વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતને અંગ્રેજોના શાસનથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા દિવસ એ વર્ષનો એક એવો દિવસ છે, જ્યારે દેશના વિવિધ ભાગોમાં શહીદોને યાદ કરવામાં આવે છે, જેમણે આઝાદી મેળવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે ઘણા લોકો દેશના વિવિધ ભાગોમાં પહોંચતા રહે છે. જો તમે ખુબ ઉલ્લાસથી મન મૂકીને આઝાદીની ઉજવણી કરવા માંગો છો, તો તમે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાનના આ અદ્ભુત સ્થળોએ પહોંચી શકો છો. આમેય અમદાવાદીઓ માટે રાજસ્થાન ફરવું એક કોઇ નવી વાત નથી. વીકેન્ડમાં ઘણાં લોકો રાજસ્થાન ફરવા જતા હોય છે ત્યારે આવો અમે તમને જણાવીએ કે 15 ઓગસ્ટે તમારે રાજસ્થાનમાં ક્યાં ફરવા જવું જોઇએ.
જેસલમેર
ગોલ્ડન અને સોનેરી સિટીના નામથી પ્રખ્યાત જેસલમેર રાજસ્થાનનું એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક શહેર છે. મનમોહક તળાવો, પવિત્ર અને પ્રખ્યાત જૈન મંદિરો, ચમકતી હવેલીઓ, અદ્ભુત મહેલો અને ભારત-પાકિસ્તાન સરહદ આ શહેરની સુંદરતામાં વધારો કરે છે.
સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે ફરવા માટે તે એક શાનદાર પર્યટન સ્થળ માનવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ તમે ભારત-પાક બોર્ડર 'તનોટ બોર્ડર'ની મુલાકાત લઈ શકો છો. અહીં યોજાનારી પરેડમાં પણ ભાગ લઈ શકાય છે. આ સિવાય જેસલમેર વોર મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકાય છે. તમે જેસલમેરનો કિલ્લો, ગડીસર તળાવ અને સાગર તળાવ પણ જોઈ શકો છો.
જેસલમેરમાં જોવાલાયક સ્થળોની યાદીમાં પટવોં કી હવેલી પ્રથમ નંબર પર છે. અહીં એક જ સંકુલમાં પાંચ નાની હવેલીઓનો ભવ્ય સમૂહ જોઈ શકાય છે. બારીઓ અને બાલ્કનીઓ પર જટિલ કોતરણી અને ઉત્કૃષ્ટ દિવાલ ચિત્રો હવેલીઓની ભવ્યતામાં વધારો કરે છે. વળી અહીં કરવામાં આવેલા ગ્લાસ વર્કને ભૂલી શકાય તેમ નથી. હવાદાર આંગણા અને 60 બાલ્કનીઓ આ હવેલીની સુંદરતામાં વધારો કરે છે. જેના પર ચોક્કસ કોતરણી કરવામાં આવી છે. હવેલીના મ્યુઝિયમમાં તમને પથ્થરના કામ અને પટવા પરિવાર સાથે સંબંધિત કલાકૃતિઓનો દુર્લભ સંગ્રહ પણ જોવા મળશે.
જેસલમેરનો કિલ્લો રાજસ્થાની સ્થાપત્યનું પ્રતિક છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. આ પીળા રેતીના પત્થરના કિલ્લામાં વિવિધ દરવાજા - ગણેશ પોલ, સૂરજ પોલ, ભૂત પોલ અને હવા પોલ દ્વારા પ્રવેશ કરી શકાય છે. દશેરા ચોકને છેલ્લું મોટું આંગણું કહેવાય છે. કિલ્લાની અંદરના કેટલાક મુખ્ય આકર્ષણોમાં લક્ષ્મીનાથ મંદિર, જૈન મંદિર, કેનન પોઈન્ટ, ફોર્ટ મ્યુઝિયમ છે જેમાં પાંચ-સ્તરીય શિલ્પવાળા મહારવાલ પેલેસ છે.
જેસલમેરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક વ્યાસ છત્રી બારા બાગની અંદર સ્થિત છે. અહીં જોવાલાયક બાંધકામો ભવ્ય રાજસ્થાની સ્થાપત્ય અને જટિલ કોતરણી સાથે સોનેરી રંગની રેતીના પથ્થરની છત્રીઓની શ્રેણી છે.
જોધપુર
રાજસ્થાન તેમજ સમગ્ર ભારતમાં બ્લુ સિટી તરીકે પ્રખ્યાત જોધપુર દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. આ શહેર તેની સુંદરતાની સાથે સાથે ઉત્તમ આતિથ્ય માટે પણ પ્રખ્યાત છે.
15 ઓગસ્ટે જોધપુરમાં ઘણી જગ્યાએ આઝાદીની ઉજવણી કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ દેશભક્તિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં સ્થિત મેહરાનગઢ કિલ્લાને ત્રિરંગાથી શણગારવામાં આવ્યો છે. જોધપુરમાં સ્વતંત્રતા દિવસ પર, તમે તૂરજી કી બાવડી, ઉમેદ ભવન પેલેસ અને જસવંત થડા જેવા શ્રેષ્ઠ સ્થળોની શોધખોળ કરી શકો છો.
મહેરાનગઢ કિલ્લો રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ભારત દેશમાં આવેલા કિલ્લા સૌથી મોટા કિલ્લામાંથી એક છે. આ આશરે ૪૧૦ ફૂટની ઉંચી પહાડી પર આવેલ છે. જોધપુર સીટીના મધ્ય વિસ્તારથી આ કિલ્લો લગભગ ૫ કિમીના અંતરે આવેલ છે. આ કિલ્લાની ઉંચાઈ જોઇને તમને પણ એક સેલ્ફી લેવાનું મન થશે!
ઉમેદ ભવન પેલેસ પણ જોવાલાયક છે. ભારતમાં જેટલા પણ પેલેસ બન્યા એમાંથી સૌથી છેલ્લું નિર્માણ આ પેલેસની કરવામાં આવ્યું હતું. આ પેલેસ એ સમયની અદ્દભુત કલાકારી અને કારીગરીનું બેનમુન ઉદાહરણ છે. જોધપુર ફરવા આવતા પર્યટકો માટે આ પેલેસ મુખ્ય આકર્ષણ રહે છે. ઉમેદ ભવન પેલેસની રચના એવી રીતે બનાવવામાં આવી છે કે જેને વર્લ્ડ હેરીટેજ હોટેલનું સ્થાન મળ્યું છે. આજે પણ જોધપુરના આ પેલેસને શાહી પરિવાર માટે ૧૯૪૩ની યાદી માનવામાં આવે છે.
જોધપુરમાં ઘંટાઘર એક શાનદાર કલોક ટાવર છે. લગભગ 140 થી 150 વર્ષ પહેલા મહારાજા સરદારસિંહએ આ ટાવરની નિર્માણ કામ કરાવ્યું હતું. આ ટાવર એ લોકો માટે સારી એવી યાત્રા ગણાય છે જેને જોધપુરની વર્ષો પુરાણી સંસ્કૃતિ જોવાનો આનંદ હોય. કલોક ટાવર આમ તો બજારથી ભરાયેલ છે, અહીં તમે પ્રસિદ્ધ સરદાર માર્કેટ જોવાનો પણ આનંદ લઇ શકો છો.
મંડોર ગાર્ડન જોધપુર શહેરને બેસ્ટ બનાવે છે. આ સ્થળને નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે અને આ સ્થળની લોકચાહનાને જાહેર કરે છે. આપ પણ જોધપુર શહેરની ટ્રીપ પ્લાન કરો ત્યારે આ ગાર્ડનની વિઝીટ કરવાનું ભૂલતા નહીં. આ બગીચામાં એક સરકારી સંગ્રહાલય છે, જે કલાકૃતિ અને જૂના સમયના અવશેષથી ભરેલ છે. ફરવાની મજા સાથે રોમાંચનો અનુભવ કરાવે એવું સ્થળ છે મંડોર ગાર્ડન..
ઉદયપુર
સિટી ઓફ લેક્સના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત ઉદયપુર સ્વતંત્રતા દિવસ પર ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. 15 ઓગસ્ટના વિશેષ અવસર પર, શહેરના લગભગ દરેક કિલ્લા, મહેલ અને હેરિટેજ હોટલને ત્રિરંગાથી શણગારવામાં આવે છે.
સિટી પેલેસ, પિચોલા લેક, ફતેહસાગર લેક, સજ્જનગઢ પેલેસ, વિન્ટેજ કાર મ્યુઝિયમ અને દૂધ તલાઈ મ્યુઝિકલ ગાર્ડન ઉદયપુરમાં જોવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો છે. આ સિવાય તમે તળાવોમાં બોટિંગની મજા પણ માણી શકો છો. જગદીશ મંદિર ઉદયપુરના સિટી પેલેસ પરિસરમાં આવેલું એક ખૂબ જ આકર્ષક અને સુંદર મંદિર છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરના નામથી પણ જાણીતું છે. આ મંદિરની સુંદર નકકાશી, આકર્ષક મૂર્તિઓ અને અહીંનું શાંતિપૂર્વક વાતાવરણ પ્રવાસીઓ અને યાત્રીઓ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પેલેસના બારા પોલમાંથી પણ જોઈ શકાય છે.
સજ્જનગઢ પેલેસનું નામ મહારાજ સજ્જન સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. વર્ષ 1884માં તેમના દ્વારા જ પેલેસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં વાદળોનો અદ્ભૂત નજારો માણવા માટે ખાસ આ પેલેસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અહીંથી લેક પિચોલા અને આસપાસના ગામડાઓના દ્રશ્યો પણ જોઈ શકાય છે. આ પેલેસમાં રાજપૂતી સંસકૃતિના અનોખી ઝલક જોવા મળે છે.
માઉન્ટ આબુ
રાજસ્થાનના સિરોહ જિલ્લામાં સ્થિત માઉન્ટ આબુ આ રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે તેની સુંદરતા માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. 15 ઓગસ્ટના ખાસ અવસર પર રાજસ્થાનના ખૂણે-ખૂણેથી લોકો અહીં ફરવા અને મોજ-મસ્તી માટે પહોંચે છે.
માઉન્ટ આબુમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક અલગ જ ચમક જોઈ શકાય છે. આ હિલ સ્ટેશન સૂર્યાસ્ત થતાંની સાથે જ રોશની કરે છે. તમે માઉન્ટ આબુમાં હનીમૂન પોઈન્ટ, અચલગઢ ફોર્ટ અને બ્રહ્મા કુમારી પાર્ક જેવા શ્રેષ્ઠ સ્થળોને એક્સપ્લોર કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો