હિમાચલ પ્રદેશ ભારતનો સૌથી લોકપ્રિય પહાડી વિસ્તાર છે જે અનેક સુંદર સ્થળો માટે જાણીતું છે. કાશ્મીર ને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે તો હિમાચલ પણ સ્વર્ગથી કંઇ કમ નથી. હિમાચલના પહાડોની સુંદરતા જોઇને મન ભરાતું નથી. એવું લાગે છે જાણે આ સ્વર્ગ જેવી જગ્યામાં બસ ખોવાઇ જ જઇએ. રોજબરોજના કોલાહલ, ભાગદોડથી કંટાળીને જો એક શાંતિપ્રિય જગ્યાની શોધ કરીએ તો ચોક્કસ હિમાચલ તેમાં અવ્વલ નંબરે જ આવે. અહીંની તિબેટિયન સંસ્કૃતિ, બૌદ્ધ મઠોની મુલાકાત તમારી આધ્યાત્મિકતાને ચરમસીમા પર પહોંચાડી દે છે. તો ટ્રેકિંગ, સ્કાઇંગ, પર્વતારોહણ વગેરે તમારી સફરને રોમાંચક બનાવી દે છે. આવા જ હિમાચલ પ્રદેશની ગામડા ખૂંદવાનું મને અને મારા કઝીનને મન થયું અને નક્કી થયો એક રુટ.
ગુડગાંવથી સફરની શરુઆત
હું અને મારો કઝીન જે ગુડગાંવમાં રહે છે, બન્નેએ હિમાચલની એક અઠવાડિયાની એડવેંચર ટૂર પર જવાનું નક્કી કર્યું, એટલે કે કોઇ પેકેજ ટૂરમાં નહીં પરંતુ તેની ડસ્ટર ગાડીમાં. પોતાની રીતે જઇએ તેનો એક ફાયદો એ હોય છે કે તમે હિમાચલી સંસ્કૃતિને નજીકથી જાણી શકો છો. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ હું નડિયાદથી અમદાવાદ એરપોર્ટ પર ગયો અને ત્યાં ફ્લાઇટ પકડીને દિલ્હી અને પછી ત્યાંથી તેના ઘરે ગુડગાંવ ગયો. બીજા દિવસે સવારે 5 કલાકે હિમાચલ તરફ જવા રવાના થયા. અમે નક્કી કર્યું હતું કે રાતે મુસાફરી નહીં કરીએ. દિવસે જેટલા બને તેટલા સ્થળો કવર કરી લઇશું. દિલ્હીથી નીકળીને ચંદીગઢ હાઇવે પર મુર્થાલમાં Amrik Sukhdevમાં ચા-પરાઠાનો બ્રેક ફાસ્ટ કર્યો. બ્રેક ફાસ્ટ કર્યા પછી અમારી ડસ્ટર આગળ વધી.
કુફરીમાં લંચ
ચંદિગઢથી આગળ અમે હિમાચલની બોર્ડરમા પ્રવેશી ચૂક્યા હતા. બપોરનું લંચ અમે કુફરીમાં કર્યું અને રાત અમે સરહાનમાં રોકાયા. કુફરી હિમાચલ પ્રદેશના સૌથી ખાસ પર્યટક સ્થળોમાંનું એક છે. ગરમીની સીઝનમાં હજારો લોકો આ સ્થળે રજાઓ ગાળવા આવે છે. કુફરી સિમલાથી લગભગ 10 કિલોમીટર દૂર છે. અહીં સિમલા કરતા ભીડ ઓછી રહે છે. અમારા રુટમાં સિમલા નહોતું એટલે બાયપાસ થઇને સરહાન પહોંચ્યા.
કલ્પા
હિમાચલમાં કલ્પા ખૂબ જ સુંદર સ્થળ છે. કલ્પા એ એક નાનું શહેર છે જે સમુદ્ર સપાટીથી 2960 મીટરની ઉંચાઇ પર અને સિમલાથી 260 કિલોમીટર સ્થિત છે. કલ્પા કિન્નૌર જિલ્લાનું મુખ્ય મથક હતું, પરંતુ હવે રિકાંગ પિયો કિન્નૌરનું મુખ્ય મથક છે. અહીં કૈલાસ પર્વતના હિમાચ્છાદીત શિખરો ગમે ત્યાંથી સરળતાથી દેખાય છે. કલ્પામાં સફરજનના બગીચા છે, જે ખૂબ જ આકર્ષક છે. સફરજનના બગીચા એ અહીંના રહેવાસીઓની આજીવિકાનું મુખ્ય સાધન છે. અમે કલ્પાની સુંદરતા નિહાળતા રાતવાસો અહીં કર્યો.
સ્પીતિ
હિમાચલ પ્રદેશમાં સ્પીતિ ઘાટી દરેક બાજુએથી હિમાલયથી ઘેરાયેલી છે જે સમુદ્રની સપાટીએથી 12,500 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. સ્પીતિ વેલીના ઠંડા રણ, બરફથી ઢંકાયેલા પહાડ, વળાંકદાર રસ્તાઓ અને સુરમ્ય ખીણો અહીં આવનારા પર્યટકોને ઉત્સાહિત કરે છે. અહીં વર્ષના છ મહિના બરફ છવાયેલો રહે છે. અમે ટાબો હોટલમાં રોકાયા અને સ્પીતિ થાળીનો ટેસ્ટ કર્યો. હિમાચલના ભોજનમાં તમને સ્થાનિક મસાલાના ટેસ્ટનો અનુભવ થશે. અહીંનું ખાવાનું સ્વાદિષ્ટ હોય છે.
ધનકર લેક (તળાવ)નું ટ્રેકિંગ
ધનકર તળાવ સ્પીતિ ખીણમાં આવેલું છે. આ તળાવ સમુદ્રની સપાટીએથી લગભગ 4,140 મીટરની ઉંચાઇએ છે. આ ધનકર મઠની ઉપર આવેલું છે. અહીં પહોંચવા માટે તમારે એક કલાકનું ટ્રેકિંગ પગે ચાલીને જ કરવું પડશે. અહીં પહોંચવા માટે અમે 1200 ફૂટનું ટ્રેકિંગ કર્યું.
ધનકર તળાવનું કાચ જેવું સ્વચ્છ પાણી જોઇને અમારુ મન તૃપ્ત થઇ ગયું. અહીંની સુંદરતાને અમે અમારા કેમેરામાં કંડારી. અહીંથી ખસવાનું મન તો નહોતું થતું પરંતુ આગળની મુસાફરી પણ કરવાની હતી તેથી મનને સમજાવીને અમે આગળના ટ્રેક તરફ નીકળી પડ્યા.
કાઝા
સ્પીતિ વેલીમાં સ્થિત કાઝા હિમાચલ પ્રદેશનું એક શાનદાર પર્યટન સ્થળ છે. જે પોતાના પહાડી દ્રશ્યો, બૌદ્ધ મઠો અને પ્રાચીન ગામો માટે જાણીતુ છે. સમુદ્રની સપાટીએથી 3800 મીટરની ઉંચાઇ પર સ્થિત કાઝા સ્પીતિ જિલ્લાનું એક વ્યાપારિક કેન્દ્ર પણ છે. જે ચારેબાજુએથી બરફથી ઘેરાયેલું છે. પ્રાકૃતિક સુંદરતાની સાથે રોમાંચના શોખીનો અહીં આવે છે. અમે મડગામ થઇને કાઝા પહોંચ્યા. ખુબ મથામણ પછી અમને અહીં હોટલ મળી. અમે કાઝા, લાંગઝા, હિક્કીમ, કોમિક, દેમુલ થઇને પાછા કાઝા આવ્યા. આ રુટમાં અમે અંદાજે 15,550 ફૂટની ઊંચાઇ સુધી પહોંચ્યા.
કાઝાના શાનદાર બૌદ્ધ મઠોમાં અમે અહીંથી 7 કિ.મી. દૂર કી મઠના દર્શને પહોંચ્યા. આ મઠ કી ગોંપાના નામે પણ ઓળખાય છે. એવી માન્યતા છે કે આ મઠનું નિર્માણ 11મી શતાબ્દી દરમિયાન થયું હતું. આખી સ્પીતિ વેલીમાં આ સૌથી મોટો મઠ છે.
કુંજુમ પાસ
કુંજુમ પાસને કાઝાનું પ્રવેશ દ્ધાર કહેવામાં આવે છે. આ જગ્યા 4551 ની ઉંચાઇ પર સ્થિત છે. અહીંની પહાડી પર મા દુર્ગાને સમર્પિત એક પ્રસિદ્ધ મંદીર પણ છે. અહીં દુનિયાનું સૌથી મોટું ગ્લેશિયર પણ છે. અહીં અમે મૂલ લેક ટ્રેકિંગનો આનંદ માણ્યો.
ચંદ્રતાલથી મનાલી થઇને દિલ્હી
કુંજુમપાસ થઇને બપોરે 3 વાગે ચંદ્રતાલ લેક તરફ રવાના થયા. ચંદ્રતાલ હિમાચલનું આકર્ષક સરોવર છે. જેનો આકાર અર્ધચંદ્રાકાર હોવાથી તેનું નામ ચંદ્રતાલ પડ્યું છે. અહીંનું પાણી કાચ જેવુ છે. આખુ વર્ષ અહીં વિશ્વભરમાંથી એડવેન્ચરના શોખીનોનું આવાગમન થતું રહે છે. એક પ્રાચીન માન્યતા અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન ઇન્દ્રના રથે યુધિષ્ઠિરને ઉઠાવ્યો હતો. અહીં તમે બાટલ કે કુંજુમ પાસથી પગપાળા આવી શકો છો. લેકની પ્રદક્ષિણા દરમિયાન અમે સમુદ્રી ટાપુનું બારીક નિરીક્ષણ કર્યું. આ જગ્યા ચંદ્રા નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ નદી આગળ વધીને જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબના નામે ઓળખાય છે. રાતે ચંદ્ર અને તારાના દર્શન સાથે ટેન્ટ તરફ રવાના થયા. આ ટેન્ટમાં રહેવાની મજા કંઇક અલગ જ છે. જ્યાં શૂન્યથી નીચે તાપમાન જતુ રહે છે. હાડ થીજાવતી ઠંડી લાગે છે.
અમે ટેન્ટમાં રાત્રી ભોજન કર્યું. ટેન્ટમાં વોશરુમ, ડબલ બેડ, ઠંડીથી રક્ષણ માટેના કંબલ આપવામાં આવે છે. બીજા દિવસે સવારે સાડા પાંચ કલાકે શૂન્ય ડિગ્રી તાપમાનની હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કર્યા પછી અમે મનાલી તરફ રવાના થયા. ચંદ્રતાલથી મનાલીનો 35 કિ.મીનો રસ્તો ખુબ જ કાચો છે. અહીં અને નદીનાળામાં પથરાળ રસ્તામાં ખુબ જહેમત કરીને પસાર થઇને રોહતાંગ પહોંચ્યા. રોહતાંગથી મનાલી પહોંચીને બજારમાં ગરમ કપડાનું શોપિંગ કર્યું. અને ત્યાંથી દિલ્હી તરફ રવાના થયા. આમ ચંદ્રતાલથી મનાલી થઇને સળંગ 29 કલાકનું ડ્રાઇવ કરીને બીજા દિવસે સવારે 10 કલાકે દિલ્હી પહોંચ્યા.
(સૌજન્યઃ દેવેશ ત્રિવેદી, ઋષિ ત્રિવેદીના અનુભવો)