કોવિડ મહામારીના કારણે જ્યારથી ‘વર્ક ફ્રોમ હોમ’ રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે ત્યારથી પ્રવાસપ્રેમીઓ માટે વિવિધ સ્થળોએ ફરવું અને લાંબો સમય રોકાણ કરવું ખૂબ સરળ થઈ ગયું છે. ટ્રાવેલર્સ હંમેશા કોઈને કોઈ નવી જગ્યાઓ ફરવાના મૂડમાં જ જોવા મળતા હોય છે અને પરિણામે વેકેશનની બદલે સ્ટેકેશન કે વર્કેશનનો આઇડિયા અસ્તિત્વમાં આવ્યો હતો.
હવે, વિશ્વમાં સાતમા ક્રમે સૌથી વિશાળ એવા ભારતમાં વિવિધ જગ્યાઓએ હવામાનમાં ઘણો ફેરફાર હોય છે. ખાસ તો નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન દેશના ઘણા પ્રદેશોમાં સામાન્યથી લઈને અતિશય ઠંડીનું મોજું જોવા મળતું હોય છે. આવા સમયમાં કોઈ જગ્યાએ સ્ટેકેશન કરવું એ થોડો મુશ્કેલ નિર્ણય સાબિત થાય છે. ખાસ તો એવા લોકો માટે જેમને ખુશનુમા વાતાવરણમાં પોતાનું સ્ટેકેશન માણવું હોય.


બસ, અમે આ જ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારોમાં ઠંડી તદ્દન નહિવત પ્રમાણમાં હોય છે અને એટલે જ અહીં દક્ષિણ ભારતમાં સ્ટેકેશન માટે શ્રેષ્ઠ વિકલ્પની યાદી આપવામાં આવી છે.
સ્ટેકેશન શું છે?
સ્ટે (રોકાણ) અને વેકેશન પરથી સંયુક્ત શબ્દ ‘સ્ટેકેશન’ બનાવવામાં આવ્યો છે. વેકેશનમાં સામાન્ય રીતે 2-3 દિવસનું રોકાણ હોય અને મુખ્ય હેતુ પ્રવાસનો હોય. અહીં પ્રવાસને પછીનું પ્રાધાન્ય આપવામાં આવે છે, પહેલા કોઈ સારી જગ્યાએ લાંબા સમય માટે રોકાઈને દિવસ દરમિયાન લેપટોપ પર લોકો પોતાનું કામ કરતા રહે છે. અને પોતાનું વ્યાવસાયિક કામના કલાકો પૂર્ણ થયા બાદ પોતાના સ્ટેકેશનની પ્રોપર્ટી અથવા જ્યાં રોકાયા છે તેની આસપાસની જોવાલાયક જગ્યાઓ ફરવામાં સમય પસાર કરે છે.
સ્ટેકેશનનો ખ્યાલ સાચે જ બહુ પ્રશંસનીય છે, ખાસ કરીને પ્રવાસના શોખીનો માટે.
દક્ષિણ ભારતમાં સ્ટેકેશન કરવા ક્યાં જવું?
કર્ણાટક:
કૂર્ગ
કર્ણાટક રાજ્યની એક હોટ ફેવરિટ જગ્યાઓ પૈકી એક છે આ શહેર. પરંતુ દિવસેને દિવસે વધતી આ સ્થળની લોકપ્રિયતાને લીધે અહીં તમામ પ્રકારના હોટેલ/ હોસ્ટેલ/ હોમસ્ટેનો પૂરતો વિકાસ થયો છે. સાવ હળવી ગુલાબી ઠંડી સાથે કૂર્ગનું ખૂબ જ ખુશનુમા વાતાવરણ અહીં આવનાર લોકોને તેનું રોકાણ લંબાવવા મજબૂર કરી દે છે.
ખાસ તો બેંગલોરમાં નોકરી કરતાં લોકોને એક શોર્ટ બ્રેક લઈને કોઈ સ્ટેકેશન કરવું હોય તો કૂર્ગ સૌથી પહેલી પસંદ હોવાની. અને કદાચ એટલે જ કૂર્ગમાં કોઈ પણ જગ્યાએ તમને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા બહુ જ સરળતાથી મળી રહે છે.
કૂર્ગમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 19થી 28 ડિગ્રી

ગોકર્ણ
ગોવાથી માંડ સવા સો કિમી દૂર આવેલું કર્ણાટકનું દરિયાઈ નગર ગોકર્ણ તમને જાણે ગોવામાં જ હોવાનો અનુભવ કરાવે છે. અહીં કદાચ ગરમીની અનુભૂતિ થઈ શકે પરંતુ ચોખ્ખા, અફાટ સમુદ્ર નજીકમાં કોઈ જગ્યાએ 8-10 દિવસ સ્ટેકેશન માણવાથી તમારી આખા વર્ષની બેટરી ચાર્જ થઈ જાય એટલું સુંદર વાતાવરણ અહીં હોય છે.
ગોકર્ણમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 22થી 32 ડિગ્રી

કેરળ
વરકલા
કેરળ રાજ્યમાં કોસ્ટલ વિસ્તારમાં આવેલું વરકલા એક ઘણું નાનું પણ ખૂબ મજાનું નગર છે. અહીં પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ જ શાંત ચિત્તે કામ કરવાની ખૂબ મજા આવે છે. શહેરના ઘોંઘાટથી દૂર નિરાંતનો સમય માણવા વરકલા આદર્શ સ્ટેકેશન બની રહેશે. અલબત્ત, કહેવાય છે કે શિયાળો તો વરકલાની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે.
વરકલામાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 20થી 30 ડિગ્રી

ઇડુકી
કેરળને God’s Own Country શું કામ કહેવામાં આવે છે તેની જો રૂબરૂ અનુભૂતિ કરવી હોય તો તમારે એક વખત ઇડુકી ખાતે સ્ટેકેશન જરૂર કરવું જોઈએ. સંપૂર્ણ કુદરતી માહોલ વચ્ચે આવેલા ઇડુકીમાં કોઈ પણ જગ્યાએ રોકવાથી ગજબની માનસિક શાંતિ અનુભવાય છે. જો કેરળના મુલાકાત લેવા યોગ્ય શ્રેષ્ઠ સ્થળોની યાદી બનાવવા બેસીએ તો ઇડુકી તેમાં ચોક્કસપણે ટોચના સ્થાને બિરાજે. આટલા પરથી તમે તેની સુંદરતાનો અંદાજ લગાવી શકો છો.
ઇડુકીમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 20થી 30 ડિગ્રી

તામિલનાડુ
મુદુમલાઇ
મુદુમલાઇ એ કર્ણાટકના લોકપ્રિય પ્રવાસન સ્થળ ઊટી નજીક તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. ઊટી જ્યારે બારે માસ પુષ્કળ પ્રવાસીઓથી ઉભરાતું હોય ત્યારે મુદુમલાઇમાં પ્રવાસીઓની સાવ પાંખી હાજરી જોવા મળે છે અને એટલે જ સ્ટેકેશન માટે તે પરફેક્ટ છે. મુદુમલાઇ એ કર્ણાટક, તામિલનાડુ અને કેરળ – ત્રણેય રાજયોની સીમા પર આવેલો જંગલ પ્રદેશ છે. જો તમને પ્રાણીઓનો સહવાસ પસંદ હોય તો મુદુમલાઇથી ઉત્તમ સ્થળ બીજું કોઈ જ નથી.
મુદુમલાઇમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 19થી 25 ડિગ્રી

પુડુચેરી
ફ્રેન્ચ કેપિટલ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતું આ શહેર સ્ટેકેશન માટે ખૂબ જ આદર્શ છે. એક તો તે મહાનગર ચેન્નઈથી માંડ 2 કલાકના અંતરે આવેલું છે, બીજું અહીં સુંદર દરિયાકિનારાઓ છે, ત્રીજું અહીં આસપાસ સમય પસાર કરવા ખૂબ સારા વિકલ્પો છે, ચોથું આ એક કેન્દ્ર્શાસિત પ્રદેશ હોવાથી અહીં ભાષાની કોઈ જ સમસ્યા ઉદભવતી નથી.
પુડુચેરીમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 22થી 35 ડિગ્રી

આંધ્રપ્રદેશ
વિશાખાપટ્ટમ
ભારતના પોર્ટ સિટીની યાદીમાં એક મોખરાનું સ્થાન ધરાવે છે આ શહેર. જો તમને કોઈ એકાંતવાળી જગ્યાઓ કરતાં બસ રોજિંદાજીવનથી બદલાવ મેળવવા કોઈ વિકસિત શહેરમાં સમય પસાર કરવો હોય તો તમે આંખ મીંચીને વિશાખાપટ્ટમ (વાઈઝાગ) જઈ શકો છો. અને હા, વીકએન્ડ દરમિયાન અહીં પાસે જ આવેલી આરાકુ વેલી જવાનું ન ભુલશો!
વિશાખાપટ્ટમમાં બજેટ સ્ટેકેશન અહીં બૂક કરો.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન: 20થી 30 ડિગ્રી

બસ ત્યારે, ઠંડી મેં ગરમી કા અહેસાસ કરવા માટે ઉપર પૈકી કયા લોકેશન ખાતે સ્ટેકેશન પર જવાનું પસંદ કરશો?
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ