
મહારાષ્ટ્ર એ ભારતનું એક રાજ્ય છે જે તેની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ ઇતિહાસ તેમજ સુંદર અને અદ્ભુત સ્થળો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં સ્થિત બઈ, લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, ગેટવે ઓફ ઈન્ડિયા અને પંચગની જેવા પ્રસિદ્ધ સ્થળોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં આવેલું ચંદ્રપુર પણ એક એવું સુંદર સ્થળ છે, જે આજ સુધી પ્રવાસીઓની નજરોથી દૂર રહ્યું છે. ચંદ્રપુર એક એવી જગ્યા છે જ્યાં તમે એકવાર જશો તો તમે મહારાષ્ટ્રના બીજા ઘણા જિલ્લાઓને ભૂલી જશો.
આ લેખમાં, અમે તમને ચંદ્રપુરની કેટલીક સુંદર જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે પણ પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે મસ્તી કરવા જઈ શકો છો.
તાડોબા નેશનલ પાર્ક

જ્યારે ચંદ્રપુરમાં સ્થિત સૌથી સુંદર સ્થળોએ ફરવા જવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ તાડોબા નેશનલ પાર્કનું લેવામાં આવે છે. મુખ્ય શહેરથી લગભગ 45 કિમીના અંતરે આવેલા તડોબા પાર્કમાં સર્વત્ર હરિયાળી છે. તાડોબા મહારાષ્ટ્રનું સૌથી જૂનું અને સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેને તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લામાં આવેલું છે અને નાગપુર શહેરથી લગભગ 150 કિમી દૂર છે. ટાઈગર રિઝર્વનો કુલ વિસ્તાર 1,727 ચોરસ કિમી છે, જેમાં વર્ષ 1955માં બનાવવામાં આવેલ તાડોબા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે.
તાડોબા નેશનલ પાર્કની મુલાકાત શા માટે?

વાઘ અંગેની 2010ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી મુજબ, રિઝર્વમાં લગભગ 43 વાઘ છે, જે ભારતમાં સૌથી વધુ છે. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રણ અલગ-અલગ વન રેન્જમાં વિભાજિત થયેલ છે, તાડોબા નોર્થ રેન્જ, મોહરલી રેન્જ અને કોલસા દક્ષિણ રેન્જ. ઉદ્યાનમાં ત્રણ જળ સ્ત્રોત છે, તાડોબા નદી, તાડોબા લેક અને કોલ્સા તળાવ. આ ત્રણેય વિસ્તારોમાં સફારીની છૂટ છે.
તાડોબા પાર્ક વાઘ, દીપડા, સાંભર હરણ, જંગલી ડુક્કર, વરુ, ગોરસ, ચિતલ, નીલગાય અને સ્વેમ્પ મગર અને અન્ય ઘણા લુપ્ત પ્રાણીઓ માટે જાણીતું છે. આ પાર્કમાં તમે વાઈલ્ડ સફારીનો આનંદ પણ લઈ શકો છો.

તમે ખુલ્લી જીપ્સીમાં અથવા પાર્ક ગાઈડ સાથેની બસમાં સફારી પર જઈ શકો છો.
ઓપન જીપ્સી સફારી જંગલી જીવન, સ્લોથ રીંછ અને અન્ય ચીજોને શોધવા અને અનુભવવા માટે પ્રખ્યાત છે. જીપ કે જીપ્સી સફારી પાર્ક પાસેની ડીએફઓ ઓફિસમાં અગાઉથી બુક કરાવી લેવી. તત્કાલ બુકિંગ પાર્કના નવાગાંવ ગેટ પર ઉપલબ્ધ છે. ઓનલાઈન બુકિંગની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. તેમજ નજીકના ટેક્સી સ્ટેન્ડ પર ખાનગી જીપ ભાડે લઈ શકાય છે.

વાઇલ્ડલાઇફ સફારી સમય
તાડોબા નેશનલ પાર્ક મંગળવારે બંધ રહે છે. જૂનથી ઓક્ટોબર સુધી પાર્ક પણ બંધ રહે છે. વર્ષ દર વર્ષે વરસાદની મોસમ બદલાય છે.
ઉનાળાની મોસમમાં, સફારી સવારે 5:30 વાગ્યે શરૂ થાય છે અને સવારે 7:30 વાગ્યે સમાપ્ત થાય છે. સાંજે, સફારી બપોરે 3 વાગ્યે શરૂ થાય છે અને 4:30 વાગ્યે સમાપ્ત થાય છે. સાંજે 6:30 વાગ્યાથી પાર્કની અંદર કોઈ સફારી વાહનો નથી જઇ શકતા.

વરસાદની મોસમ દરમિયાન, સફારી સવારે 5 વાગ્યે શરૂ થાય છે અને સવારે 7 વાગ્યે સમાપ્ત થાય છે. સાંજની સફારી બપોરે 3:30 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થાય છે.
શિયાળા દરમિયાન, મુસાફરી સવારે 6 વાગ્યે શરૂ થાય છે અને સવારે 8 વાગ્યે સમાપ્ત થાય છે. સાંજની યાત્રા બપોરે 2:30 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યે પૂરી થાય છે.
વિજાસન ગુફાઓ

ચંદ્રપુરમાં આવેલી વિજાસન ગુફાઓ માત્ર સો-બસ્સો વર્ષ જૂની નથી, પરંતુ બે હજાર વર્ષથી પણ વધારે જૂની છે. બૌદ્ધ ધર્મને સમર્પિત આ ગુફાઓ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે.
વિજાસન ગુફાઓ વિશે એવું કહેવાય છે કે અહીંની સૌથી મોટી ગુફા બીજી સદીમાં બનાવવામાં આવી હતી. વિજાસનની રહસ્યમય વાર્તાઓ, આકર્ષણ અને ઐતિહાસિક કારણોસર પ્રવાસીઓ અહીં ફરવા આવતા રહે છે. કહેવાય છે કે જો તમે ચંદ્રપુરનો પ્રાચીન ઈતિહાસ જાણવા માગો છો તો તમારે એક વાર અહીંની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
માણિકગઢ કિલ્લો

ચંદ્રપુરમાં આવેલા માણિકગઢ કિલ્લાને ઘણા લોકો ગડચંદુર કિલ્લાના નામથી પણ જાણે છે. આ ભવ્ય કિલ્લો દરિયાની સપાટીથી લગભગ 500 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ કિલ્લાનું બાંધકામ 9મી સદીમાં નાગા રાજાઓએ કરાવ્યું હતું. માણિકગઢ કિલ્લો કાળા પથ્થરોથી બાંધવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પહાડીની ટોચ પર આવેલો આ કિલ્લો ઘણા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. કિલ્લાના સર્વોચ્ચ સ્થાનેથી આસપાસનો અદ્ભુત નજારો દેખાય છે.

ઘણા લોકો અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા આવે છે.
તે એક પહાડ પર બનેલો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ પ્રેમીઓ પણ અહીં આવે છે. ટ્રેકર્સ અને હાઇકર્સ પણ સપ્તાહના અંતે અહીં આવવાનું પસંદ કરે છે. તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો. શહેરના વ્યસ્ત જીવનથી દૂર આ એક અદ્ભુત સ્થળ છે, જ્યાં વ્યક્તિ આરામનો સમય વિતાવી શકે છે.

ભદ્રાવતી જૈન મંદિર
જો તમે ચંદ્રપુરના પ્રવાસ દરમિયાન કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે ભદ્રાવતી જૈન મંદિર જવું જોઈએ. આ ભવ્ય મંદિર ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે.

ભદ્રાવતી જૈન મંદિર તેના સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની કાળા રંગની મૂર્તિ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. આ પ્રખ્યાત મંદિરની ઊંચાઈ લગભગ 512 સેમી છે. આ મંદિરની નજીક એક સુંદર બગીચો પણ છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. આ સિવાય તમે આ શહેરમાં હાજર મહાકાલી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

ચંદ્રપુર કેવી રીતે પહોંચવું?

ચંદ્રપુર પહોંચવું ખૂબ જ સરળ છે. સૌથી નજીકનું ડો. બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ નાગપુરમાં છે. અહીંથી તમે ટેક્સી, કેબ અથવા લોકલ બસથી ચંદ્રપુર જઈ શકો છો. આ ઉપરાંત ચંદ્રપુર શહેર મુંબઈ-વર્ધા-ચંદ્રપુર રેલ લાઈન દ્વારા પણ જોડાયેલું છે. મહારાષ્ટ્રના અન્ય પડોશી રાજ્યોમાંથી રેલવે મારફતે અહીં પહોંચી શકાય છે. આ સિવાય મુંબઈ અને નાસિક અને અન્ય ઘણા શહેરોથી બસ દ્વારા સરળતાથી ચંદ્રપુર પહોંચી શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો