દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ

Tripoto
Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 1/12 by Paurav Joshi

રાજા-મહારાજાઓની વાતો આપણને હંમેશા આકર્ષિત કરતી રહી છે. ક્યારેક એવું પણ મન થાય કે કાશ હું કોઇક રાજાને ત્યાં જન્મ્યો હોત. રાજાઓની જીવનશૈલી અને તેમના આવાસને નજીકથી જોવાનું અને જાણવાનું મન હંમેશા મને થતું. હું વિચારતો કે ક્યારેક આવા જ કોઇક હેરિટેજ હોમની મુલાકાત લઇને પ્રિન્સલી સ્ટેટનો અનુભવ કરીએ. ગુજરાતમાં આવેલા વિવિધ હેરિટેજ હોમ વિશે સાંભળ્યું તો ઘણું હતુ પરંતુ ક્યારેય તેની મુલાકાત લેવાનું વિચાર્યું નહોતું. પરંતુ એક દિવસ આ અદ્ભુત તક આવી પહોંચી.

દરબારગઢ હેરિટેજ હોમ

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 2/12 by Paurav Joshi

એક આર્ટિકલના અનુસંધાનમાં પોશીનામાં આવેલા દરબારગઢ હેરિટેજ હોમના કુંવર હરેન્દ્રપાલ સિંહ સાથે ટેલીફોનિક વાતચીત થઇ અને પછી નક્કી થયો દરબારગઢ જોવાનો પ્રોગ્રામ. અંબાજીથી માત્ર 29 કિલોમીટર અને અમદાવાદથી 180 કિલોમીટર અંબાજી જવાના રસ્તે આવેલું છે પોશીના. અહીં આવેલા દરબારગઢનું સંચાલન કરી રહ્યા છે કુંવર હરેન્દ્રપાલ સિંહ અને તેમનો પરિવાર. દરબારગઢ કોઇ હોટલ નથી પરંતુ એક હેરિટેજ હોમ છે. કુંવર હરેન્દ્રપાલ સિંહ જણાવે છે કે આ કોઇ હેરિટેજ હોટલ નથી પરંતુ એક હેરિટેજ હોમ છે જેમાં તમને આત્મીયતાનો ભાવ અનુભવવા મળે છે.

દરબારગઢ જવાનું એક બીજું કારણ એ પણ હતું કે નજીકમાં અંબાજી શક્તિપીઠ છે. અંબાજી આમ તો ઘણીવાર જઇ આવ્યો છું પરંતુ જેટલી વાર જઇએ તેટલું ઓછુ પડે. માં અંબાના દર્શન અને ગબ્બર પર ચડવાનું આકર્ષણ મને કાયમ રહ્યું છે. એટલે દરબારગઢ જવાના પ્લાનિંગમાં મૂળ તો અંબાજીના દર્શન કરવાની ઇચ્છા પણ કારણભૂત હતી.

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 3/12 by Paurav Joshi

દરબારગઢ જવાન સમય રવિવારે વહેલી સવારનો નક્કી કર્યો. પહેલા અમે નક્કી કર્યું કે સવારે વહેલા નીકળીને અંબાજી જઇશું. ત્યારબાદ ગબ્બરના દર્શન કરીને પછી દરબાર ગઢ પહોંચી જઇશું. સવારે પાંચ વાગે અમદાવાદથી અંબાજી જવા માટે ફેમિલી સાથેની અમારી સફર શરુ થઇ. મારી સાથે પત્ની, પુત્ર અને બે સાળા પણ હતા. મારી પ્રાઇવેટ કારમાં અમદાવાદથી ચિલોડા, હિંમતનગર, ઇડર થઇને અંબાજી જવાનો રસ્તો નક્કી કર્યો. રસ્તામાં બ્રેક કરતાં કરતાં લગભગ 10 વાગે અમે અંબાજી પહોંચ્યા. બપોરનું લંચ દરબારગઢમાં કરવાનું હતું. એટલે અંબાજીમાં ફક્ત દર્શન કરવા જેટલું જ રોકાવાનું હતું પરંતુ રવિવાર હોવાથી અંબાજી મંદિરમાં ખાસ્સી ભીડ હતી. લાઇનમાં ઉભા ઉભા થાક પણ લાગ્યો હતો પરંતુ મા અંબેના દર્શન કરવાથી બધો જ થાક ઉતરી ગયો.

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 4/12 by Paurav Joshi

ગબ્બરના દર્શન કરીને નીચે ઉતર્યા ત્યાં સુધીમાં તો લગભગ બપોરના એક વાગી ચૂક્યા હતા. 12 વાગે દરબારગઢ પહોંચવાનો પ્લાન હતો પરંતુ અમે ઘણાં લેટ હતા. અંબાજીથી પોશીના થઇને દરબારગઢ પહોંચતા બપોરના બે વાગી ચૂક્યા હતા. દરબારગઢ પોશીનાગામની વચ્ચેથી જઇ શકાય છે. અહીં એક વિશાળ દરવાજો છે જેના દ્ધારા અમે અંદર પ્રવેશ્યા. કુંવર હરેન્દ્રપાલ સિંહ અમારી રાહ જોઇ રહ્યા હતા. દરબારગઢે તેનો હેરિટેજ વારસો જાળવી રાખ્યો છે. થોડીકવાર મુખ્ય હોલમાં રિલેક્સ થઇને કુંવર સાહેબ સાથે થોડીક વાતો શરુ કરી. તેઓએ જણાવ્યું કે 1994માં એક રૂમથી આ હેરિટેજ હોમની શરૂઆત થઇ હતી અને આજે અમે 32 એસી રૂમની સુવિધા ઉભી કરી છે.

દરબારગઢનો ઇતિહાસ

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 5/12 by Paurav Joshi

પોશિનાના રાજવીઓ ચાલુક્યના વંશજો છે. 12 સદીમાં ગુજરાત અને મધ્યભારતમાં તેઓનું શાસન હતું. દરબારગઢ એક સમયે ચાલુક્ય ડાયનેસ્ટીનું ગૌરવ ગણાતું. કુંવર હરેન્દ્રપાલ સિંહ અને તેમનો પરિવાર આજે પોશિનાના આ દરબારગઢ મહેલને સંભાળી રહ્યા છે જ્યાં સ્વતંત્રતા પહેલા આંઠ પેઢી સુધી તેમના વંશજોનું શાસન હતું.

દરબારગઢમાં આવી છે સુવિધા

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 6/12 by Paurav Joshi

અહીં તમને ખુશનુમા આબોહવા, સુંદર બગીચા, વૃક્ષો અને ટેરેસ પરથી અરવલ્લીના પહાડોના દર્શન કરવા મળશે. નજીકમાં પ્રખ્યાત અંબાજી મંદિર છે. પોશિના મહેલની નજીક તમને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની આદિવાસી અને ગરાસીયા સંસ્કૃતિનો અનુભવ મળશે. રાજસ્થાની, ગુજરાતી, જૈન ફૂડનો ઘર જેવો ટેસ્ટ મળશે. જો તમારે જાતે રસોઇ કરવાની ઇચ્છા હોય તો તે કુકિંગ એક્સપર્ટ તેમાં તમને મદદ કરશે.

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 7/12 by Paurav Joshi

કુંવર હરેન્દ્રપાલ સિંહ અતિથિઓની વ્યકિતગત દેખરેખ રાખે છે. દરબારગઢમાં ખુરશી ટેબલથી માંડીને બારી-બારણા, ડાઇનિંગ ટેબલ સહિત તમામ રૂમમાં એન્ટિક ચીજો તમને જોવા મળશે. રાજાઓના સમયનું ફર્નિચર તમને ભુતકાળના રજવાડી ઠાઠનો અનુભવ કરાવશે. જો કે આધુનિક જમાના અને પ્રવાસીઓની જરૂરીયાતો અનુસાર તેમાં કેટલોક ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 8/12 by Paurav Joshi

દરબારગઢમાં નાની-મોટી પાર્ટીનું આયોજન પણ કરી શકાય છે. અહીં રાજાઓના સમયની તલવારો, ભાલા, તીર-કામઠાં,વાસણો જોઇ શકાય છે. નજીકમાં અંબાજી મંદિર ઉપરાંત, 11મી સદીનું કુંભારીયાજી જૈન ટેમ્પલ જોવા લાયક છે.

ગુજરાતી ભોજનનો આનંદ

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 9/12 by Paurav Joshi

ઓલરેડી અમે ઘણાં મોડા પહોંચ્યા હોવાતી ભૂખ તો કકડીને લાગી હતી. વધારે રાહ જોયા વગર અમે ડાઇનિંગ ટેબલ પર લંચ કરવા બેઠા. દરબારગઢમાં તમને સ્થાનિક રાજસ્થાની રસોઇયા દ્ધારા તૈયાર થયેલુ શુદ્ધ અને સાત્વિક શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. અમે બાજરીનો રોટલો, રિંગણનો ઓળો, દાલ, રાઇસ, પાપડ, છાશ, સ્વીટ, બટાકાનું શાકનો આનંદ માણ્યો. ભોજનનો સ્વાદ અદ્ભુત હતો. ખાસ કરીને રિંગણનો ઓળો. તમે આંગળા ચાટો એવી સ્વાદિષ્ટ રસોઇ બનાવી હતી.

શયનખંડમાં આરામ

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 10/12 by Paurav Joshi

ભોજન પછી અમે થોડોક સમય રિલેક્સ થવા રુમમાં ગયા. રુમમાં એટેચ બાથરુમ, એસી સહિત તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ હતી. જો કે રુમનું ઇન્ટિરિયર પ્રાચીન જ હતું. રુમમાં લાકડાની ખુરશી, કબાટ, ડ્રેસિંગ ટેબલ જોઇને જુના સમયની યાદ આવ્યા વિના ન રહે.

પ્રોપર્ટીના દર્શન

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 11/12 by Paurav Joshi

થોડાક હળવા થયા પછી કુંવર હરેન્દ્રપાલ સિંહે અમને દરબારગઢની પ્રોપર્ટીના દર્શન કરાવ્યા. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિને સમજવા અને શાંતિની શોધમાં અહીં ઘણાં ફોરેનર્સ આવે છે. ઘણીવાર તેઓ આખો મહિનો પણ રોકાય છે. વિદેશી મહેમાનોને ધ્યાનમાં રાખીને અહીં એક નાનકડી લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. કુંવર સાહેબે અમને રાણીઓ રહેતી તે રૂમ પણ બતાવ્યો. સાંજ પડવા આવી હતી અને અમે દરબારગઢની યાદોને કાયમ માટે સંગ્રહી રાખવા માટે કેમેરાથી પિક્ચર ક્લિક કર્યા. ત્યારબાદ કુંવર સાહેબનો આભાર માની અમદાવાદ આવવા માટે વિદાય થયા.

Photo of દરબારગઢ હેરિટેજ હોમ, રાજા સાહેબની મહેમાનગતિ એક યાદગાર સંભારણું બની ગઇ 12/12 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads