જ્યાં જ્યાં નજર મારી ઠરે, માણસો ભર્યા ત્યાં હકડેઠઠ!
પહેલી વાર મેં બિહારમાં પગ મૂક્યો ત્યારે મને ઉપરનો વિચાર આવ્યો હતો. ગણ્યા ગણાય નહિ એટલા માણસો. છતાંય આપણા આ ભવ્ય દેશમાં એવો કોઈ જ પ્રદેશ નથી જે કોઈ અદભૂત ખાસિયતો ન ધરાવતો હોય.
સંસ્કૃત અને પાલી ભાષાના શબ્દ ‘વિહાર’ પરથી જે રાજ્યનું નામ પાડવામાં આવ્યું છે તેવા ‘બિહાર’ની વિશેષતાઓ જાણીએ:
1. રામાયણ કનેક્શન
બિહારમાં નેપાળ બોર્ડર પર આવેલો મિથિલાંચલ પ્રદેશ એ જનક રાજાનું રાજ્ય હતું અને તેથી તેમ કહી શકાય છે સીતા માતા આ પ્રદેશના વતની હતા.
ગૂગલ પર થોડું સંશોધન કરવાથી વિસ્તારપૂર્વક જાણી શકાશે કે નાનકડા બિહાર રાજ્યમાં આવેલા સીતામઢી, વૈશાલી, ચંપારણ, મધુબની, દરભંગા, ભોજપુર, બક્સર વગેરે જેવા સ્થળો રામાયણ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
2. વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી
પ્રાચીન સમયમાં જ્ઞાનનો ભંડાર કહેવાતી નાલંદા વિશ્વવિદ્યાલય પાટલિપુત્ર પ્રદેશમાં સ્થિત હતી જેને આજે પટનાના નામે ઓળખવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હોવાના પુરાવાઓ છે. બખ્તીયાર ખિલજી નામના મુઘલની સેનાએ અહીંના અતિભવ્ય પુસ્તકાલયને આગ ચાંપી દીધી હતી. એવું માનવામાં આવે છે કે આ પુસ્તકાયલમાં 90 લાખ હસ્તપ્રતો સમાવિષ્ટ હતા અને તેને સંપૂર્ણ રાખ થતાં કુલ 3 મહિના જેટલો સમય લાગ્યો હતો.
3. બે ધર્મનું જન્મસ્થળ
બિહારના રાજગીર જિલ્લામાં આવેલા ગયામાં બોધિ વૃક્ષ આવેલું છે જેની નીચે બેસીને રાજકુમાર સિદ્ધાર્થને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે ક્ષણે સિદ્ધાર્થ બુદ્ધ બન્યા હતા. આજે વિશ્વભરમાં અનેક દેશોમાં જોવા મળતા બૌદ્ધ ધર્મનું જન્મસ્થળ બિહારનું ગયા નામનું સ્થળ છે. આ કારણે ગયા એ એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ પણ છે.
અહિંસાને પૂર્ણરીતે અનુસરતા લોકો એટલે જૈન સમુદાય. તેમના ઇષ્ટદેવ એટલે ભગવાન મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં આવેલા વૈશાલી ગામમાં થયો હતો. કહેવાય છે કે છઠ્ઠી સદીમાં વૈશાલી ગામ વિશ્વનું સર્વ પ્રથમ ગણ રાજ્ય (રિપબ્લિક) છે.
આમ ભારતભૂમિ પર સનાતન હિન્દુ ધર્મમાંથી બિહારમાં બે ધર્મોનો ઉદ્ભવ થયો હતો.
4. સરકારી નોકરી અને IITની ઘેલછા
બિહાર અને બિહારના લોકોનો મને ઘણો સારો પરિચય છે એટલે આ મુદ્દો અહીં સમાવિષ્ટ કર્યા વગર રહી નથી શકાતું. અલબત્ત, આ વાસ્તવિકતા જ છે! વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં લગભગ બધા જ બોર્ડના વિદ્યાર્થીઓનું સપનું IITમાં ભણવાનું હોય છે.
અને વિજ્ઞાનપ્રવાહ સહિત તમામ કોલેજમાં ભણતા યુવાનોનો એકમાત્ર ધ્યેય UPSC. ખૂબ નવાઈની વાત છે કે બિહાર જેટલા નાના રાજ્યમાંથી બનેલા IAS ઓફિસર્સની સંખ્યા ગુજરાત, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ રાજયોમાંથી બનેલા કુલ IAS કરતાં વધુ છે!!!
5. દશરથ માંજી રોડ
જો તાજમહેલ પ્રેમનું (કહેવાતું) પ્રતિક છે તો દશરથ માંજી રોડ પ્રેમનું મહાકાવ્ય છે!
માંજી- ધ માઉન્ટેન મેન વિષે જાણો છો? વર્ષો પહેલા બિહારના રાજગીર જિલ્લાના એક ગામમાં દશરથ માંજી નામના એક માણસે સારવારની સગવડને અભાવે તેની પત્ની ગુમાવી. સારવાર ન મળવાનું કારણ એ કે બાજુના ગામમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચવા એક પર્વતને લીધે ખૂબ લાંબે રસ્તે જવું પડતું હતું. દશરથ માંજી- જેને લોકો માઉન્ટેન મેન તરીકે જાણે છે- તેણે બાવીસ વર્ષ સુધી એકલે હાથે એક હાથોડાની મદદથી આ પહાડ તોડીને રસ્તો બનાવ્યો. તે માર્ગ આજે દશરથ માંજી રોડ તરીકે ઓળખાય છે. પત્નીના મૃત્યુ બાદ બનેલો આ રસ્તો તેના પતિની બાવીસ વર્ષ લોહી-પાણી એક કર્યાનું પરિણામ છે. આ રસ્તો બન્યા બાદ કોઈના હાથ કાપવામાં નહોતા આવ્યા!
6. સૌ હિન્દી બોલે છે, પણ કોઈની માતૃભાષા હિન્દી નથી!
બિહારના સ્થાનિકો 5 અલગ-અલગ બોલી બોલે છે અને તેને જ પોતાની માતૃભાષા માને છે. અહીં વિવિધ વિસ્તાર અનુસાર ભોજપુરી, મઘી, મૈથિલી, અંગિકા અને વજજીકા જેવી બોલી બોલવામાં આવે છે.
.