ભારતમાં સૌથી વધુ પ્રવાસ કરતાં લોકોમાં ગુજરાતીઓ ટોચના સ્થાને બિરાજે છે તેમ કહી શકાય. દેશ-વિદેશમાં ગમે તેટલી અગવડો ભોગવીને પ્રવાસ કરતાં ગુજરાતીઓ પૈકી ઘણી મોટી સંખ્યામાં લોકો આજે 21મી સદીમાં પણ ગર્વભેર ‘પ્યોર વેજીટેરિયન’ ભોજન ખાવાનું પસંદ કરે છે. આ માટે તેમને કોઈ પણ બાંધછોડ સ્વીકાર્ય નથી. ગુજરાતીઓના આ વણલખ્યાં સિદ્ધાંતને લીધે ભારતમાં એવા અનેક શહેરો/ પ્રવાસન સ્થળો છે જ્યાં આપણને સૌને ખૂબ પ્રિય એવી સ્વાદિષ્ટ ગુજરાતી થાળી મળે છે.
મુંબઈ: ગુજરાતીઓ અને મુંબઈ ક્યારેય એકબીજાથી જુદા હતા જ નહિ, થશે પણ નહિ. મુંબઈમાં અઢળક જગ્યાઓએ ગુજરાતી થાળી મળે છે પણ શ્રેષ્ઠ ગુજરાતી થાળી માટે કોઇ એક જગ્યા પસંદ કરવાની હોય તો તે શ્રી ઠાકર ભોજનાલય છે. દેશ સ્વતંત્ર થયો તે પહેલા મુંબઈના કાલબાદેવી રોડ પર બનેલી આ રેસ્ટોરાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓથેન્ટિક ગુજરાતી ભોજન માટે વિખ્યાત છે.
ગોવા: પાર્ટી કેપિટલ ઓફ ઈન્ડિયા ફરવા જાય અને ત્યાં પણ ગુજરાતી થાળી ખાય તે જ સાચો ગુજરાતી! યેસ, ગોવામાં પણ ગુજરાતી થાળીના અમુક વિકલ્પ ઉપલબ્ધ છે જે પૈકી પણજીમાં મેઇન રોડ પર આવેલી ‘ભોજન’ નામની રેસ્ટોરાં શ્રેષ્ઠ ગુજરાતી ભોજન પીરસે છે. આ એક પ્રમાણમાં મોંઘી રેસ્ટોરાં છે પણ ગુજરાતી વાનગીઓ અહીં સારામાં સારી મળે છે.
દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી તેમજ તેની આસપાસનો વિસ્તાર- NCR ખાણીપીણીની બાબતમાં પુષ્કળ વિકસિત વિસ્તાર છે. ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશમાં આવેલી સુરુચિ રેસ્ટોરાં દિલ્હી/ દિલ્હી NCRમાં આવેલી શ્રેષ્ઠ ગુજરાતી ફૂડ ઓફર કરતી રેસ્ટોરાં છે. વર્ષ 2016 માં તેને દિલ્હીની શ્રેષ્ઠ અનલિમિટેડ ગુજરાતી થાળીનો પ્રતિષ્ઠિત ‘Time Food Award’ મળ્યો હતો.
ચેન્નાઈ: તમિલ નાડુ પ્રવાસે ગયા હોવ અને સાઉથ ઇન્ડિયન ખાઈને કંટાળી જાઓ તો ચેન્નાઈના ટી નગર વિસ્તારમાં ‘અમદાવાદી ગુજરાતી રેસ્ટોરાં’ આપણું પરંપરાગત ગુજરાતી ભોજન બનાવે છે. અહીંની સૌથી મહત્વની વાત એ છે કે અહીં અનલિમિટેડ થાળી ઉપરાંત અન્ય ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓ પણ મળે છે.
કલકત્તા: ભાત અને માછલીનો મુખ્ય ખોરાક ખાતા બંગાળમાં ગુજરાતી ભાણું મળે એટલે ગંગા નાહ્યા! કલકત્તા શહેરમાં ભવાનીપુરા વિસ્તાર ગુજરાતીઓનો રહનાંકીય વિસ્તાર છે એટલે ત્યાં અનેક શાકાહારી રેસ્ટોરાં આવેલી છે. પરંતુ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન માણવું હોય તો બડા બઝાર વિસ્તારમાં આવેલી ‘ગુજરાતી બાસા’ રેસ્ટોરાંની મુલાકાત લેવા જેવી છે.
બેંગલોર: ભારતનું સિલિકોન વેલી હજારો ગુજરાતીઓની વસ્તી ધરાવે છે. અહીં ‘ખાનદાની રાજધાની’ નામની થાળી રેસ્ટોરાં શ્રેષ્ઠ ગુજરાતી અને રાજસ્થાની થાળી ઓફર કરે છે.
કેરળ: દક્ષિણ ભારતનું સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન! ટુરિઝમનો વિકાસ થયો હોય ત્યાં ગુજરાતીઓને સારું જમવાનું મળી જ રહે! કેરળની પણ પ્રખ્યાત જગ્યાઓએ પ્યોર વેજ તેમજ ગુજરાતી ભોજન સુલભ છે.
અન્નપૂર્ણા વેજ રેસ્ટોરન્ટ, પુરોહિત રેસ્ટોરન્ટ, શ્રી કૃષ્ણ મારવાડી ગુજરાતી રેસ્ટોરન્ટ- મુન્નાર
ગુજરાતી સૌરાષ્ટ્ર હોટેલ- તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ)
જ્યોતિ વિલાસ પ્યોર વેજ- કોવલમ
ઉત્તર ભારતનાં હિલ સ્ટેશનમાં ગુજરાતી ભોજન:
મનાલી- સત્યમ પ્યોર વેજ રેસ્ટોરન્ટ
દહેરાદૂન- રઘુવંશી ભોજનાલય
નૈનીતાલ- શિવા રેસ્ટોરન્ટ, હોટેલ અન્નપૂર્ણા
તમને કોઈ પર્યટન સ્થળે ગુજરાતી ભાણું જમવા મળ્યું હોય તો કમેન્ટ્સમાં જણાવો.
.