દિવાળીનો તહેવાર દુનિયાભરના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. દિવાળીનો તહેવાર અધર્મ પર ધર્મના વિજય તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ દિવાળી પછી ભારતીય કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરુ થાય છે. દિવાળીના તહેવારો ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ પાંચ દિવસમાં વહેંચાયેલા છે. બિહાર જેવા રાજયમાં તો છઠ્ઠ પૂજા પણ થાય છે. તો દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો રજાઓને ભરપૂર એન્જોય કરી શકો તે રીતે પ્લાન બનાવવો જોઇએ.
અયોધ્યા
ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા દિવાળી સેલિબ્રેટ કરવા માટે પરફેક્ટ જગ્યા છે. અહીંના લોકો દિવાળીને અપાર ઉત્સાહની સાથે ઉજવે છે. આખી રાત ફટાકડા ફોડવામાં આવે છે. લોકોમાં એક પ્રકારની ચમક જોવા મળે છે. આખુ અયોધ્યા દિવડાઓથી શણગારવામાં આવે છે. આગામી વર્ષોમાં તો અહીં એક ભવ્ય રામ મંદિર પણ બની જશે પછી તો આ જગ્યાની રોનક જ બદલાઇ જવાની છે. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે 3 લાખ દિવડા પ્રગટાવવાનો ગિનિસ રેકોર્ડ પણ બનેલો છે. 492 વર્ષ પછી અયોધ્યામાં આ વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણી થવાની છે. જેમાં કોવિડ પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો જો તમે પણ આ ઉજવણીમાં ભાગ લેવા માંગો છો તો પહોંચી જાઓ અયોધ્યા.
અમૃતસર
ભારતમાં દિવાળી સેલિબ્રેટ કરવા માટે સૌથી સારી જગ્યા છે સુવર્ણ મંદિર. આ જગ્યા શીખોનું પવિત્ર સ્થાન છે જ્યાં ઉત્સવ ચરમસીમાએ છે. અહીંના ફટાકડાનું પ્રદર્શન બધા પર્યટકોને આકર્ષિત કરે છે અને આસપાસની ઇમારતોથી તેને જોઇ શકાય છે. ફ્લોટિંગ દિવા દર્શકોને શાનદાર દ્રશ્યો પૂરા પાડે છે. રસ્તા પર હજારો ચમકતી લાઇટિંગ અને હવામાં ફુટતા ફટાકડા એક રંગીન માહોલ બનાવે છે. અહીંના સરોવરમાં રાતનો પ્રકાશ પ્રતિબિંબિત થાય છે. જે તમારુ મન મોહી લેશે.
ગોવા
દરિયાના સુંદર કિનારે અને વર્ષના અંતે યોજાતી પાર્ટીઝને લઇને તો ગોવા મશહૂર છે જ પરંતુ અહીંની દિવાળી પણ પોપ્યુલર થવા લાગી છે. અહીંનું મુખ્ય આકર્ષણ ગામડામાં નરક ચતુર્દશીના પ્રસંગે દહન થતા નરકાસુરના મોટી સાઇઝના પુતળા છે. એટલું જ નહીં અહીં મોટા અને ભયંકાર પુતળા બનાવવાને લઇને સ્પર્ધા પણ યોજાય છે.
દિવાળી મનાવવા માટે ગોવા એક અદ્ભુત જગ્યા છે. લોકો પોતાની ખુશીઓ વ્યક્ત કરવા માટે ઘરના દરવાજે અને બારીઓ પર રંગીન ફાનસ પ્રગટાવે છે. મંદિરો અને રસ્તા પર ફટાકડા ફોડવામાં આવે છે. ઘરોને લાઇટીંગથી શણગારવામાં આવે છે. રંગીન પાઉડર, ચોખા, ફુલ, મીણબત્તી વગેરેનો પ્રયોગ કરીને રંગોળી બનાવવામાં આવે છે. જો દિવાળી પર તમે ગોવા છો તો આ બધી સજાવટ જોઇ શકાય છે.
વારાણસી, ઉત્તર પ્રદેશ
વારાણસીને બનારસ અને કાશી જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર દુનિયામાં સૌથી પ્રાચીન અને નિરંતર આગળ વધનારુ શહેર છે. આ શહેરને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે. વારાણસી હિંદુઓનું પવિત્ર શહેર છે. કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીં મૃત્યુ પામનારને મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. દિવાળીના તહેવારોમાં અહીંના ઘાટોને દિવડાથી સજાવાય છે.
બનારસમાં દિવાળીનો તહેવાર લગભગ 15 દિવસ સુધી ઉજવાય છે. અહીં દેવ દિવાળી પણ મનાવાય છે. ગંગાના રવિદાસ ઘાટ અને રાજ ઘાટ પર પંડિતો ભવ્ય પૂજા કરે છે. વારાણસીની પૂજા એટલી લોકપ્રિય થવા લાગી છે કે દિવાળીની સાથે ગંગા મહોત્સવ પણ ઉજવાય છે.
જયપુર, રાજસ્થાન
શું તમે વિચાર્યું છે કે ભારતમાં દિવાળી મનાવવા સારી જગ્યાઓમાંની એક જયપુર પણ છે. અહીં દિવાળી હર્ષ અને ઉત્સાહની સાથે ઉજવવામાં આવે છે. દિવાળીએ આખો દિવસ લાઇટિંગ કરવામાં આવે છે. બધી ઇમારતો અને સ્મારક LED Lights રંગીન થઇ જાય છે. જે પર્યટકોને આકર્ષે છે. કેટલાક એવા સ્થળો છે જ્યાં તમે દિવાળી મનાવવા જઇ શકો છો. જેવા કે જળ મહેલ, રાજા પાર્ક, ગૌરવ ટૉવર, નાહરગઢ કિલ્લો વગેરે. જળ મહેલ જયપુરનો એક મહેલ છે જેને મધ્યરાત્રી સુધી તેજસ્વી રોશનીથી સજાવવામાં આવે છે. નાહરગઢ કિલ્લામાં સૂર્યાસ્ત પછી તમે એક શાનદાર રોશની જોઇ શકો છો.