શહેરની ભીડભાડ તમારી રુટીન ઝિંદગીને મશીન જેવું બનાવી દે છે. ત્યારે એ મશીની દુનિયાથી બહાર નીકળવા માટે આપણે ફરવા માટે નીકળી પડીએ છીએ. જો તમે પણ કંટાળીને શાંત કે હરિયાળી જગ્યાએ જવા માગો છો તો તે જગ્યા છે બિનસર.
બિનસર એક ગઢવાલી શબ્દ છે જેનો અર્થ થાય છે નવ પ્રભાત. દેવદારના જંગલોથી ઘેરાયેલું બિનસર અલ્મોડાથી ફક્ત 33 કિ.મી. દૂર છે. બિનસર સમુદ્રની સપાટીએથી 2,200 મીટરની ઉંચાઇ પર આવેલું છે. બિનસરમાં એક એવી જગ્યા છે જ્યાંથી હિમાલયના શિખરો કેદારનાથ, ચૈખંબા, નંદા દેવી, પંચોલી અને ત્રિશૂલ જોવા મળે છે. જંગલ અને પહાડ સિવાય પણ અહીં જોવા જેવું ઘણું બધુ છે.
બિનસર વાઇલ્ડલાઇફ સેંક્ચુરી
બિનસર એક વન્યજીવ અભયારણ્ય છે જે લગભગ 49.59 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. આ વાઇલ્ડલાઇફ સેંક્ચુરીમાં પ્રવેશ માટે તમારે ટિકિટ લેવી પડે છે. જો તમે ગાડી પણ અંદર લઇ જવા માંગો છો તો તેની પણ ટિકિટ લેવી પડશે. અહીંના જંગલો એટલા ગાઢ છે કે દિવસે પણ કોઇ અંધારી દુનિયામાં આવી ગયા હોય તેવું લાગે છે. જંગલમાં શાંતિ અને પક્ષીઓનો કલરવ સંભળાશે. આ અભયારણ્યમાં દિપડો, ગોરા, જંગલી બિલાડી, રીંછ, શિયાળ, બાર્કિંગ હરણ અને કસ્તૂરી વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે.
બિનસર મહાદેવ મંદિર
દેવદારના ગાઢ જંગલોની વચ્ચે આ મંદિર આવેલું છે. બિનસર મહાદેવ મંદિર ભગવાન ભોળાનાથનું મંદિર છે. જે હિંદુઓનું પવિત્ર સ્થાન છે. જૂન મહિનામાં અહીં મહાયજ્ઞનું આયોજન થાય છે. આ સિવાય અહીં એક બીજુ મંદિર છે જેનું નામ છે ચિતઇ મંદિર. આ મંદિરને ચંદ રાજાઓના શાસનકાળમાં બનાવાયું હતુ. આ મંદિરમાં ભક્તો તેમની મુશ્કેલીઓને ગોલૂ દેવતાના મંદિરમાં રાખીને જતા રહે છે. મનોકામના પૂર્ણ થયા પછી મંદિરમાં ઘંટ લગાવી દે છે. આજે આ મંદિરમાં એટલા ઘંટ થઇ ગયા છે કે તેને દસ લાખ ઘંટોનું મંદિર પણ કહેવામાં આવે છે.
ઝીરો પોઇન્ટ
અહીં આમ તો કંઇપણ ફેમસ નથી કારણ કે અહીં ઘણાં ઓછા લોકો આવે છે પરંતુ આ શાંત જગ્યા પર તમે પગપાળા ચાલીને આની સુંદરતાને જોઇ શકો છો. બસ ચાલતા જાઓ...પ્રકૃતિનો આનંદ માણતા જાઓ અને પહોંચી જાઓ ઝીરો પોઇન્ટ પર. અહીંથી આખુ બિનસર જોવા મળશે. એક નજરમાં દૂર સુધી બિનસરના જંગલોની હરિયાળી તમારુ મન મોહી લેશે. તમારે અહીંનો સૂર્યાસ્ત જરુર જોવો જોઇએ.
બરફથી ઢંકાયેલા પહાડ
પહાડોમાં સૌથી સુંદર હોય છે તેના શિખરો. બિનસરમાં હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો તમને જોવા મળશે. આ પહાડોનો જોવા માટે સૌથી સારો સમય છે સવારનો. ઠંડીમાં તમારી રજાઇથી બહાર નીકળીને આવવું પડશે. ત્યારે તમે પહેલા ચારોબાજુની લાલિમા જોશો અને પછી સૂર્યોદય.
ક્યાં રોકાશો?
બિનસર ઉત્તરાખંડની ફેમસ જગ્યાઓમાં નથી એટલે અહીં રોકાવા માટે સુવિધાઓ ઓછી છે. તમે અહીં કુમાઉ પર્યટન વિકાસ નિગમની હોટલમાં રોકાઇ શકો છો. આ સિવાય પણ બીજી હોટલો છો. આસપાસના ગામોમાં ઓછા ભાડામાં રોકાઇ શકાય છે.
કેવી રીતે પહોંચશો?
દેહરાદૂનથી બિનસર 370 કિ.મી. અને નૈનીતાલથી 95 કિ.મી. દૂર છે. નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામ રેલવે સ્ટેશન દિલ્હી સાથે સારીરીતે જોડાયેલું છે. કાઠગોદામથી બિનસરનું અંતર 105 કિ.મી. છે. અહીંથી તમે સરકારી બસ કે ટેક્સી બુક કરીને અલ્મોડા જઇ શકો છો. અલ્મોડાથી બિનસરનું અંતર 35 કિ.મી. છે. આ ઉપરાંત, સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર છે. પંતનગરથી બિનસરનું અંતર 140 કિ.મી. છે. આ સિવાય દિલ્હીથી કાઠગોદામ અને બિનસરની બસ સહેલાઇથી મળી જશે.
ક્યારે જશો?
આમ તો દરેક મોસમ સારી જ છે પરંતુ હિમાલયના શિખરો જોવા હોય તો સ્વચ્છ મોસમમાં જ જવું જોઇએ. આના માટે સૌથી બેસ્ટ ટાઇમ ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો છે. તે સમયે આકાશ બિલકુલ ચોખ્ખુ હોય છે. જંગલની સુંદરતા જોવી હોય તો માર્ચ કે એપ્રિલમાં જઇ શકો છો. તે સમય આખુ જંગલ બુરાંશના ફૂલોથી લાલ-લાલ થઇ જાય છે.