ગુજરાતમાં ચોમાસા દરમિયાન સક્રિય થતા વોટરફોલ પણ થોડોક સમય જ જોવા મળશે. નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં મોટાભાગના વોટર ફોલ પાણી વગરના થઇ જશે અથવા તો જે છે તેમાં પાણી ઓછું થઇ જશે ત્યારે જો તમારે વોટરફોલ જોવા જવું હોય તો અત્યારે બેસ્ટ સમય છે. આમ તો આપણે અગાઉના આર્ટિકલમાં ઘણાં વોટરફોલ વિશે વાતો કરી ચૂક્યા છીએ પરંતુ આજે અમે તમને વડોદરા નજીકના વોટરફોલ વિશે જણાવીશું. આ વોટર ફોલમાં તમે ન્હાવાની મજા માણી શકો છો. ફોટોગ્રાફી કરી શકો છો. તેના લોકેશનને એક્સપ્લોર કરી શકો છો. તો આવો શરૂઆત કરીએ..
નજરમાતા વોટરફોલ
વડોદરાથી લગભગ 66 કિલોમીટર દૂર શિવરાજપુર નજીક આ વોટર ફોલ આવેલો છે. અહીં જવા માટે તમારે હાલોલ થઇને જવું પડશે. વડોદરાથી ગાડી લઇને જાઓ તો લગભગ સવા કલાક થાય. જો તમે પોતાની ગાડી લઇને જતા હોવ તો નાની ગાડી લઇને જજો કારણ કે રસ્તો કાચો અને સાંકડો છે. તમારી ગાડીને પાર્ક કર્યા બાદ એકથી બે કિલોમીટર સુધી જંગલમાં ટ્રેકિંગ કરીને જવું પડશે. રસ્તામાં તમને ભરપુર ગ્રીનરી જોવા મળશે. રસ્તામાં તમને નાનો-મોટા ઝરણાં પણ જોવા મળશે. તમે કુદરતની સુંદરતાનો અનોખો અનુભવ થશે. અહીં તમને અપાર શાંતિનો અનુભવ થશે.
વોટરફોલની આસપાસ તમને કંઇ ખાવા-પીવા મળશે નહીં એટલે સાથે નાસ્તો અને પાણીની બોટલ રાખજો. તમે ઝરણામાં પાણીની વચ્ચેથી જવું પડશે. એટલે કે ટ્રેકિંગમાં તમે જે શૂઝ પહેરો છો તે પહેરીને જજો. તમને જંગલની આસપાસ પહાડો પણ જોવા મળશે. જો તમારે વોટરફોલમાં ન્હાવું હોય તો વોટરફોલમાં બેસીને ન્હાવાની મજા માણી શકો છો. જંગલમાં ટ્રેકિંગ કરતી વખતે સાવધાની રાખવી પડશે કારણ કે પથ્થર પર લીલ જમા થયેલી હોય છે.
પાણીનો ફોર્સ વધારે હોવાથી પડી જવાનું જોખમ પણ રહેતું હોય છે. એટલે સાવધાની રાખજો. અહીં નજરમાતાનું મંદિર છે. આ મંદિર પથ્થરોની ગુફાની અંદર આવેલું છે જ્યાં તમે દર્શન કરી શકો છો. મંદિરની ગુફાની ઉપરથી પાણી પડે છે જે જોવામાં અદ્ભુત લાગે છે. મંદિરની થોડીક નજીક જ વોટરફોલ આવેલો છે. જ્યાં જવા માટે પથ્થરોને પાર કરીને જવું પડશે. વોટરફોલ નાનો છે એટલે ડુબી જવાનું કોઇ જોખમ નથી. જો કે કેટલીક જગ્યાએ પાણીની ઉંડાઇ વધારે છે એટલે બાળકોને લઇને જતા હોવ તો સાવધાની રાખજો.
ધારસીમેલ વોટરફોલ, નસવાડી
અમારી યાદીમાં એક બીજો વોટરફોલ છે જેનું નામ છે ધારસીમેલ વોટર ફોલ. આ ધોધ વડોદરાથી 110 કિલોમીટર દૂર આવેલો છે. હવે વડોદરાથી અહીં કેવી રીતે જવું તેની વાત કરીએ તો તમે ગાડી લઇને નીકળો અને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીવાળા રોડ પર આવો ત્યારે તમને ડાબી બાજુ દેવળિયા 6 કિલોમીટર એવું બોર્ડ દેખાશે. આ તિલકવાડા છે જ્યાંથી ડાબી વાજુ વળશો એટલે છ કિલોમીટર દૂર દેવળિયા આવશે. આગળ વધશે એટલે ગલુપુરાનું બોર્ડ આવશે જ્યાંથી ડાબી બાજુ વળી જવું પડશે. આ રસ્તો નાનકડો અને સિંગલ છે એટલે ગાડી ધ્યાનથી ચલાવજો. આગળ જતા 3 રસ્તા આવશે ત્યાંથી જમણી તરફ વળી જજો. આગળ પાનતલાવડી આવશે જ્યાંથી કેનાલનો રોડ પકડી લેજો. આગળ જઇને તમે દુગ્ધા તરફ જજો જ્યાંથી ધારસીમેલ 8 કિલોમીટર દૂર છે. આ રસ્તા તમને ખુજ બ લીલોતરી અને કુદરતી સૌંદર્ય જોવા મળશે. પ્રકૃતિની સુંદરતાને મનભરીને માણી શકાય છે.
આ માત્ર એક એક ધોધ નથી પરંતુ પ્રકૃતિનો સુંદર ખજાનો છે જેને તમારે તમારી આંખો રૂપી ચાવીથી લુંટવાનો છે. થોડેક દુર ગાડીને પાર્ક કરીને તમારે ચાલતા ધોધ સુધી જવું પડશે. વોટરફોલ ઘણો જ સુંદર છે તમે છેક ધોધની નજીક જઇને તેમાં ન્હાવાની મજા પણ માણી શકો છો.
વડોદરાથી નજીક અન્ય વોટરફોલ
ઉપરના વોટરફોલ સિવાય પણ કેટલાક વોટર ફોલ જે વડોદરાથી નજીક આવેલા છે. જેમાંનો એક છે ખુણિયા મહાદેવ વોટરફોલ. આ વોટરફોલ વડોદરાથી 54 કિલોમીટર દૂર આવેલો છે. જે પાવાગઢના માચી બસ સ્ટેન્ડથી 7 કિલોમીટર દૂર આવેલો છે. તમે પાવાગઢ જાઓ ત્યારે પાવાગઢના એન્ટ્રી ગેટ પર સક્કરખાનની દરગાહ આવેલી છે. જેની બિલકુલ નજીકમાં જ ખુણિયા વોટરફોલ જવાનો સાંકડો રસ્તો આવેલો છે.
આ જંગલનો રસ્તો 3 કિલોમીટરનો છે. સમગ્ર રસ્તા પર તમને કુદરત હોવાની અનુભુતિ થશે. અહીં પાતાળ લેક છે જ્યાંથી પસાર થતા તમને પાણીનો અવાજ સંભળાશે. અંદર વિશ્વામિત્રી નદી આવે છે. કેટલીક જગ્યાએ દોરડાની મદદથી નદી ક્રોસ કરવી પડે છે. ખુણિયા મહાદેવ એક ખુબજ ઉંચાઇ પરથી પડતો વોટરફોલ છે. પરંતુ ત્યાં ન્હાવાની મજા આવશે.
આ વોટર ફોલથી 7 કિલોમીટર દૂર એક બીજો વોટર ફોલ છે જેનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ. આ વોટરફોલ વડોદરાથી 47 કિલોમીટર દૂર આવેલો છે. રાજપીપળા નજીક એક વોટર ફોલ છે કાળિયા ભૂત વોટર ફોલ. આ વોટર ફોલ વડોદરાથી 82 કિલોમીટર દૂર આવેલો છે. રાજપીપળામાં કરજણ ડેમની નજીક બાર વણઝાર વોટર ફોલ આવેલો છે જે પણ ખુબ જ સુંદર વોટરફોલ છે. આ વોટરફોલ વડોદરાથી 82 કિલોમીટર દૂર આવેલો છે. તમે અહીં સ્નાન કરી શકો છો અને ફેમિલીની સાથે એન્જોય પણ કરી શકો છો. તમારે અહીં જવા માટે પોઇચાથી રાજપીપળાવાળા રોડ પર જવું પડશે. રાજપીપળા શહેરમાંથી આગળ વધતા એક કેનાલ આવશે જ્યાંથી તમારે ડાબી બાજુ જવું પડશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો