અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 430 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે અમારી તમને સલાહ છે કે જો તમે સૌરાષ્ટ્ર, કચ્છ કે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કોઇપણ સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તો એક સપ્તાહ માટે મોકૂફ રાખો. કારણ કે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વત્તા-ઓછા અંશે થવાની શક્યતા છે જેના કારણે જો ઝાડ પડી જશે તો તમે મુસાફરીમાં અટવાઇ જશો. વળી વાવાઝોડામાં ઘરની બહાર નીકળવું પણ ભયજનક છે ત્યારે ફરવા જવાનો વિચાર જ મુર્ખામીભર્યો છે. ચાલો આજે અમે તમને બિપરજોય ચક્રવાતના લેટેસ્ટ સમાચાર જણાવી દઇએ.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે.
બીજી તરફ દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે.
કલમ 144 ક્યાં લાગુ પાડવામાં આવી: કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી અને દમણનાં દરિયા કિનારે કોઈને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે અને કલમ 144 લાગુ પાડીને કર્ફ્યૂ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
100 જેટલી ટ્રેન રદ
વાવાઝોડાને પગલે રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો પ્રભાવિત થઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે. આગામી તારીખ 15 સુધીમાં કચ્છ તરફ આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનને રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાતે 12 વાગ્યા સુધીની કચ્છમાં આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 137 જેટલી ટ્રેન વાવાઝોડાની અસરને પગલે પ્રભાવિત થઈ છે. જેમાંથી 100 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે.
તિથલ બીચને ખાલી કરાયો
વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે. ત્યારે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને હાલ ખાલી કરાવાયો છે. જિલ્લા પોલીસવડાએ આજે તિથલ બીચ પર કરેલા નિરીક્ષણ બાદ ગ્રામજનોને પોતાની લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે આદેશ કરતાં જ ગામ લોકો તિથલ કિનારા પર આવી બીચ પર બાંધેલા પોતાના સ્ટોલ તેમજ લારીઓ હટાવ્યાં હતાં.
16 જૂન સુધી યાત્રાળુઓ દ્વારકાનો પ્રવાસ ન કરેઃ હર્ષ સંઘવી
દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા અપીલ કરી હતી.
કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ
સંભવિત વાવાઝોડાંને લઈ કચ્છના કોટેશ્વર- નારાયણ સરોવર મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોની સલામતી માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તા.13 થી 15 સુધી મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયાઈ વિસ્તાર નજીક હોય નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કચ્છનું સ્મૃતિવન ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. આગામી તારીખ 13 જૂનથી 15 જૂન સુધી સ્મૃતિવન બંધ રાખવામાં આવ્યું છે.
કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ
નલિયાના પિંગ્લેશ્વર દરિયાકિનારે સમુદ્રી પાણી મર્યાદા ઓળંગી બહાર ધકેલાયું હતું. નલિયા મરીન કમાન્ડો ટાસ્કફોર્સ આસપાસના કાંઠાળપટ્ટીના લોકોની મદદ માટે સાધનસામગ્રી સાથે સજ્જ બની છે. નલિયાના જખૌ બંદર પર SDRFની ટીમે સમીક્ષા કરી હતી તેમજ નલિયા ખાતે લાગેલાં મોટા ભાગનાં બોર્ડ દૂર કરાયાં છે. કચ્છના મુન્દ્રા, કંડલા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ કચ્છના કાંઠાળ વિસ્તારમાં 40થી 50ની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
જામનગરના દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદી ચક્રવાત, હાઈટાઈડ ભરતીના મોજાથી જાન- માલને નુકસાન થતું અટકાવવા, આગમચેતીના પગલાંરૂપે જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓએ અવર- જવર કરવા પર અને ત્યાં પશુઓને લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ
ગીરનાર પર ભારે પવનના કારણે સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાંને લઈ ગુજરાતભરના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ ગિરનાર પર ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ રાખવામાં આવ્યો છે.
કેટલે પહોંચ્યું વાવાઝોડું?
વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 14 અને 15 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર દૂર છે. તે પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે પવનની ગતિ વધવાને કારણે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું (Biporjoy Cyclone) હાલ ધીરેધીરે ગુજરાતની નજીક આવી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના માનવા પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદે ખેડૂતોને ખુશી આપી છે જયારે માછીમારોની ચિંતામાં વધારો કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો