હરવા ફરવાના તેમજ ખાવા પીવાના સૌથી વધુ શોખીન એવા ભારતીયોની યાદી બનાવવામાં આવે તો ગુજરાતીઓ બહુ જ મોટી સંખ્યામાં હોવાના. દેશ વિદેશમાં થેપલા, ખાખરા, ગાંઠિયા લઈને ફરતા ગુજરાતીઓ ગુજરાતમાં પણ એટલા જ શોખથી અનેકવિધ વાનગીઓ ઝાપટે છે.
મોટા ભાગે શાકાહારી ભોજન ખાતા ગુજરાતીઓએ કેટલીક મીઠાઇ તેમજ કેટલાય ફરસાણોનું સર્જન કર્યું છે, તેને પ્રસિદ્ધ બનાવ્યા છે. પણ ગુજરાતની અમુક ચોક્કસ લોકપ્રિય વાનગીઓની વાત નીકળે ત્યારે કોઈ ચોક્કસ દુકાનનું નામ લેવામાં આવે તો તે એક વિશેષ વાત ગણી શકાય. અમુક કિસ્સાઓમાં તો જે તે વ્યંજન પ્રખ્યાત થવા પાછળના મૂળમાં જ તે દુકાનો રહેલી છે. સ્થાનિકો ઉપરાંત રાજ્ય, દેશ તેમજ વિશ્વભરમાં તેમના ગ્રાહકો વ્યાપેલા છે. તો ચાલો આજે આપણે એવા ફેમસ ફૂડ સ્ટોર્સની યાદી બનાવીએ જે વિખ્યાત ગુજરાતી વાનગીઓના સમાનાર્થી બની ચૂક્યા છે.
આ જ યાદીનો ભાગ 1 અહીં વાંચો.
જામનગરી ઘૂઘરા
ઘૂઘરાનું નામ પડે એટલે ઘીમાં તરબતર ગળ્યાં ઘૂઘરા જ મગજમાં તરવરી ઉઠે. પણ જામનગરમાં આ જ ઘૂઘરાને તીખું અને ચટપટું સ્વરૂપ આપીને ગુજરાતભરમાં ફેમસ કરવામાં આવ્યા છે જેને જામનગરી ઘૂઘરા કહેવાય છે. મેંદાના લોટમાં બટેટાનું સ્ટફિંગ ભરી, તેને તેલમાં તળીને, તેના ઉપર સેવ અને મસાલા શીંગ મૂકીને પીરસવામાં આવે છે. જામનગર શહેરની મુલાકાત લો તો આ અચૂક ટ્રાય કરજો. જામનગરી ઘૂઘરા એટલા પ્રખ્યાત છે કે ગુજરાતમાં હવે ઘણી જગ્યાએ આ મળવા લાગ્યા છે.
કચ્છી દાબેલી
મુંબઈ પાસે વડાપાવ હોય તો ગુજરાત પાછળ રહી જાય એ તો કેમ ચાલે!? કદાચ આવી હરિફાઈને પહોંચી વળવા દેશના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં દાબેલી નામની એક સ્વાદિષ્ટ વાનગીનો જન્મ થયો હશે તેમ કહી શકાય. સ્વાદપ્રિય ગુજરાતીઓને આ વાનગી બરાબર જીભે વળગી અને આજે આપણા સૌનું આ પ્રિય ગુજ્જુ ફાસ્ટફૂડ છે.
સુરતી ઘારી
સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત તો જગજાહેર છે. લોચો અને ઘારી સુરતની ખાણી-પીણીની દુનિયાની સ્પેશિયાલિટી છે. આ બંને વાનગીઓનો જગતમાં કોઈ પણ ગુજરાતી ઉલ્લેખ કરે તો તેને સુરતી લોચો અને સુરતી ઘારી તરીકે જ યાદ કરવામાં આવે છે.
ઈન્દુબેન ખાખરાવાળા
કોઈ એક ગૃહિણી ખાખરા બનાવીને તેને વેચવાનો બિઝનેસ કરે અને તેને એટલી બધી સફળતા મળે કે અમદાવાદના પોષ વિસ્તારમાં તેની ત્રણ માળની દુકાન/ઓફિસ હોય અને તેના જીવન પરથી કોઈ હિન્દી ટીવી સિરિયલ પણ પ્રસારિત થાય! હા, આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના સુપ્રસિદ્ધ ઈન્દુબેન ખાખરાવાળાની. માત્ર અમદાવાદમાં જ નહિ, દેશ-વિદેશમાં તેમના ખાખરા તેમજ અન્ય ફરસાનો ઘણી જ નામના મેળવી ચૂક્યા છે.
પોરબંદરની ખાજલી
ચા સાથે ખારીનું કોમ્બિનેશન તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ આ ખારીને ટક્કર આપે તેવું ફરસાણ પોરબંદરમાં પ્રખ્યાત છે અને તે છે પોરબંદરની ખાજલી. મેંદાથી બનતી ખાજલી ઘીમાં તળવામાં આવે છે અને આ એક ખૂબ જ ખસ્તા, સ્વાદિષ્ટ નમકીન છે.
હકીકતે તો આ યાદી ખૂબ લાંબી બની શકે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ વિશેષ વાનગીઓ તેમજ તેની પ્રખ્યાત દુકાન હોવાના જ... તમારા શહેરની પણ આવી જ કોઈ પ્રખ્યાત જગ્યા વિષે કમેન્ટ્સમાં જણાવો...
.