ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ

Tripoto

દક્ષિણ ગુજરાતમાં બે મોટા શહેરો વડોદરા અને સુરત વચ્ચે મધ્યસ્થી બનતું ભરૂચ એક ખૂબ પ્રાચીન નગર છે. છેલ્લા અમુક દાયકાઓથી ઉદ્યોગોનો વિકાસ થતાં ભરૂચનો પણ ઘણો જ સારો વિકાસ થયો છે અને આજે આ નાનકડું શહેર લગભગ તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.

Photo of Bharuch, Gujarat, India by Jhelum Kaushal

ફરવાના શોખીનો માટે પણ ભરૂચ એક ઉપયોગી શહેર છે. ગુજરાતના લોકો ભરૂચનો ‘પ્રવાસ’ ભાગ્યે જ પ્લાન કરતાં હશે, પણ તેની મુલાકાત લેનારા લોકોને આ શહેર સહેજ પણ નિરાશ નથી કરતું. પવિત્ર નદી નર્મદા સમુદ્રમાં ભળતા પહેલા આ શહેરમાં છેલ્લો મુકામ લે છે. પરિણામે ભરૂચમાં નર્મદા કિનારે અને તેની આસપાસ કેટલાક સુંદર પર્યટન સ્થળો વિકાસ્યા છે.

1. ગોલ્ડન બ્રિજ/ નર્મદા બ્રિજ

નર્મદા નદી પર બ્રિટિશ કાળમાં બનાવવામાં આવેલો આ બ્રિજ જાણે ભરૂચ શહેરનો સમાનાર્થી છે. જ્યાં જ્યાં તમે ભરૂચનો ઉલ્લેખ જોશો ત્યાં ત્યાં તમને ગોલ્ડન બ્રિજ (અન્ય નામ- નર્મદા બ્રિજ) અવશ્ય જોવા મળશે. આ પુલ 1.5 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. ગુજરાતના ઉદ્યોગો માટે અન્ય એક આગવા નગર એવા અંકલેશ્વર અને ભરૂચને જોડતો આ પુલ સાચે જ ખૂબ ભવ્ય છે.

2. નિલકંઠેશ્વર મંદિર

નર્મદાના કાંઠે આવેલું નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ભરૂચ આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ બંને માટે મનપસંદ જગ્યા છે. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં નજીકમાં હનુમાનજીની એક ભવ્ય પ્રતિમા ધરાવતું મંદિર પણ આવ્યું છે. બંને મંદિરોના દર્શન કરીને નર્મદા કિનારે સમય પસાર કરવો એ અનેક ભરૂચવાસીઓની મનપસંદ પ્રવૃત્તિ છે.

Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal

3. BAPS સ્વામિનારાયણ મંદિર

ઝાડેશ્વર ગામમાં NH-8 પર બનેલું BAPS સ્વામિનારાયણ મંદિર એક ભરૂચના સૌથી આકર્ષણ સ્થળોમાંનું એક માની શકાય. તેનું કારણ છે મંદિરની સુંદરતા. ભરપૂર વાહનોથી ધમધમતા રોડથી બરાબર ધાર પર આવેલા આ ભવ્ય સ્વામિનારાયણ મંદિરના સુંદર પટાંગણમાં સાંજ વિતાવવી ખૂબ જ શાંતિમય લાગે છે.

4. સરદાર બ્રિજ

સરદાર બ્રિજ એ વર્ષ 2017માં જ ખુલ્લો મુકાયેલો, 1.5 કિમી લંબાઈ ધરાવતો ભારતનો સૌથી લાંબો ફોર-લેન 'extradosed' cable-stayed bridge છે. અહીં વાહનોની સાથોસાથ વોકર્સ માટે એક અલાયદો ટ્રેક બનાવવામાં આવ્યો છે. ભરૂચને સુરત સાથે પરિવહન સરળ બનાવવામાં આ બ્રિજ મહત્વનો ભાગ ભજવે છે. રોજ સાંજે આ બ્રિજ પર થતી રંગબેરંગી લાઇટ્સનો વ્યૂ એ આ બ્રિજનુ સૌથી મોટું આકર્ષણ છે.

Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal
Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal

5. ગાયત્રી મંદિર

ભરૂચમાં સપરિવાર સાંજનો સમય માણવો હોય તો એ માટે ગાયત્રી મંદિર એક આદર્શ ઠેકાણું માની શકાય. અહીં વિશાળ કેમ્પસમાં મંદિર તો છે જ, પણ સાથોસાથ નર્મદાનાં કિનારે, સરદાર બ્રિજના સાનિધ્યમાં, બેસવાની પણ ઘણી સારી વ્યવસ્થા છે. આ મંદિરમાં નર્મદા પરિક્રમા કરતાં શ્રદ્ધાળુઓ માટે રહેવા તેમજ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal

6. માતારિયા તળાવ

એક શાંત અને રિફરેશિંગ જગ્યા! અહીં, નાનો બગીચો છે, વોકિંગ ટ્રેક છે અને અનેક બાંકડાઓ પણ છે. ભરૂચવાસીઓ માટે મોર્નિંગ/ઈવનિંગ વોક અથવા યોગ/કસરત કરવા માટે સૌથી ખુશનુમા સ્થળ એટલે માતારિયા તળાવ.

7. નર્મદા નગર (GNFC ટાઉનશિપ)

ભરૂચમાં આવેલી ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપની એ ગુજરાતની એક ખ્યાતનામ કંપની છે. આ કંપનીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો માટે તમામ સવલતો ધરાવતી ટાઉનશિપ બનાવવામાં આવી છે જેનું નામ છે નર્મદા નગર. ખૂબ જ સાફ અને સુંદર રીતે મેઇન્ટેન કરવામાં આવેલી આ ટાઉનશિપમાં આવેલી સુપર-માર્કેટ, તેમજ ખૂબ જ આકર્ષક મંદિરોમાં ખાસ લટાર મારવા જેવી છે.

Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal

8. નર્મદા પાર્ક

ભરૂચ શહેરથી 8 કિમીના અંતરે, નર્મદાકિનારે આવેલો આ બગીચો ખાસ ભરૂચના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે બનાવ્યો છે તેમ જાણવા મળે છે. આ બાગ અત્યંત રમણીય છે અને નર્મદાના કિનારાની જેમ અહીં પણ સમય પસાર કરવાની ખૂબ મજા આવે છે. નર્મદા પાર્કની મુલાકાત માટે મુલાકાતીઓ પાસેથી નગણ્ય રકમની એન્ટ્રી ફી લેવામાં આવે છે.

Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal
Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal
Photo of ભરૂચ: રેવાનાં કિનારે રમતા શહેરમાં ફરવાનો આનંદ by Jhelum Kaushal

બસ ત્યારે, કોઈ વાર સુરત કે વડોદરાની આસપાસના વિસ્તારોમાં જાઓ તો આ નાનકડા, પણ સોહમણાં શહેરની ઝાંખી મેળવવાનું ચૂકશો નહિ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads