હિમાચલ પ્રદેશ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. દર વર્ષે લાખો લોકો અહીં હનીમૂન ટ્રિપ પ્લાન કરે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતાને જોવા માટે માત્ર દેશી જ નહી પરંતુ વિદેશી પર્યટકો પણ આવે છે.
જો કે અહીં ઘણા પ્રવાસન સ્થળો છે, પરંતુ જો તમે ભીડભાડથી દૂર શાંત જગ્યાએ તમારા પાર્ટનર સાથે સમય પસાર કરવા માંગતા હોવ તો આ સ્થળોના નામ સામેલ કરવાનું ભૂલશો નહીં. શિમલા-મનાલી જેવા સ્થળો ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં પણ હનીમૂન ઉજવવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે.
હિમાચલ પ્રદેશનું જીભી ગામ
ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલું આ ગામ તમને પ્રકૃતિને ખૂબ નજીકથી અનુભવવામાં મદદ કરશે. આ ગામ હિમાલયન નેશનલ પાર્કથી લગભગ 1 કલાકના અંતરે છે. જો તમે તમારા પાર્ટનર સાથે એકવાર અહીં જશો તો તમને વારંવાર ત્યાં જવાનું મન થશે.
કુદરતી સુંદરતા -
જીભી ગામનું સોંદર્ય કોઇને પણ આ જગ્યાના દિવાના બનાવી શકે છે. પહાડી પક્ષીઓના મધુર ગીત, આકાશને આંબતા દેવદારના ઉંચા-ઉંચા વૃક્ષ, ઝાડના પાંદડાનો સરસર કરતો અવાજ, મીઠો તડકો અને મહેકતા રંગીન જંગલી ફૂલ આ જગ્યાને એટલા સુંદર બનાવી દે છે કે જે અહીં એકવાર આવે છે તે તેને ક્યારેય નથી ભૂલી શકતા. પ્રકૃતિ પ્રેમીઓ જ નહીં, પક્ષી પ્રેમીઓ માટે પણ આ જગ્યા ઘણી ખાસ છે. અહીં પહાડી પક્ષીઓની અંદાજે 181 પ્રજાતિઓ જોવા મળે છે. સ્થાનિક લોકો અનુસાર જુના જમાનામા જીભી ગામમાં બ્રિટિશ રુટ કેવળ માટી અને પથ્થરથી બનેલું હતું.
જીભીમાં જઇને તમે શું-શું કરી શકો છો-
જાલોરી પાસ-
3000 મીટરની ઊંચાઇ પર સ્થિત આ પાસથી જીભીનો શાનદાર નજારો જોઇ શકાય છે. દેવદારના વનોથી ઘેરાયેલા આ પાસ પર પહોંચીને તમે જાતને ઘણાં શાંત અનુભવશો.
સેરોલસર સરોવર-
જાલોરી પાસે 6 કિલોમીટરનું ચઢાણ કર્યા પછી તમને આ સુંદર સરોવરના દર્શન થશે. અહીં તમે કેમ્પિંગનો આનંદ ઉઠાવી શકો છો.
ઝરણા -
જીભીના જંગલોમાં તમને અનેક ઝરણાં જોવા અને તેના પાણીમાં ન્હાવાની તક મળશે. ઝરણાની પાસે ઘણાં પુલ બનાવ્યા છે. અહીં તમે સોશિયલ મીડિયા માટે ફોટોઝ ખેંચી શકો છો.
ચૈની કિલ્લો -
1500 વર્ષ જુનો આ કિલ્લો પહાડી વાસ્તુકળાનો અદ્ભુત નમુનો રજુ કરે છે. અહીં 40 મીટર ઊંચો એક લાકડીનો ટાવર છે જ્યાંથી હિમાચલ પ્રદેશના શાનદાર વ્યૂ જોવા મળે છે.
શ્રૃંગ ઋષિ મંદિર -
ચૈની કિલ્લાની પાસે બનેલા આ મંદિરના દર્શન કરવા દૂર-દૂરથી લોકો આવે છે. આની આસપાસ ખીલેલા ફૂલ અને ગાઢ ઝાડ આની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.
ટ્રેકિંગ -
ટ્રેકિંગના શોખીનો માટે પણ જીભી ગામ એક આદર્શ પર્યટન સ્થળ છે. અહીં તમે હિમાલયન નેશનલ પાર્ક સુધી ટ્રેકિંગ કરીને અને અહીંના ઇકો-ઝોનમાં સ્થિત ગામમાં રહેવાની અનુમતિ લઇને પોતાનો શોખ પૂરો કરી શકે છે. જીભી ગામાં ગથર ટૉપ, રોલા જળધોધ અને શિલ્પ હટ ટ્રેક જેવા શાનદાર ટ્રેક છે. જીભીની આસપાસ રહેલા ગુશેની, સેંજ અને પેરખી જેવા ગામોમાંથી તમને ટ્રેકિંગ માટે ગાઇડ પણ મળી જશે.
જંજેહલી
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત જંજેહાલી ખીણ પર્વતોની મનોહર ગોદમાં આવેલું એક સ્થળ છે, જ્યાં જો તમે તમારા વ્યસ્ત જીવનમાંથી પહોંચો છો, તો અહીંનું સ્વચ્છ પ્રાકૃતિક સૌંદર્ય, ખળખળ વહેતી નદી, બાખલી ખડ્ડુ પર્વતીય નદી તમારા મનને મોહિત કરે છે અને હ્રદયને ભાવવિભોર કરીદે છે.
જંજેહલી ખીણના કોઇ ખૂણા પરથી જ્યારે પણ આપણે પહાડ પર નજર કરીએ છીએ તો આપણને એવું લાગે છે કે આપણે તેની નજીક ઉભા છીએ. જો આપણે સવારના સમયે આની પર નજર નાંખીએ તો તે સૂર્યના સોનેરી કિરણોની ચમકમાં નવોઢા જેવી લાગે છે. અહીંના બદલાતા મોહક દ્રશ્યો મનને અપાર શાંતિ આપે છે.
જો તમે તમારા જીવનસાથી સાથે શાંતિપૂર્ણ જગ્યાએ સમય પસાર કરવા માંગતા હોવ તો હનીમૂન કપલ્સ માટે જંજેહલી શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. અહીં તમે સાયકલિંગ ટ્રેક, કેમ્પિંગ સ્પોટ્સ અને નેચર ટ્રેલ્સ જોઈ શકો છો. આ ગામ અંદાજે 7,217 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તમે અહીં કોઈપણ ઋતુમાં પ્રવાસ કરી શકો છો, પર્વતીય વિસ્તાર હોવાને કારણે, તે આખા વર્ષ દરમિયાન ઠંડુ અને અનુકૂળ વાતાવરણ ધરાવે છે.
અહીંનું જંગલ ગાઢ છે. ક્યારેક હરણ, ઘોરલ અને અન્ય જંગલી પ્રાણીઓ જોવા મળે છે. આ જંગલમાં અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે, જે પ્રવાસીઓનું મધુર ગીતથી સ્વાગત કરે છે. જંગલમાં અનેક પ્રજાતિના વૃક્ષો છે. સફરજન, પ્લમ, કોફી વગેરે ફળો વિપુલ પ્રમાણમાં છે. એક શિખર પર સ્થિત એક શિકારી દેવીનું મંદિર જોવું એ ઊંડી શ્રદ્ધાનું પ્રતિક છે. એવું કહેવાય છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું જેઓ અહીં એકાંતમાં રહેતા હતા. માટીની મહેકતી સુગંધ, ચમકતી હરિયાળી, પર્વતીય પર્યાવરણની સાંસ્કૃતિક જાગૃતિ, મંદિરોની સુંદરતા, પર્વતીય સ્વાભિમાન, બધું અહીં આવનારા લોકો માટે ઉપલબ્ધ છે.
શોજા
એક નાનકડું ગામ છે જેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. શોજા સિરાજ ખીણમાં આવેલું એક નાનકડું ગામ છે. પરંતુ આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તમે આ સુંદર નજારો જોવા જઈ શકો છો. તમે તમારા જીવનસાથી સાથે આ અદભૂત પહાડી દ્રશ્યોનો આનંદ માણી શકો છો. અહીં સેરોલસર તળાવ છે જે તમારી સફરને વધુ મનોરંજક બનાવવામાં મદદ કરશે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ઓકના ઝાડની છાયામાં આરામની પળો વિતાવી શકો છો.
શોજા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ સારું પર્યટન સ્થળ છે જે તેના આકર્ષણોથી ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, અહીં પ્રવાસીઓ વિવિધ પ્રકારના છોડ શોધી શકે છે અને ભવ્ય પક્ષીઓ જોઈ શકે છે. શોજા ગામમાં તમે તેની સુંદરતા જોવા માટે લીલા ઘાસના મેદાનો પર ફરવા જઈ શકો છો.
શોજાથી 1 કિલોમીટરના અંતરે આવેલ વોટરફોલ પોઈન્ટ એક જાદુઈ યાત્રા છે જે અત્યંત સુંદર છે. આ સ્થળ તમારા સવારના ચાલવા માટે શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં તમને ઝરણાનું પાણી મીઠુ અને ઠંડુ મળશે.
સરોલેસર તળાવ શોજાનું મુખ્ય આકર્ષણ છે જે જાલોરી પાસથી લગભગ 5 કિમી દૂર આવેલું છે. અહીં તળાવના પાણીમાં ઘણા પાંદડા પડે છે પરંતુ તે પછી પણ તેનું પાણી એકદમ સાફ હોય છે. આ સ્થળ દેવી બુધી નાગિનને સમર્પિત મંદિર માટે જાણીતું છે.
કુલ્લુમાં જોવા માટે તીર્થન વેલી એક સારી જગ્યા છે. જે લોકો શાંતિ શોધે છે તેઓ તીર્થન ખીણની મુલાકાત લઈ શકે છે. વહેતી નદીઓ, લીલીછમ ખીણો અને તળાવો તીર્થન વેલી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કના બફર ઝોનમાં આવેલી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો