તમે ક્યારેય ભાવનગર આવ્યા છો કે નહીં.? આવ્યા હોય કે ના આવ્યા હોય પણ એટલી તો ખબર જ હશે કે ભાવનગરની કઈ ત્રણ વસ્તુઓ વખણાય છે.? હા, બિલકુલ..! ભાવનગરના ગાય, ગાન્ડા, અને ગાંઠિયા..! પણ ભાવનગરમાં આ ત્રણ વસ્તુ જ છે એવું નથી હો. ભાવનગર કળાનગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. સાથે અહીં જોવાલાયક સ્થળો પણ ઘણા છે. જેમાંના કેટલાક ઓફબીટ કહી શકાય તેવા પણ છે. તો ચાલો આજે હું તમને ભાવનગરની આજુબાજુના એવા સ્થળોએ લઈ જાઉ જ્યાં જઈને તમારું દિલ ખુશ થઈ જશે..!!
1. પાલીતાણા
પાલીતાણા ભાવનગરનું એવું ગામ છે જેના વિશે ભાગ્યેજ કોઈ નહીં જાણતું હોય. કેમકે પાલીતાણા ખૂબ જાણીતું એવું જૈન તીર્થ સ્થળ છે. આ ગામ વિશે કહેવાય છે કે જૈન તીર્થંનકરો મા ના પહેલા તીર્થંનકર આદિનાથ ભગવાન એ અહીં તપ કર્યું હતું અને ત્યારબાદ આ મંદિરો વિકસ્યા છે. બીજી ખાસ વાત પાલિતાણાની છે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે તે એ છે કે દુનિયાના પહેલા બે શાકાહારી સિટીમાંનુ એક છે. આ વિશ્વનું એકમાત્ર હિલ છે કે જ્યા 900 કરતાં પણ વધારે મંદિરો છે.
ભાવનગર થી અંતર : 50 કિ.મી
2. હસ્તગીરી
હસ્તગીરી પાલીતાણા નો જ ભાગ છે. પાલીતાણા થી માત્ર 25 કિ.મી.ના અંતરે આવેલું હસ્તગીરી પણ જૈન તીર્થ સ્થળ છે. ભગવાન આદિશ્વર ના સૌથી મોટા પુત્ર ભગવાન રાજા ચક્રવર્તીન એ અહીં ઉપવાસ કરીને મોક્ષ ધારણ કર્યો હતો. અને તેમના હાથીએ તેમના પગલાંને અનુસરી ને અહીં આવેલો હોવાથી આ સ્થળનું નામ હસ્તગીરી પડ્યું છે. હસ્તગીરી થી એક બાજુ શેત્રુંજી પર્વત અને બીજી બાજુ કદમગીરી પર્વત ના દ્રશ્ય ખૂબ રળિયામણા છે. તેમાં પણ ચોમાસામાં તો ચારે બાજુ લીલોતરી, નદી, જેવા મનમોહક દ્રશ્યો જોવા મળે છે.
3. સૌરાષ્ટ્રનું કાશ્મિર : મહુવા
સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતુ મહુવા તેના વાતાવરણ, હરિયાળી, અને નાળિયેરીના પ્લાન્ટેશન ના કારણે ખૂબ સોહામણું લાગે છે. ત્યાં ભવાની માતાનું મંદિર અને ત્યાંનો દરિયો ખૂબ પ્રખ્યાત છે.
ભાવનગર થી અંતર : 93.8 કિ.મી
4. કાળીયાર નેશનલ પાર્ક, વેળાવદર
જો તમે પ્રકૃતિ અને પ્રાણીપ્રેમી છો તો તમારે વેળાવદર જરૂર જવું જોઈએ. અહીં માત્ર કાળિયાર જ નથી પરંતુ બીજા પ્રાણીઓ જેવાકે ફોક્સ, જંગલી બિલાડી, હાયનાસ, બસ્ટર્ડ, જેકલ, એવા કેટલાય પ્રાણીઓ અને પક્ષીઓ આ ઘાસના મેદાનમાં જોવા મળે છે. અરે હા, તમારી જાણ ખાતર કહી દઉં કે આ નેશનલ પાર્ક ચોમાસાની ઋતુમાં બંધ હોય છે.
ભાવનગર થી અંતર : 42 કિ.મી
5. માળનાથ, ત્રમ્બક
તળાજા રોડ પર આવેલું માળનાથ શિવ મંદિર છે. કે જે પહાડો અને ઝરણાઓ ની વચ્ચે છે. ચોમાસામાં ફેમિલી પિકનિક માટે આ એક બેસ્ટ સ્થળ છે. માળનાથ થી જ અમુક અંતરે ત્રમ્બક વોટરફોલ પણ છે. જો માળનાથ જાવ તો ત્રમ્બક જવાનું બિલકુલ ભૂલશો નહીં.
ભાવનગર થી અંતર : 28 કિ.મી
6. ખોડીયાર મંદિર, રાજપરા
આ મંદિર વિશે લગભગ બધા જ લોકો જાણતા હશે કેમ કે અહીં દૂર દૂરથી લોકો લાપસી અને ચાલીને આવવાની માનતા રાખે છે. આ મંદિર પર લોકોને ખૂબ શ્રદ્ધા છે. દર શનિવારે ભાવનગર થી તો કેટલાય લોકો રાત્રે ચાલતા ખોડીયાર મંદિર જાય છે અને સવારે વહેલી આરતીમાં ભળી જાય છે. અહીંનો લાપસીનો પ્રસાદ ખૂબ વખણાય છે. ત્યા રોપ-વે ની પણ સુવિધા છે.
ભાવનગરથી અંતર : 15 કિ.મી
7. નિષ્કલંક મહાદેવ, કોળિયાક
શું તમે જાણો છો.? આ શિવલિંગ દરિયામાં 200 કિમી દૂર આવેલું છે. ભરતી હોય ત્યારે આ મંદિર આખું દરિયામાં ડૂબી જાય છે. અને એક દંતકથા પ્રમાણે પાંડવો અહિ પૂજા કરવા આવેલા. અમાસ મા જ્યારે અહીં મેળો ભરાય ત્યારે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. કોળીયાક થી થોડા અંતરે જ કુડા બીચ છે. જો તમારે તમારા પાર્ટનર સાથે એકાંત માણવું હોય તો આ એક સુંદર બીચ છે.
ભાવનગર થી અંતર : 25 કિ.મી
8. પીરમ બેટ
ભાવનગરમાં એક હીડન આઇલેન્ડ પણ છે. જેના વિશે ઘણા લોકોને ખબર નથી. કુડા બીચ પરથી પીરમબેટ તમે ચોખ્ખો જોઈ શકો છો, પણ જઈ શકતા નથી. આ તે વળી કેવું..? પણ તેની પાછળનું કારણ એ છે કે ત્યાં ઘણા બધા વમળો છે, એટલે જો તમારે પીરમબેટ જાવું હોય તો તમારે ફરીને જવું પડે. તો ચાલો દરિયામાં બોટની મજા માણતા માણતા હીડન આઈલેન્ડ પર પહોંચો.
9. ગોપનાથ બીચ, ઝાંઝમેર બીચ
એમ તો ભાવનગર ના બધા જ બીચ ઉપર જવા જેવું છે કારણ કે અહીંના બધા જ બીજાના ચહેરા અલગ અલગ છે. કોઈ બીચ મડી છે, તો કોઈ રોકી બીચ છે. આવા જ રોકી બીચ ની વાત કરીએ તો ગોપનાથ અને ઝાંઝમેર ના દરિયા કિનારાઓ ખુબ સુંદર છે. ત્યાં જઈને તમને લાગશે કે આપણે કોઈ ફોરેન કન્ટ્રી ના બીચ ઉપર તો નથી આવી ગયા ને.? ભાવનગરમાં યુથ હોસ્ટેલ દ્વારા દર પૂનમે બીચ ટ્રેકિંગ નું આયોજન થાય છે. ચાંદની રાત્રે મિત્રોની સાથે દરિયા પટ્ટી પર ચાલવાનું કોને ન ગમે.? શાંત દરિયો, ચાંદની રાત, અને તમારા મિત્રો કે પછી તમારા ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ. છે ને એક પરફેક્ટ વીક-એન્ડ..?
ભાવનગર થી અંતર : 74.8 કિ.મી
10. માઉન્ટ શેડો, ભંડારીયા
માઉન્ટ શેડો હજુ હમણાં હમણાં જ ખૂબ વિકસિત થયું છે. ત્યાં એક ખૂબ સુંદર રિસોર્ટ છે અને તેની આજુબાજુની પ્રકૃતિ પણ ખુબ સુંદર છે. લોકો ત્યાં ફોટોગ્રાફી કરાવવા ખૂબ જાય છે. તો જો તમે પણ ફોટોસ ના શોખીન હો તો તમારે એકવાર તો ત્યા જવું જ જોઈએ.
ભાવનગર થી અંતર : 26 કિ.મી
આ સિવાય પણ ભાવનગરના શિહોરમાં ગૌતમેશ્વર, બ્રહ્મકુંડ, પહાડ પર આવેલું સિહોરી માતાનું મંદિર જેવા કેટલાય રમણીય સ્થળો છે.
એક મિનિટ, તમને એવો સવાલ થયો હશે કે મેં ભોજન કે ટ્રાન્સપોર્ટેશનની તો કોઈ વાત જ ન કરી. પણ જો તમે ગુજરાતી છો તો તો મારે ભોજનની વાત કરવાની જ ન આવે. કારણકે તમારા બેગમાં કપડાં હોય કે નહીં પણ નાસ્તાનો ડબ્બો તો જરૂર હશે. જેમાં થેપલા, ઢોકળા, હાંડવા, જેવી કેટલીય મજેદાર વસ્તુઓ હશે. અને રહી વાત ટ્રાન્સપોર્ટેશનની તો ભાવનગરથી બધી જ બસ તમને મળી રહેશે. એ પણ કલાક-કલાક એ. અને જો પોતાનું વાહન હોય તો તો કોઈ સવાલ જ નથી.
તો પછી રાહ કોની જોઈ રહ્યા છો..? ભાવનગરમાં છો અને હજુ પણ આ બધા સ્થળે ગયા નથી.? અરે ભાઈ ગાંઠિયા ખાઓ અને ભાવનગરની આજુબાજુ ની પ્રકૃતિની મજા માણો..!!