મારા દરેક પ્રવાસ દરમિયાન હું પ્રયત્ન કરું છું કે દરેક જીણી જીણી માહિતી એકઠી કરી રાખું જેથી મને એક સ્થાનિકનું જીવન કેવું હોય તેનો અનુભવ થાય. કુલ્લૂ જિલ્લામાં આવેલા સ્થળ તીર્થન વેલી ખાતે મેં ધ બ્લૂ શીપ તીર્થન નામનાં એક હોમસ્ટેમાં રોકાણ કરવાનું નક્કી કર્યું જે એક શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો. કેટલીય વાર્તાઓ, પરંપરાગત ભોજન અને હિમાચલના લોકોની સંસ્કૃતિ ખૂબ નજીકથી જોવા મળી.
ધ બ્લૂ શીપ તીર્થન
આદર્શ:
પહાડોનો પ્રવાસ તમારા સ્વાસ્થ્યને અનુકૂળ ન આવતો હોય તો અહીંનું રોકાણ તમને ખૂબ પસંદ પડશે. કોઈ કપલને રોમેન્ટિક ગેટવે માટે જવું હોય કે પછી સોલો બેગપેકરને કોઈ સાહસ કરવું હોય, આ જગ્યા કોઈને નિરાશ નહિ કરે. લક્ઝુરિયસ મહેમાનગતિની અપેક્ષા ઓછી અને ટ્રેડિશનલ હિમાચલના લોકોને જાણવામાં વધુ રસ હોય તો ધ બ્લૂ શીપ તીર્થન તમને, તમારા બાળકોને તેમજ તમારા પેટ્સને દિલથી આવકારે છે.
જગ્યા વિષે:
ધ બ્લૂ શીપ એક ખૂબ જ અનોખા કપલ દ્વારા ચાલતો હોમસ્ટે છે. શીના અને આદિત્ય પૈકી શીના હિમાચલની સ્થાનિક છે જ્યારે આદિત્ય સ્પેનિશ તેમજ તમિલ મૂળ ધરાવે છે. બંને કોલેજમાં મળ્યા, લગ્ન કર્યા અને દુનિયા ફરવાનું નક્કી કર્યું. પણ નસીબમાં આપણી યોજનાઓ અનુસાર ભાગ્યે જ કશું થતું હોય છે. શીનાના માતા પિતાએ તીર્થન વેલીમાં હોમસ્ટેનો વ્યવસાય શરુ કર્યો હતો અને તે માટે તેમને કોઈના સહકારની જરુર હતી. ગયા વર્ષે શીના અને આદિત્ય પણ ફૂલ ટાઈમ આ વ્યવસાયમાં જોડાઈ ગયા.
છ રૂમ અને ઉપરાંત છ વ્યક્તિઓને સમાવતી એક ડોરમેટ્રી, આ ઘરમાં કુલ મહત્તમ 25 જેટલા લોકો એક સાથે રહી શકે છે. સફેદમાં ભૂરા રંગની દીવાલો જોઈને જાણે તમને પોતિકા ઘર જેવી જ લાગણી થશે. સફરજન, પ્લમ, પિઅર જેવા સ્વાદિષ્ટ ફળોના બગીચાથી aઅ હોમસ્ટે ઘેરાયેલો છે. શીનાના પિતા ઘણી વખત અહીં ગાર્ડનિંગ કરતાં જોવા મળે છે. ઋતુ પ્રમાણે બગીચાનું રૂપ પણ બદલાય છે. મે મહિનામાં રંગબેરંગી ફૂલો, ઓગસ્ટમાં રસીલા ફળો અને જાન્યુઆરીમાં પર્ણવિહીન થડો.
અહીં દાખલ થતાંની સાથે જ લાકડાની દીવાલો અને ફર્નિચર તમારું મન મોહી લેશે અને પાળેલી બિલાડી પગ ચાટીને તમને આવકારશે. કોમન રૂમમાં તમને અન્ય મહેમાનો મળશે. ઠંડીના સમયમાં અહીં તંદૂર પાસે સૌ બેસે છે અને શીના એના ગામની વાતો કરે છે. આઈ મસ્ટ સે, શીના ખૂબ સારી વાર્તાકાર છે.
ભોજન
જ્યારે હું કહું છું કે સ્થાનિક જીવનનો શ્રેષ્ઠ અનુભવ આ સ્થળે થાય છે, આઈ મીન ઈટ. આદિ અને શીના જાતે જ રસોઈ બનાવે છે અને તે ખૂબ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સીદદૂ નામની એક લોકલ ડિશ હું ખાસ રેકમેન્ડ કરું છું. શીના આ મીઠાઇ એટલી સ્વાદિષ્ટ બનાવે છે કે મને તો જાણે સ્વર્ગનું ભાણું જમતો હોઉં એવું લાગ્યું. વળી, તમે તેને તેના રસોડામાં મદદ પણ કરી શકો છો.
કિંમત
ટુરિસ્ટ સિઝન અનુસાર ભાવમાં ફેરફાર થતો હોય છે પણ સામાન્ય રીતે અહીં 1800 થી 2500 રૂના રૂમ્સ છે જેમાં ભોજન સમાવિષ્ટ નથી. અલબત્ત, અહીંના કાફેમાં તમને ઘણા વાજબી ભાવે ખાવાના ઘણા સારા વિકલ્પો મળી રહે છે. ડોરમેટ્રીમાં એક પલંગની કિંમત 750 રૂ છે.
ક્યારે જવું?
એપ્રિલથી જૂન દરમિયાન અહીં ઉનાળાનો સમય હોય છે તે શ્રેષ્ઠ સમય છે. અલબત્ત, બરફનો રોમાંચ માણવો હોય તો શિયાળામાં પણ જઈ શકાય છે.
શું કરવું?
પ્રોપર્ટીમાં જ રહીને આરામ અને કુતરાઓ સાથે રમો.
શીના અને આદિ સાથે સ્થાનિક જમવાનું બનાવતા શીખો.
નજીકમાં આવેલા પૂલમાં ડૂબકી લગાવો. (માત્ર ઉનાળામાં)
વાંચો અને નજારાનો આનંદ માણો.
ચઢાણ કે ડ્રાઈવ પર જાઓ.
નજીકમાં આવેલા ફરવાલાયક સ્થળો:
જીભી
નદી કિનારે આવેલું એક નાનકડું ગામ જ્યાં કિનારે બેસીને ડિનર કરવાની ખૂબ મજા આવે છે. અહીં એક વોટરફોલ તેમજ લાકડાનો પુલ છે જે ખૂબ જ સુંદર દ્રશ્યો બનાવે છે.
બહુ
પ્રોપર્ટીથી 15 કિમી દૂર આ નાનું ગામ છે જ્યાં આસપાસમાં હિમાચ્છાદિત પર્વતોનો ખૂબ સુંદર નજારો જોવા મળે છે. વળી, લાકડાના મકાનો અહીંની આગવી વિશેષતા છે. જંગલની વચ્ચે આવેલું બાલુનાગ મંદિર પણ ખાસ જોવા જેવું છે. અને હા, બસ સ્ટેશન પાસે લારીઓમાં મળતા મોમોઝ અને અંડા પાવ તો એટલા યમ્મી છે કે સહેજ પણ મિસ કરવા જેવા નથી.
જલોરી પાસ
10,000 ફીટની ઊંચાઈ પર આવેલું આ ગામ તીર્થન પાસેની મસ્ટ-વિઝિટ જગ્યા છે. અહીં કોઈ ઢાબામાં બેસીને ગરમાગરમ રાજમા-ચાવલ ખાતા ખાતા સનસેટ જોવાની અલગ જ મજા છે. થોડું ટ્રેક કરીને વધુ ઊંચાઈ પર આવેલા એક સરોવર પરથી આ જગ્યાની આસપાસના વિસ્તારોનો કમ્પ્લીટ વ્યૂ માણી શકાય છે.
કેવી રીતે પહોંચવું?
ફ્લાઇટથી પહોંચવા સૌથી નજીકનું એરપોર્ટ ભુંતાન એરપોર્ટ છે જ્યાંથી 1.5 કલાક ડ્રાઈવ કરીને તીર્થન પહોંચી શકાય છે.
વાહનમાર્ગે જવા માટે દિલ્હીથી મનાલી જતી કોઈ પણ બસ કે ટેક્સીમાં બેસો અને ઔત ખાતે ઉતરી જાઓ. ત્યાંથી બંજર જવા બસ કે ટેક્સી મળી રહેશે. આ 14-15 કલાકનો રસ્તો છે.
પઠાણકોટ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે અને ત્યાંથી અહીં પહોંચતા 8 કલાક થાય છે. પણ આ રસ્તો સલાહભર્યો નથી.
.