દરેક શહેરને પોતાનું સ્ટ્રીટ ફૂડ હોય છે જ્યાં લોકો મોટી સંખ્યામાં ટેસ્ટી ચટાકો કરવા જતા હોય છે. આમ તો વીકેન્ડમાં ગુજરાતીઓ હોટલ કે રેસ્ટોરન્ટમાં લંચ કે ડીનર માટે જતા હોય છે અને પંજાબી, કાઠીવાડી, પિઝા, ચાઇનીઝ કે સાઉથ ઇન્ડિયન તેમનું ફેવરિટ છે. પરંતુ જ્યારે વાત આવે સ્ટ્રીટ ફૂડની તો હાલતા-ચાલતા લોકો સ્ટ્રીટ ફૂડની મજા માણે છે. અમદાવાદ પણ તેના સ્ટ્રીટ ફૂડ માટે જાણીતું છે. અમદાવાદમાં એવા ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો સ્ટ્રીટ ફૂડ માણવા જાય છે. તો આવો અમદાવાદની કેટલીક આવી જ જગ્યાઓ વિશે વાત કરી અને જાણીએ કે અમદાવાદીઓનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ કયું છે.
સામાન્ય રીતે દરેક શહેરમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણે સ્ટ્રીટ ફૂડ મળતા હોય છે જે લોકોના ફેવરિટ હોય છે. જ્યારે કેટલીક જગ્યાઓ એવી હોય છે જેનો ટેસ્ટ માણવા લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય છે. પછી ભલે તેના માટે 10 કે 20 કિલોમીટર દૂર જ કેમ ન જવું પડે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ જુના અમદાવાદમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં લોકો ફુટપાથ પર લારી કે સ્ટોલ પર તેમનો ફેવરિટ નાસ્તો કરવા અચૂક પહોંચી જાય છે.
અંબિકા, ગુજરાતના દાળવડા
અમદાવાદમાં અંબિકા અને ગુજરાત કોલેજના દાળવડા ખુબ જ ફેમસ છે. આમતો હવે અમદાવાદમાં અંબિકા નામ વિવિધ વિસ્તારોમાં દાળવડા વેચાય છે પરંતુ ગોતા ચાર રસ્તા પાસે આવેલા અંબિકા દાળવડા વર્ષો જુના અને પ્રખ્યાત છે. લગભગ 42 વર્ષ જુની આ જગ્યાએ દાળવડા સાથે ડુંગળી-મરચા આપવામાં આવે છે. તે ખાવામાં એકદમ સોફ્ટ હોય છે. શરુઆત એક લારીથી થઇ હતી અને આજે અહીં એક મોટી દુકાન છે.
આ જ રીતે ગુજરાત કોલેજના દાળવડા પણ પ્રખ્યાત છે. ફોર્ચ્યુન પાર્ક, એલિસબ્રિજમાં ગાંધીગ્રામ રેલવે ફાટક પાસે આવેલા ગુજરાતના દાળવડા આજે પણ લોકો હોંશેહોંશે ખાય છે. અહીં દાળવડા સિંગતેલમાં બનાવાય છે અને પીરસવા માટે સફેદ પેપર આપવામાં આવે છે. આ જગ્યા લગભગ 45 વર્ષ જુની છે. અહીં દાળવડા સાથે મસાલા ફુદીના અને ગોળકેરીની ચટણી પણ આપવામાં આવે છે.
જયભવાની વડાપાઉં
જયભવાની વડાપાઉં અમદાવાદમાં જુનું અને જાણીતું નામ છે. 1998માં અમદાવાદના સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટથી શરુ થયેલી વડાપાઉંની આ યાત્રા આજે તો 135 કરતા વધુ ફ્રેન્ચાઇઝી ધરાવે છે. અહીંના વડાપાઉંની સાથે મળતી ગ્રીન ચટણી લોકોને બહુ ભાવે છે. બટર વડાપાઉંમાં બટર પણ અમૂલનું જ વાપરવામાં આવે છે. હાઇજીનનું અહીં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ વડાપાઉં ખાવાની મજાજ જ કંઇક જુદી છે તો તૈયાર થઇ જાઓ જયભવાનીના વડાપાઉં ખાવા માટે.
માણેક ચોક ફૂડ માર્કેટ
અમદાવાદી સ્ટ્રીટ ફૂડ માટે લોકોની સૌથી ફેવરટિ કોઇ જગ્યા હોય તો તે છે માણેક ચોક ખાણીપીણી બજાર. અહીં તમને પાણીપુરી, પાઉંભાજીથી માંડીને સેન્ડવિચ, કુલ્ફી, આઇસક્રીમ સહિત દરેક પ્રકારનું ફૂડ મળી જશે. માણેક ચોકમાં તમે પાઉંભાજી અને પુલાઉ, ગ્વાલિયાના ગોટાળા ઢોસા (ડોસા), જુદાજુદા પ્રકારની સેન્ડવિચ જેમાં પાઇનેપલ સેન્ડવિચ સૌથી લોકપ્રિય છે નો સ્વાદ માણી શકો છો. આ ઉપરાત કેડબરી સેન્ડવિચ, ઘૂઘરા સેન્ડવિચ સહિત અનેક સેન્ડવિચનો સ્વાદ માણી શકો છો. ચાઇનીઝમાં નૂડલ્સ, મંચુરીયન, ભેળ સહિત અનેક ચાઇનીઝ આઇટમ્સ મળશે. આ ફૂડ માર્કેટ રાતે 1 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ભાવ પણ વ્યાજબી હોય છે. અહીં અલગ અલગ પ્રકારના ફ્રૂટના શોટ્સ મળે છે. આ એક પ્રકારનો ફળનો જ્યૂસ છે પરંતુ તે અલગ રીતે બનાવાય છે. જામુન શોટ્સ લોકોમાં વધારે પ્રિય છે.
ઇસ્કોનના ગાંઠિયા, એસજી હાઇવે
નરેન્દ્ર મોદીએ 2014માં ચાય પે ચર્ચા કર્યા બાદ ઇસ્કોન ગાંઠિયા લાઇમલાઇટમાં આવ્યા હતા. અહીંના ગાંઠીયા, ચટણી લોકોને દાઢે વળગે છે. એસ.જી.હાઇવે પર કર્ણાવતી ક્લબની સામે આ જગ્યાએ યુવાઓનો અડ્ડો બની ગઇ છે. અહીં લોકો ગાંઠીયા અને રજવાડી ચા પીવા માટે આવે છે.
અપના પંજાબ પરોઠા, વસ્ત્રાપુર
પરોઠા ખાવા માટે આ જગ્યા બેસ્ટ છે. એક શીખ પરિવાર દ્વારા ચાલતું પંજાબ પરોઠા હાઉસ તેના આલુ, ઓનિયન, અમૃતસરી પરોઠા માટે જાણીતું છે. અને અનેક વેરાઇટીમાં પરોઠા મળે છે. વસ્ત્રાપુર તળાવથી માનસી ચાર રસ્તા તરફ જતા આ રેસ્ટોરન્ટ આવે છે. પરોઠા સિવાય અહીં પંજાબી શાક પણ મળે છે. અહીં પરોઠા સાથે દહીં તમને પીરસવામાં આવે છે.
ગજાનન પૌંઆ, એસજી હાઇવે
એસ.જી.હાઇવે, કર્ણાવતી ક્લબની સામે આવેલા ગજાનન પૌંઆ હાઉસમાં તમને તમારા ફેવરિટી રેગ્યુલર બટાકા પૌંઆ, દહીં પૌંઆ, ચીઝ પૌંઆ મસાલા પૌંઆ, પીનટ પૌંઆ, મસાલા પોટેટો પૌઁઆ સહિત પૌંઆની અનેક વેરાયટી મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં એક નાનકડી લારીથી ગજાનન પૌંઆ હાઉસની શરુઆત થઇ હતી. આજે તો અનેક વિસ્તારમાં તેની હાજરી છે.
શ્રી જય જલારામ ખમણ હાઉસ, મણીનગર
પૂર્વમાં મણીનગર વિસ્તારમાં મણીનગર ક્રોસિંગથી દક્ષિણી સોસાયટી તરફ જતા વિસ્તારમાં આવેલી જય જલારામ ખમણ હાઉસ 34 વર્ષ જુની ખમણની દુકાન છે. 1987માં શરુ થયેલી જલારમ ખમણ હાઉસમાં વાટીદાળના ખમણ લોકપ્રિય છે. એક લારીથી શરુ કરીને આજે એક મોટી દુકાન સુધી આ ધંધાનું વિસ્તરણ થયું છે. અહીં તમને ખમણ ઉપરાંત, ફાફડા, ખાંડવી, સમોસા, વડાપાઉં, દાબેલી, જામનગરી ઘુઘરા, પનીર ચીઝ રોલ, પૌઆં વગેરે પણ મળે છે. સવારે 8 રાતે 8 સુધી તમે અહીં ખમણનો ચટાકો કરી શકો છો.
ગીતાના સમોસા, આનંદનગર
આનંદનગર વિસ્તારમાં સીમા હોલ પાસે 100 ફૂટ રોડ પર આવેલું છે સીતા સમોસા સેન્ટર. આમતો અમદાવાદમાં માનસી સર્કલ, નહેરુનગર એમ અનેક જગ્યાએ ગીતા સમોસા સેન્ટર આવેલા છે. ગીતા સમોસા સેન્ટરમાં રેગ્યુલર સમોસા, કચોરી, નવતાડના સમોસા પ્રખ્યાત છે. કચોરીમાં કાંદા કચોરી લોકો વધારે પસંદ કરે છે. સમોચાની સાથે આપવામાં આવતી ગળી અને તીખી ચટણી લોકોને વધુ ભાવે છે. અહીં ચાઇનીઝ સમોસા પણ મળે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો