ભારતમાં 20થી વધુ હિલ સ્ટેશનો છે. જેમાં શિમલા, મનાલી, મસૂરી જેવા હિલ સ્ટેશનો પર સૌથી વધારે ભીડ જોવા મળે છે. પરંતુ ઘણાં લોકો એવા પણ છે જે આ ભીડભાડથી દૂર એવા પહાડોમાં ફરવા માંગે છે જ્યાં ઓછા લોકો આવતા હોય. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો તો ચાલો તમને ભારતના એવા હિલ સ્ટેશનો અંગે જણાવીએ જ્યાં શોરબકોર ઓછો હોય. તમે વેકેશનમાં આવી જગ્યાઓ પર જવાનું પ્લાનિંગ કરી શકો છો.
મશોબરા, હિમાચલ પ્રદેશ
મશોબરા હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં આવેલું એક સુંદર પર્યટક સ્થળ છે, જે લગભગ 7700 ફૂટની ઊંચાઇઇ પર વસ્યું છે. મશોબરા તમને તમારા જીવનકાળના સૌથી શુદ્ધ, શાંત અને મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે પ્રકૃતિની નજીક લઇ જાય છે. મશોબરા તેના સફરજનના બગીચા, ઝરણાં, દેવદાર અને ઑકના જંગલો, પરંપરાગત વાસ્તુકળા, માટે પ્રસિદ્ધ છે. શિમલાની સાથે મશોબરા નિકટતા તેને એવા લોકો માટે એક આદર્શ વિકલ્પ માને છે જે એક શાંત અને નાના હિલ-સ્ટેશનની શોધમાં છે.
આ ઉપરાંત આ હિલ સ્ટેશન સાહસિક લોકો માટે પણ પસંદગીનું સ્થળ છે. કારણ કે અહીં કેમ્પિંગ, ટ્રેકિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, રેપલિંગ, ફિશિંગ વગેરે સાહસિક રમતો માટે એક સુંદર સ્થાન છે.
રિઝર્વ ફૉરેસ્ટ સેન્ક્ચુરી મશોબરા ફરવા માટે સારી જગ્યાઓમાંની એક છે. મહત્વનું છે કે રિઝર્વ ફૉરેસ્ટ સેંક્ચ્યુરી જળાશય એશિયાના સૌથી મોટા જળાશયમાંનું એક છે જે શિમલા માટે પાણીનો સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.
અમદાવાદથી કેવી રીતે જશો
અમદાવાદથી ટ્રેનમાં દિલ્હી કે ચંદીગઢ જાઓ. ત્યાંથી બસ કે ટેક્સીમાં જઇ શકાય છે.
મુનસ્યારી, ઉત્તરાખંડ
મુનસ્યારી વિશાળ હિમાલયની તળેટી પર સ્થિત ઉત્તરાખંડનું સુંદર હિલ સ્ટેશન છે. રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં આવેલું આ પહાડી સ્થળ તેના મનમોહક વાતાવરણ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. 2300 મીટરની ઉંચાઇ પર સ્થિત મુનસ્યારીનો મોટાભાગનો વિસ્તાર બરફથી ઢંકાયેલો રહે છે. અહીં બર્ફિલા શિખરોના કારણે આ હિલ સ્ટેશનને ઉત્તરાખંડનું 'મિની કાશ્મીર' પણ કહેવામાં આવે છે.
તિબેટ અને નેપાળ સીમાની નજીક પહાડી શહેર સાહસિક ટ્રાવેલર્સ માટે કોઇ સ્વર્ગથી કમ નથી. આ ઉપરાંત, મુનસ્યારી હિમાલયની વનસ્પતિઓ અને વન્ય જીવો માટે પણ પ્રસિદ્ધ છે. રોડોડેંડ્રોન, દેવદારના ઝાડથી ઘેરાયેલી આ જગ્યા એક સુંદર દ્રશ્ય રજૂ કરે છે. અહીં ઘણાં ટ્રેકિંગ પોઇન્ટ્સ પણ છે, જેમાંથી નામિક ગ્લેશિયર ટ્રેક ઘણો લોકપ્રિય છે.
કેવી રીતે જશો
જો વિમાન દ્વારા જવું હોય તો નજીકનું એરપોર્ટ પંતનગર છે જે મુનસ્યારીથી 312 કિલોમીટર દૂર છે. અમદાવાદથી પંતનગરની કોઇ સીધી ફ્લાઇટ નથી. એટલે તમારે દિલ્હી જવું પડશે.
રેલવેમાં જવું હોય તો 286 કિ.મી. દૂર તનકપુર અને 275 કિ.મી. દૂર આવેલા કાઠગોદામ રેલવે સ્ટેશન સુધી જવું પડશે. ત્યાર બાદ ત્યાંથી પ્રાઇવેટ, બસ કે ટેક્સી કરીને જઇ શકાશે. અલ્મોરા, પિથોરાગઢ, બાગેશ્વર અને મુનસ્યારીની બસો તમને અહીંથી મળી રહેશે.
ધર્મકોટ, હિમાચલ પ્રદેશ
આ અનોખુ નાનકડુ હિલ સ્ટેશન મેક્લોડગંજની ઉપરના પહાડોના શિખરે બનેલું છે. જે ધર્મશાલાની ભીડ-ભાડથી ઘણાં દૂર છે. નાના-નાના ગેસ્ટ હાઉસ અને દેશી ટાઇપના ઘરોની સાથે આ જગ્યા તેના ઘણાં મેડિટેશન સેન્ટર માટે જાણીતી છે. જેમ કે, વિપશ્યના, તુશિતા અને ધમ્મ સિખરા. અહીં એક લોકપ્રિય ત્રિઉંડ ટ્રેક પણ છે. જેને તમે તમારી એડવેન્ચર એક્ટિવિટીઝમાં સામેલ કરી શકો છો. અહીંના કાફેમાં તમે પેનકેક્સ, પાસ્તા અને હ્યુમસ જેવા સ્વાદિષ્ટ ભોજનની મજા પણ લઇ શકો છો.
ધર્મકોટથી માત્ર 9 કિ.મી.દૂર મેક્લોડગંજમાં તમને સુંદર બૌદ્ધ મઠો અને પ્રાચીન મંદિરો જોવા મળશે. અહીં એક મ્યુઝિયમ પણ છે. જ્યાં તમે તિબેટીયન કળા-સંસ્કૃતિને જોઇ શકો છો. ધર્મકોટથી ત્રિઉન્ડનો પ્લાન બનાવી શકાય. જે ધોલાધાર પર્વત રેન્જમાં આવેલું છે. આ એક નાનકડુ પણ સુંદર ગામ છે. જે સ્વર્ગ જેવું લાગે છે. અહીં જુની ટ્રેલ્સ છે જેનો ઉપયોગ ચંબા ખીણના પશુપાલકો દ્વારા કરવામાં આવે છે. ત્રિઉન્ડ સમુદ્રની સપાટીએથી 2842 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
ઉપરોક્ત સ્થળ ઉપરાંત તમે દેવી હિમાની ચામુંડા મંદિરના દર્શન કરવાની યોજના બનાવો. સમુદ્રની સપાટીએથી આ સ્થળ 10500 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે.
કેવી રીતે જશો
જો તમારે વિમાનમાં જવું હોય તો ધર્મશાલાથી 12 કિલોમીટર ગગલમાં આવેલું કાંગરા એરપોર્ટ છે. દિલ્હીથી કાંગરા એરપોર્ટની સીધી ફ્લાઇટ મળી જશે. ધર્મશાલા અને મેકલોડગંજથી તમને ધર્મકોટની બસ કે ટેક્સી મળી રહેશે.
જો ટ્રેનમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ 80 કિ.મી.દૂર પઠાણકોટ છે. જે જમ્મુમાં આવેલું છે. અહીંથી તમે બસ કે પ્રાઇવેટ વાહન કરી શકો છો.
લંઢૌર, ઉત્તરાખંડ
મસૂરીથી લગભગ 6 કિ.મી. દૂર, લંઢૌર એક એવું શહેર છે જ્યાંના પ્રાચીન આકર્ષણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ એક એવું હિલ સ્ટેશન છે જેણે ઘણાં વર્ષોથી પ્રવાસીઓનને પ્રેરિત કર્યા છે. લંઢૌરનો ઇતિહાસ સાહિત્યિક પણ રહ્યો છે. અહીં પ્રસિદ્ધ લેખક રસ્કિન બૉન્ડ ઉપરાંત, એલન સીલી અને કોલીન ગેટેઝર રહેતા હતા. અહીં તમને ઘણાં ગેસ્ટ હાઉસ, હૉસ્ટેલ અને હોમ સ્ટેના વિકલ્પ પણ મળી જશે. આ ઉપરાંત, કેમ્પ્ટી ફૉલ્સ, ધનોલ્ટી, સુરકુંડા દેવી કે ચંબા જેવા આસ-પાસના આકર્ષણોને જોવા માટે તમે સ્કૂટી કે બાઇક ભાડેથી લઇ શકો છો.
કેવી રીતે જશો
તમે દહેરાદૂન સુધી પ્લેનમાં જાઓ અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા લંઢૌર પહોંચી જાઓ. ટ્રેનમાં જવું હોય તો અમદાવાદથી હરિદ્વાર કે દહેરાદૂન સુધી ટ્રેનમાં જવું પડશે.
કાઝા, હિમાચલ પ્રદેશ
આ ઊંચુ અને ઠંડુ રણ સમુદ્રની સપાટીએથી 3650 મીટરની ઊંચાઇ પર તિબેટ કે લદ્દાખની બોર્ડર પર આવેલું છે. આ ક્ષેત્રમાં બૌદ્ધ સંસ્કૃતિ ઘણી જ પોપ્યુલર છે, આ શહેર સુધી તમે લાહોલ ખીણથી પણ ઘણાં આરામથી પહોંચી શકો છો. આ જગ્યા એડવેન્ચરના શોખીનો અને ટ્રેકિંગ લવર્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ શહેરના સ્ટ્રીટ માર્કેટથી તમે નાની-મોટી ચીજો પણ ખરીદી શકો છો.
કેવી રીતે જશો
અમદાવાદથી વિમાનમાં જવું હોય તો તમારે ચંદીગઢ કે દિલ્હીની ફ્લાઇટ પકડવી પડશે. ચંદીગઢથી કાઝા 212 કિલોમીટર દૂર છે. ટ્રેનમાં જવું હોય તો પણ તમારે ચંદીગઢ જ જવું પડશે. અમદાવાદથી ચંદીગઢની ટ્રેન મળી રહેશે. ચંદીગઢથી બસ કે ટેકસી કરીને કાઝા જઇ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો