનાનો ઝુલો પણ એક અદભુત આકર્ષણ છે. ત્યારબાદ આપ મહેશ્વર કિલ્લાની મુલાકાતે જઈ શકો છો.
મહેશ્વર દુર્ગ
મહેશ્વર કિલ્લાનું પ્રવેશદ્વાર ખુબ જ ભવ્ય છે. પ્રવેશદ્વારની ચારેબાજુ ખૂબસૂરત કોતરણી કરવામાં આવી છે. ત્યારે આગળ જતા ઈતિહાસની ઝાંખી કરાવતું મ્યુઝિયમ પણ આવેલું છે. હોલકર સામ્રાજ્યની ઘણી બધી વસ્તુઓ અહીં સંગ્રહાયેલી જોવા મળે છે. કિલ્લો અત્યંત અદભુત છે.
શ્રી અહિલ્યેશ્વર મંદિર
કિલ્લામાં પ્રવેશતા આપને ભગવાન શિવનું અહિલ્યેશ્વર મંદિર દેખાય છે જેને પથ્થરો પર કરેલા નક્શીકામથી એક અલગ જ આભા મળે છે. નર્મદા નદીના કિનારે બંધાયેલા આ મંદિરની વાસ્તુકલા ખુબ જ આકર્ષક છે.
શ્રી રાજ રાજેશ્વર સહસ્ત્રબાહુ મંદિર
મંદિરોની નગરી એવા મહેશ્વરમાં શ્રી રાજ રાજેશ્વર સહસ્ત્રબાહુ મંદિર ઐતિહાસિક મંદિર છે જ્યાં 11 દીવા જોવા મળે છે જે વર્ષોથી કે સદીઓથી પ્રજ્વલિત છે જ્યારથી આ મંદિર બનાવવામાં આવ્યું. માનવામાં આવે છે કે આ સોમવંશી રાજા સહસ્ત્રાર્જુન કીર્તિવીર્યનું સમાધિ મંદિર છે. જ્યાં શંકરભગવાનનું શિવલિંગ પણ આવેલું છે.
મહેશ્વર ઘાટ
નાના મોટા, આબાલવૃદ્ધ સૌ કોઈને જ્યાં ફરવાની મજા આવે એવી જગ્યા છે મહેશ્વર ઘાટ. નર્મદા નદીના કિનારે આ ઘાટ બનેલો છે જ્યાંથી નર્મદા નદીનો નયનરમ્ય નજારો જોવા મળે છે. અહીં પર્યટકો બોટિંગની મજા પણ માણી શકે છે. તો બાળકોના મનોરંજન માટે અહીં રિમોટ કંટ્રોલ્ડ કાર્સ પણ મળી રહે છે, અહીં આવનારા લોકો યાદગિરી માટે ફોટોગ્રાફી પણ કરાવી શકે છે. જ્યાં તત્કાલ ફોટોને ફ્રેમ કરીને પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત મહેશ્વરમાં બાણેશ્વર મંદિર પણ આવેલું છે જે નર્મદા નદીની વચ્ચે એક ટાપુ પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ 9મી થી 10મી શતાબ્દીમાં થયું છે. અહીં બોટ દ્વારા જઈ શકાય છે. તો મહેશ્વરના મુખ્ય આકર્ષણોમાં સહસ્ત્રધારા ધોધ પણ આપને એક અલગ જ અનુભૂતિ કરાવશે. અહીં નર્મદા નદી નાની નાની ધારાઓમાં વહીને ધોધનું રુપ ધારણ કરે છે. દત્તધામ અને પંઢરીનાથ મંદિર પણ અહીંના મુખ્ય સ્થળોમાં શામેલ છે. શાલિવાહન શિવમંદિર, કાલેશ્વર શિવમંદિર, જલેશ્વર મંદિર, જગન્નાથ ધામપુર મંદિર જેવા ધાર્મિક સ્થળો મહેશ્વરને મંદિરોની નગરી બનાવે છે.
મધ્યપ્રદેશની મુલાકાતે આવનાર લાખો પર્યટકો મહેશ્વરની મુલાકાત લઈ તેની તમામ જગ્યાઓને એક્સ્પ્લોર કરવાનું ચુકતા નથી. પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન એવું મહેશ્વર પ્રાચીન આર્કિટેક્ચર, પ્રાકૃતિક ખૂબસૂરતી અને અદભુત નજારાના કારણે સહેલાણીઓના મનને મોહે છે. તો અહીં આધ્યાત્મિક અનુભવની સાથે મોજમસ્તી કરવાની મજા પણ પર્યટકો માણતા હોય છે. મહેશ્વર તમને તમામ રીતે આકર્ષે છે. જ્યાં બોલિવૂડના સિતારાઓ પણ પોતાની હાજરી પુરાવે છે એવા મહેશ્વરની મુલાકાત એકવાર તો જરુરથી લેવા જેવી છે. જે આપના માટે બની રહેશે યાદગાર અનુભવ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો