કોરોના કાળમાં વિદેશની ટૂર ન કરનારાઓ દેશમાં જ સારા સ્થળો શોધી રહ્યા છે. ફરનારો એક વર્ગ એવો છે જે હેરિટેજ હોટલોનો શોખીન છે. આવા ટૂરિસ્ટને રાજાઓની જેમ આન, બાન અને શાનથી રહેવામાં મજા આવે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ઘણી હેરિટેજ હોટલો છે જ્યાં ગુજરાતીઓ રહેવાનું પસંદ કરે છે, જો કે વધારે દૂર ન જવું હોય તો ગુજરાતમાં પણ એટલે કે ઘરઆંગણે તમે રાજાશાહી ઠાઠ ભોગવી શકો છો. અગાઉના આર્ટિકલમાં અમે ગુજરાતની આવી 3 હેરિટજ હોટલો વિશે જણાવ્યું હતું. આજે કેટલીક વધુ હોટલો વિશે જાણીશું.
બાલારામ પેલેસ રિસોર્ટ, પાલનપુર
ગુજરાતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યો છે ગુજરાતના હાર્દ સમા અમદાવાદથી અંદાજે 167 કિલોમીટરના અંતરે આવેલો બાલારામ પેલેસ રિસોર્ટ. અમદાવાદ-માઉન્ટ આબુ નેશનલ હાઇવે-14ની નજીક ચિત્રાસણી ગામમાં આવેલા બાલારામ પેલેસ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે.
અંબાજીથી માત્ર 1 કલાકના અંતરે આવેલો આ પેલેસ આજે એક હેરિટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. પણ, અહી આવતા સહેલાણીઓને મહેલની સાથે સાથે પહેલાના જમાનાની રહેણી કરણી તેમજ નવાબી ઠાઠના પ્રત્યક્ષ દર્શન આ મહેલમાં થાય છે. નવાબી શાસનકાળમાં અંગ્રેજ સ્થપતિ લુઈસ કોલોનેલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે આ રિસોર્ટ. જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી 15 KM દૂર આવેલા ઐતિહાસિક બાલારામ રિસોર્ટને તેની પ્રાચીનતા અને ભવ્યતાને લીધે બેસ્ટ હેરિટેજ હોટલ રનર અપ-2020ની કેટેગરીમાં સ્થાન મળતા રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. બાલારામ હાઉસનું નામ બાલારામ નદી પરથી પડ્યું છે. 1 ઓક્ટોબર 1922માં બાલારામ રિસોર્ટ પેલેસનું બાંધકામ શરૂ થયું હતું અને 1935માં દીવાન મહાખાન નવાબ અને તાલે મહમંદ બહાદુરના સમયમાં બાંધકામનું કામ પૂર્ણ થયું હતું.
આ પરિવાર પેલેસનો ઉપયોગ તે સમયે વિકેન્ડ હન્ટિંગ માટે કરતો હતો. આ હેરિટેજ રીસોર્ટમાં ચાર ગોલ્ડ રૂમ, 12 પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટની સગવડ ઉપલબ્ધ છે. દરેક રૂમમાં ટેલિવિઝનથી લઇને રેફ્રિજરેટર, અટેચ્ડ બાથ, ફાયરપ્લેસ જેવી કેટલીય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. કેટલાક રોયલ રૂમમાં કોલોનિયલ સ્ટાઇલના ઇન્ગ્લિશ ફાયરપ્લેસની સગવડ માણવા મળે છે. અહીંની મલ્ટીક્વિઝન એ.સી. રેસ્ટોરન્ટમાં સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ અને ચાઇનિઝ સર્વ કરવામાં આવે છે. તમે જો કોઇ બિઝનેસ ઓરિએન્ટેડ મીટિંગ માટે વિચારતા હોવ તો બાલારામ પેલેસ બેસ્ટ ઓપ્શન છે. અહીં સ્લાઇડ પ્રોજેક્ટર, ઓવરહેડેડ પ્રોજેક્ટર, સ્ક્રીન, વ્હાઇટ બોર્ડની સુવિધા વાળો ફુલ્લી એ.સી. કોન્ફરન્સ હોલ પણ છે. જેમાં એક સાથે 75 વ્યક્તિઓ બેસી શકે છે.
હાઉસ ઓફ એમજી
‘ધ હાઉસ ઓફ મંગળદાસ ગીરધરદાસ’ અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલું છે. અમદાવાદની સૌથી પ્રસિદ્ધ એવી સીદી સૈયદની જાળીની બરાબર સામે આવેલું હાઉસ ઓફ એમ.જી. એક સમયે વીસમી સદીના અમદાવાદના બિઝનેસમેન તેમજ દયાળું માનવી મંગળદાસ ગિરધરદાસનું ઘર હતું.
મંગળદાસે તેમની કારકીર્દિની શરુઆત એક કાપડની મિલમાં સ્ટોર કીપર તરીકેનું કાર્ય કરીને કરી હતી. એક જ દાયકાની અંદર પોતાના ખંતથી મંગળદાસ તે જ ફેક્ટરીના માલિક બન્યા અને સમયાંતરે તેમની સમૃદ્ધિનો વ્યાપ વિસ્તરતો ગયો. પોતાના વધતા જતાં વિકાસની સાથે તેમણે વર્ષ 1924માં પોતાના માટે અને પરિજનો માટે સીદી સૈયદની જાળીની સામે જ મકાન બાંધવાનું નક્કી કર્યું અને મકાન બંધાવ્યું.
વર્ષ 1928માં તેમનું મૃત્યું થયું અને વર્ષ 1950માં તેમનું સમગ્ર કુટુંબ અન્ય સ્થળે સ્થળાંતરિત થયું. બાદમાં મંગળદાસ હાઉસ અલગ-અલગ હિસ્સાઓમાં વહેંચાઇ ગયું. છેક વર્ષ 1994માં વિક્ટોરિયા કેપિટલ વેન્ચર્સ લિમિટેડે સમગ્ર મકાન પોતાના હસ્તક લીધું. જેનું સમારકામ કરાવીને તેને હેરિટેજ હોટલનું સ્વરુપ આપવામાં આવ્યું છે. જ્યાંના મેનેજર અભય મંગળદાસના પ્રપૌત્ર છે.
અમદાવાદના સ્થાપત્યોની જેમ જ આજે હાઉસ ઓફ એમ.જી.ની ગણના ઐતિહાસિક સ્મારકમાં થાય છે. ખૂબજ બહોળા વિસ્તારમાં ફેલાયેલા આ હાઉસમાં પ્રવાસીઓ માટે એક રોયલ હોટલ જેવી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. અહીં 10 હજાર રૂ.થી લઇને 50 હજાર રૂ. સુધીના વિવિધ સ્યુટ્સ ઉપલબ્ધ છે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત બેન્ક્વેટ હોલ, કાફે સેન્ટર, સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, આર્ટિસ્ટિક ગિફ્ટ શોપ જેવા અનેક આકર્ષણો મંગળદાસ હાઉસમાં આપની સેવા માટે ઉપલબ્ધ છે. હાઉસ ઑફ એમ.જી.ની ખાસ વિશેષતા અહીં પીરસવામાં આવતું ગુજરાતી ભોજન છે. જેનો સ્વાદ માણવા અમદાવાદ આવતા મોટાભાગના વિદેશીઓ અચૂક પધારે છે. હાઉસ ઓફ એમ.જી.નું બાંધકામ અને તેની સુવિધાઓ તેમજ અહીંનું વાતાવરણ ખાસ કરીને વિદેશીઓને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ગાર્ડન પેલેસ હેરિટેજ હોમ, બાલાસિનોર
બાલાસિનોરની રોયલ ફેમિલીના નિવાસ્થાન એવા આ ગાર્ડન પેલેસને ભારતની આઝાદી પહેલા 1883માં બનાવાયું હતું. આ ગાર્ડન પેલેસ હેરિટેજ હોમને 1883માં નવાબ મોહમ્મદ મનોવરખાનજી બાબીએ બંધાવ્યું હતું. એક સમયે આ પેલેસ બાલાસિનોરના દિવાનનું નિવાસસ્થાન હતું. આ જગ્યા બગીચા કે ગાર્ડન હેવન તરીકે ઓળખાતી. રોયલ ફેમિલીનો મુખ્ય મહેલ એવો નવચોકિયા પેલેસને બ્રિટિશ રાજમાં ફાયરિંગથી નુકસાન થતાં પરિવારના સભ્યો 1940માં આ મહેલમાં શિફ્ટ થયા હતા. બેગમ અને નવાબ સાહેબના પુત્ર નવાબઝાદા સુલતાન સલાઉદ્દીન ખાન અને તેમના દુલ્હન બેગમ ઝેબા સુલતાન તેમજ મોહમ્મદ સલાબત ખાનના પુત્રી આલિયા સુલતાના બાબી અહીં રહે છે. ગાર્ડન પેલેસનો સંપૂર્ણ વહીવટ સુલતાન સલાઉદ્દીન ખાન બાબીના હાથમાં છે જે મોહમ્મદ સલાબતખાનના પુત્ર છે.
ક્યાં છે અને કેવી છે સુવિધા
ગાર્ડન પેલેસ હેરિટેજ હોટલ અમદાવાદથી 86 કિલોમીટર દૂર બાલાસિનોરમાં છે. અહીં રણોલીમાં જાણીતો ડાયનોસોર પાર્ક છે. પેલેસમાં કુલ 6 રુમ છે. દરેક રુમમાં રજવાડી ફર્નિચર, આરામદાયક બેડ, ખાનદાની ચિત્રો અને એન્ટિક ચીજો રાખવામાં આવી છે. આ વસ્તુઓ તમને રોયલ ભુતકાળની યાદ અપાવે છે.
દરેક રુમમાં એલઇડી ટીવી, ડિશ ટીવી, ટી-કોફી મેકર, ઇન્ટરકોમ, મોર્ડન બાથરુમ, હોટ-કોલ્ડ વોટરની સુવિધા છે. 2 ટેન્ટ કોટેજ પણ છે. જેમાં પણ આધુનિક સુવિધાઓ છે.