એવું કહેવાય છે કે યાત્રા દરમિયાન ભોજનનું પણ મહત્વ છે. જો તમે તીખું, ચટપટું, મસાલેદાર ખાવાનું પસંદ કરો છો તો અલવરના વ્યંજન તમારા મોંમા પાણી લાવી દેશે. તેમાં વપરાતા મસાલામાં હળદર, લીલા મરચા, મરી, જીરું અને ઘી કે માખણનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. જેનો સ્વાદ તમને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે. અલવરમાં ખાસ કરીને મીરચી વડા, દૂધના લાડુ, ઝાઝરિયા, ઘેવર, ઇમરતી, જલેબી, ગાજરનો હલવો, લસ્સી વગેરે ઘણાં જ ફેમસ છે. અહીં ખેતીવાડી વધારે હોવાથી દરેક વ્યંજનમાં દૂધનો ભરપુર ઉપયોગ થાય છે. તો આવો જાણીએ અહીંના કેટલાક જાણીતા વ્યંજનો અને જગ્યાઓ વિશે...
અલવરની જાણીતી વાનગીઓ
મિરચી વડા
આ સ્નેક્સની વેરાયટી છે. જેને અહીંના લોકો ખુબ દિલથી ખાય છે. અને ઘણી ફેમસ પણ છે. તેમાં મોટા મોટા લીલા મરચાંની અંદર બટાકાનો માવો ભરવામાં આવે છે. ત્યારબાદ તેને ખાસ્સા સમય સુધી તળવામાં આવે છે. સવારથી લઇને સાંજ સુધી કોઇપણ સમયે તમે તેને ચાની સાથે એન્જોય કરી શકો છો. તો જ્યારે પણ અલવર જાઓ તો તમે આ ડિશને જરૂર ટ્રાય કરો.
ગટ્ટાનું શાક
રાજસ્થાનની આ ઘણી જાણીતી ડિશ છે. ગટ્ટા (એક જાતની ઢોકળી)ના બેસનના નાના નાના ગોળા હોય છે જેને ફ્રાઇ કરીને મસાલેદાર કઢીમાં નાંખવામાં આવે છે. તેને રોટલી અને ભાતની સાથે સર્વ કરવામાં આવે છે. જે ખાવામાં ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે.
કચોરી
અહીં તીખી મસાલેદાર કચોરીની સાથે સાથે ચાસણીમાં ડુબેલી મીઠી કચોરીનો સ્વાદ પણ માણી શકો છો. જે ઘણો પસંદ કરવામાં આવે છે.
ડુંગળી કચોરી
આને લોકો સવારના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. ડુંગળીની કચોરી અને બટાકાના શાકનો સ્વાદ તમને અહીંની મોટાભાગની ગલીઓમાં ચાખવા મળશે.
માવા કચોરી
કચોરી અને તે પણ મીઠી...જી હાં...રાજસ્થાનમાં બટાકા, દાળ અને ડુંગળી (કાંદા) ઉપરાંત એક ખાસ પ્રકારની કચોરી મળે છે જેને એકવાર ખાધા બાદ તમારુ મન તેને વારંવાર ખાવાનું થશે. તે છે માવા કચોરી. જે કોઇ ખાસ ઉત્સવ કે તહેવારો પર નહીં પરંતુ ક્યારે પણ ખાઇ શકાય છે. રાજસ્થાનની દરેક ગલીમાં, ખાણી-પીણીની દુકાનમાં તમે આ કચોરીનો સ્વાદ માણી શકો છો. આ અલવરની ફેમસ ડિશમાંની એક છે.
મિલ્ક કેક
આમ તો અલવર હરવા-ફરવા અને તેના સ્વાદિષ્ટ વ્યંજનો માટે મશહૂર છે. પરંતુ અલવરની પ્રાકૃતિક સુંદરતા જેટલી જ અનોખી છે અલવરની મિલ્ક કેક. સામાન્ય બોલચાલમાં કલાકંદ નામથી પ્રચલિત મિલ્ક કેક દૂધથી બનેલી એક એવી મિઠાઇ છે જેનું નામ સાંભળીને મોંમા પાણી આવી જશે. આ મીઠાઇ વિદેશોમાં પણ પ્રચલિત છે. આ મિઠાઇએ દેશ-દુનિયામાં અલવરને પ્રસિદ્ધ બનાવી દીધું છે. આજે મિલ્ક કેકનું નામ આવતા જ અલવરનું નામ આવે છે. આજે તે અલવરની ઓળખ બની ગયું છે.
અલવરના મશહૂર ડેઝર્ટ
અલવરના કેટલાક જાણીતા ડેઝર્ટ જે ઘણાં ફેમસ છે તેમાં દૂધના લાડુ, ઝાંઝરિયા, સોહન હલવો, પતીસા, માવા મિઠાઇ, મોતીચૂરના લાડુ, કાજુ બરફી વગેરે.
અલવરમાં આ જગ્યાઓ પર લઇ શકો છો સ્ટ્રીટ ફૂડ્સની મજા
કાશીરામ સર્કલ
ચાટ, પાણીપુરીની મજા લેવી હોય તો અહીં જરૂર જાઓ
અશોક સર્કલ
આ આઇસ્ક્રિમ, કૉફી, લસ્સી અને કુલ્ફીના શોખીનોની પસંદગીની જગ્યાઓમાંની એક છે.
ચર્ચ રોડ, કલાકંદ માર્કેટ, તિજારા ફાટક અને જય કૉમ્પ્લેક્સ
અલગ-અલગ વેરાઇટીની મીઠાઇઓને ચાખવાની સાથે જ તમે તેને અહીંથી પણ પેક કરાવી શકો છો.
અલવર કેવી રીતે પહોંચશો
અલવરથી નજીકનું એરપોર્ટ દિલ્હીનું છે. અહીંથી તમે અલવર માટે ટેક્સી કરી શકો છો. અલવર બસ પણ જાય છે. અહીં ટ્રેનની કનેક્ટિવિટી પણ સારી છે. અલવર ટ્રેનથી જવું પણ એક સારો વિકલ્પ છે. કારણ કે ટ્રેન યાત્રા દરમિયાન ઘણાં શાનદાર દ્રશ્ય જોવા મળે છે.
રોડ માર્ગે કેવી રીતે પહોંચશો
રાજ્યના જુદા જુદા શહેરોથી અલવર માટે નિયમિત બસ સેવાઓ ઉપલબ્ધ છે. દિવસ હોય કે રાત આ રૂટ પર નિયમિત બસ મળી રહે છે. જયપુર, જોધપુર વગેરે સ્થળોએથી તમે અલવર માટે શેર ટેક્સી કે કેબ ભાડેથી પણ લઇ શકો છો.
ટ્રેનથી કેવી રીતે જવાય
અલવર શહેર ભારત અને રાજ્યના મુખ્ય શહેરોથી નિયમિત ટ્રેન સેવાથી જોડાયેલું છે.
વિમાનથી કેવી રીતે જશો
અલવર માટે કોઇ સીધી ફ્લાઇટ નથી. અલવરનું નજીકનું સ્ટેશન જયપુર 165 કિ.મી. દૂર છે. એરપોર્ટથી અલવર પહોંચવા માટે ટેક્સી કરી શકાય છે કે નિયમિત રીતે સંચાલિત બસ પણ મળી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો