વેલકમ 2023! નવા વર્ષને આવકારવા માટે ઉપડી જાઓ ભારતની આ શ્રેષ્ઠ રોડટ્રીપ પર!

Tripoto
Photo of વેલકમ 2023! નવા વર્ષને આવકારવા માટે ઉપડી જાઓ ભારતની આ શ્રેષ્ઠ રોડટ્રીપ પર! 1/1 by Jhelum Kaushal

રોજિંદા જીવનમાંથી બ્રેક લેવા અને તન-મનને રિલેક્સ કરવા માટે રોડટ્રીપથી વધુ સારો ઉપાય કોઈ નથી. અલબત્ત, વીકએન્ડમાં તમે તમારા શહેરની નજીકના ફરવાના સ્થળોએ પ્રવાસ કરતાં જ હશો પણ જે મજા રોડટ્રીપમાં છે તે સાચે જ શ્રેષ્ઠ છે. તેમાં પણ વળી ભારત જેવા ભવ્ય અને વિવિધતાપૂર્ણ દેશમાં બસ કે કારમાં રોડટ્રીપ કરવી એ નિશ્ચિતપણે એક અનોખો અનુભવ છે. અમે તમારા માટે ભારતની શ્રેષ્ઠ રોડટ્રીપની યાદી તૈયાર કરી છે:

લેહથી તુરતુક

લદ્દાખ તો સૌ કોઈ પ્રવાસીનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. તેમાં પણ ભારતની સૌથી ઉત્તરે આવેલા છેલ્લા ગામ હોવાનું બહુમાન ધરાવતા તુરતુકનું વિશેષ મહત્વ છે. લેહથી તુરતુક જવા માટેનો રસ્તો વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગ લા તેમજ ખૂબસુરત નુબ્રા વેલીથી પસાર થાય છે. આ રોડટ્રીપ તમે કરેલી તમામ રોડટ્રીપમાં સૌથી યાદગાર બની રહેશે. વળી, રસ્તાની સુંદરતાની સાથોસાથ તુરતુક પણ એક જોવાલાયક જગ્યા છે.

ઇન્દોરથી માંડું

ઇન્દોર શહેરથી 85 કિમી દૂર ઐતિહાસિક નગરી માંડું આવેલી છે. આ બંને નગરો વચ્ચે ખૂબ સારો રસ્તો છે જે આ રોડટ્રીપને સરળ બનાવે છે. 2 થી 2.5 કલાક જેટલો સમય લેતી આ રોડટ્રીપમાં રસ્તા આસપાસ ઉભેલા હારબંધ વૃક્ષો ખૂબ આકર્ષક લાગે છે. મધ્ય પ્રદેશ રાજ્યની આ શ્રેષ્ઠ રોડટ્રીપમાંની એક છે તેમ કહી શકાય.

અમદાવાદથી સાપુતારા

સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન છે. અમદાવાદથી સાપુતારાનો રસ્તો હરિયાળીથી ભરપૂર છે અને રસ્તામાં અનેક જોવાલાયક સ્થળો પણ આવેલા છે. આ રસ્તામાં વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ, ભરૂચનો પ્રાચીન ગોલ્ડન બીચ તેમજ નવસારી બીચના નજારા પણ જોવા મળે છે. વરસાદની ઋતુમાં સાપુતારા તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે.

પૂરીથી ચિલીકા સરોવર

પૂરીથી ચિલીકા 114 કિમી અંતરે આવેલું છે. ચોમાસામાં આ સરોવરનો વિસ્તાર 1100 સ્ક્વેર કિમી જેટલો હોય છે. ખુલ્લો આધુનિક રસ્તો અને રસ્તાની બંને બાજુએ હરિયાળી આ ટ્રીપને અનોખી બનાવે છે. સરોવરની નજીક પહોંચતા સાથે જ દરિયાઈ સુગંધ મન મોહી લેવા સક્ષમ છે. અહીં સાતપડા નામની જગ્યાએ ડોલ્ફિન પણ જોવા મળે છે.

દીબરૂગઢથી નામસાઈ

ભારતનાં પૂર્વોત્તર ભાગની આ રોડટ્રીપની શરૂઆત દીબરૂગઢ એરપોર્ટથી થાય છે. રસ્તામાં ચાના બગીચાની હરિયાળી અને કેટલીક જગ્યાએ બ્રહ્મપુત્રા નદીના અદભૂત નજારા આ રસ્તાને વધુ મનમોહક બનાવે છે. આ રસ્તો જંગલ અને આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે જે પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી દર્શાવે છે. નામસાઈ પહોંચ્યા બાદ વાંસની બનેલી બુદ્ધની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાનું ન ભુલશો.

મુંબઈથી દીવાર ટાપુ

કોઈ પણ રોડટ્રીપની યાદી મુંબઈ-ગોવાની રોડટ્રીપ વગર અધૂરી છે. મુંબઈથી દીવાર ટાપુ પણ આવી જ એક શાનદાર રોડટ્રીપ છે. તે માટે મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઇવેથી થઈને ગોવા પહોંચવું પડે છે અને ઓલ્ડ ગોવામાં વાઈસરૉય આર્ક નજીકની ફેરીમાં તમે તમારું વાહન ચડાવીને આઇલેન્ડના પ્રવાસે જઈ શકો છો. આ રસ્તામાં ખૂબ મનોરમ્ય કુદરતી નજારા જોવા મળે છે.

ઋષિકેશથી ઔલી

હિમાલય અને યોગ-આધ્યાત્મમાં રસ ધરાવતા લોકો માટે ઋષિકેશ એક મસ્ટ વિઝિટ ડેસ્ટિનેશન છે. આ સુંદર પહાડી જગ્યાએથી વધુ સુંદર પહાડી શહેર ઔલીની રોડટ્રીપ ખૂબ જ મજેદાર જ હોવાની. આ રસ્તો ચકરાતા અને દહેરાદૂનથી પસાર થાય છે. ઔલી પહોંચીને સ્કીઇંગ અને કેબલકારની મજા આ રોડટ્રીપને યાદગાર બનાવી દેશે.

ચંડીગઢથી પંપોર

કાશ્મીર એ કેસર માટે પ્રખ્યાત છે એ સૌ જાણે છે પણ બહુ ઓછા લોકો એ જાણતા હશે છે કે કાશ્મીરમાં કેસરની સૌથી વધુ ખેતી શ્રીનગરથી માત્ર 17 કિમી દૂર આવેલા પંપોરમાં થાય છે. ચંડીગઢથી પંપોરની આ યુનિક રોડટ્રીપ પઠાણકોટ, ઉદ્ધમપુર, પટનીટોપ અને અનંતનાગ જેવા શહેરોમાંથી પસાર થાય છે. આ રોડટ્રીપ માટે ઓકટોબર અને નવેમ્બર મહિનો શ્રેષ્ઠ સમય છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads