ચંબા જિલ્લાના ઐતિહાસિક મંદિરોમાંથી એક ભદ્રકાળી માતા મંદિરનું નામ અહીં વસેલા નાનકડા ગામ ભલેઇના નામ પર પડ્યું છે. દેશના ખૂણેખૂણાથી લોકો અહીં દર્શન કરવા આવે છે. સામાન્ય દિવસોના મુકાબલે નવરાત્રીમાં દર્શનાર્થીઓની સારી એવી ભીડ જોવા મળે છે. માતા ભદ્રકાળીમાં અસીમ આસ્થા રાખનારા લોકોનું માનવું છે કે અહીં સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
આ મંદિરની સ્થાપના અંગે પુજારી કહે છે કે મૂર્તિ સ્વયંભુ છે. ત્યાર બાદ જે જગ્યા પર માંની મૂર્તિ પ્રગટ થઇ હતી ત્યાં મંદિર બનાવી દેવામાં આવ્યું છે. આ મંદિરમાં મૂર્તિને પરસેવો નીકળે છે. પુજારી જણાવે છે કે વર્ષો થઇ ગયા પરંતુ આજ સુધી આ રહસ્યની કોઇ શોધ નથી કરી શક્યું. ઘણીવાર પુરાતત્વવિજ્ઞાનિઓએ પણ આ અંગે શોધખોળ કરી પરંતુ કંઇ સમજમાં ન આવ્યું.
ભદ્રકાળી ભલેઇ મંદિરનો રોચક ઇતિહાસ
ડેલહાઉસીથી અંદાજે 38 કિલોમીટરના અંતરે સ્વયંભૂ પ્રગટ થયેલા માં ભલેઇનું મંદિર છે. કહેવાય છે કે ભદ્રકાળી માતા ભલેઇ ભ્રાણ નામના સ્થાને સ્વયંભૂ પ્રગટ થઇ હતી અને ચંબાના રાજા પ્રતાપ સિંહ દ્વારા માં ભલેઇનું નિર્માણ કરાવાયું હતું.
મંદિરની સ્થાપનાના લગભગ 280 વર્ષ બાદ,ચંબાના રાજા શ્રી સિંહની રાણીના મનમાં ભગવતીના દર્શન કરવાની તીવ્ર ઇચ્છા થઇ. તે પોતાની દાસીઓ સહિત જ્યારે મંદિરમાં પ્રવેશ કરવા લાગી તો પુજારીએ તેમને મંદિરમાં જતા રોક્યા, પરંતુ તે પણ રાજહઠ આગળ લાચાર હતા. આ રીતે શ્રી સિંહની રાણી ઇતિહાસમાં ભગવતી માતાના દર્શન કરનારી પ્રથમ મહિલા બની. અંહકારના મદમાં રાણી જેવી એક સીડી ઉપર ચઢતી, તેવી બકરાની બલી આપતી. જેવી તેની નજર ભગવતીની દિવ્ય મૂર્તિ પર પડી તેમની આંખોની જ્યોતિ જતી રહી. ત્યારે રાણીએ માતાની ક્ષમા યાચના કરી. અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને તેમને માતાના દર્શનની કામના કરી. ત્યારે માતાએ રાણીની નેત્રજ્યોતિ પાછી આપી.
આ ઘટનાના લગભગ 110 વર્ષ બાદ માતા ભલેઇએ પોતાની ભક્ત દુર્ગા કટોચને સ્વપ્નમાં આવી દર્શન દિધા અને મંદિરમાં આવવાની વાત કરી. ત્યારથી દુર્ગા કટોચ પોતાની બહેનપણીઓ સહિત માતાના મંદિરમાં પહોંચી અને પુજારી સાથે ચર્ચા કરીને મંદિરામાં પ્રવેશ કરી ભગવતી માં ભલેઇના દર્શન કર્યા. માતા ભલેઇએ દુર્ગા કટોચને આદેશ કર્યોકે આજથી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવિષ્ટ થઇને મારા દર્શન કરી શકે છે. ત્યારથી ભગવતી મહામાયાના મંદિરમાં લાખો સ્ત્રીઓ દર્શન કરીને મનોવાંછિત ઇચ્છા પ્રાપ્ત કરી ચુકી છે.
કહેવાય છે કે એક વાર ચોર માં ભલેઇની પ્રતિમાને ચોરી કરીને લઇ ગયા હતા. ચોર જ્યારે ચૌહડા નામના સ્થળે પહોંચ્યા તો એક ચમત્કાર થયો. ચોર જ્યારે માતાની પ્રતિમાને ઉઠાવીને આગળ વધતા તો આંધળા થઇ જતા અને પાછળ જોતા તો બધુ જ દેખાતુ. આનાથી ભયભીત થઇને ચોર ચૌહડામાં જ ભલેઇની પ્રતિમાને છોડીને ભાગી ગયા હતા. પછીથી પૂર્ણ વિધિ વિધાન સાથે માતાની બે ફૂટની ઊંચી કાળા રંગની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી. માનવામાં આવે છે કે માતા જ્યારે પ્રસન્ન થાય છે તો પ્રતિમામાંથી પરસેવો નીકળે છે. પરસેવો નીકળવાનો અર્થ છે કે માતા સમક્ષ માંગવામાં આવેલી ઇચ્છા પૂર્ણ થશે.
મંદિરની બનાવટ અને વાસ્તુકળા
લોકોનું કહેવું છે કે મંદિરને બનાવવા માટે માં ભલેઇએ જ ચંબાના રાજા પ્રતાપ સિંહને ધન ઉપલબ્ધ કરાવ્યું હતું. હજારો વર્ષો પહેલા બનેલા આ મંદિરની વાસ્તુકળાને જોઇને દરેક આશ્ચર્યચકિત થઇ જાય છે એટલું આ સુંદર છે. ભલેઇ માતાની ચતુર્ભુજી મૂર્તિ કાળા પથ્થરથી બનેલી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે. માતાના ડાબા હાથમાં ખપ્પર અને જમણા હાથમાં ત્રિશુળ છે. મંદિરના મુખ્ય દ્વાર પર ઓરિસ્સાના કલાકારોની કારીગરીનો શાનદાર નમૂનો જોઇ શકાય છે.
ચંબામાં જોવાલાયક અન્ય સ્થળો
ચંબામાં ચમેરા તળાવ સુંદર અને પ્રાકૃતિક તળાવ છે. જે પોતાના આકર્ષણથી પર્યટકોને ઘણું જ આકર્ષિત કરે છે. ચમેરા તળાવ ડેલહાઉસીથી 25 કિ.મી. દૂર છે. જે વાસ્તવમાં ચમેરા બંધ દ્વારા નિર્મિત એક જળાશય છે અને 1700 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
મણિમહેશ સરોવર હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌર ઉપખંડમાં 4,080 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. સરોવર મણિમહેશ કૈલાસ પર્વતની વર્જિન શિખરની નજીક સ્થિત છે, જેને ભગવાન શિવનું પવિત્ર નિવાસ માનવામાં આવે છે. આ સરોવર પર્યટકો અને તીર્થયાત્રીઓને પોતાની બાજુ આકર્ષણથી ઘણું જ પ્રભાવિત કરે છે. આ સ્થાન ટ્રેકિંગ પ્રેમીઓ માટે ખાસ છે કારણ કે અહીં 13 કિલોમીટરનો ટ્રેકિંગ માર્ગ સામેલ છે. આ સરોવરની યાત્રા કરનારા પર્યટક અહીંની મનમોહક પહાડો અને હરિયાળી જોયા બાદ પણ થાક નથી અનુભવતા.
કેવી રીતે પહોંચશો ડેલહાઉસી
ભલેઇ ગામ ડેલહાઉસીથી 35 કિ.મી. દૂર છે. ડેલહાઉસી માટે દિલ્હી, જમ્મૂ, અમૃતસર, પઠાણકોટ અને ગગલ (ધર્મશાળા) સુધી હવાઇ માર્ગ અને ત્યાંથી આગળ બસ કે ટેક્સીના માધ્યમથી પહોંચી શકાય છે. અહીં પહોંચવા માટે પઠાણકોટ સુધી ટ્રેનની સુવિધા પણ છે. પઠાણકોટથી ડેલહાઉસીનું અંતર 82 કિલોમીટર છે. દિલ્હીથી 565 કિ.મી., ચંદીગઢથી 325 કિલોમીટર, પઠાણકોટથી 82 કિલોમીટર તથા કાંગડા એરપોર્ટથી 120 કિલોમીટરનું દૂર છે.