![Photo of ખવાઈ એટલી ખાઈ લો અમદાવાદમાં આ જગ્યાએ મળી રહી છે અન-લિમિટેડ પાણીપુરી 1/5 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1617801093_panipuri.jpg)
પાણીપુરીનું નામ પડતા જ મોંમા પાણી આવી જાય તે સ્વાભાવિક છે. ખાસ કરીને યુવતીઓ માટે. મહિલાઓને પાણીપુરી અત્યંત પ્રિય હોય છે. ભાગ્યેજ કોઇ સ્ત્રી હશે જેને પાણીપુરી ન ભાવતી હોય. જો કે એવું પણ નથી કે પુરુષોને પાણીપુરી નથી ભાવતી પરંતુ મહિલાઓ તેમાં આગળ હોય છે. આપણે ત્યાં એવું જોવામાં આવે છે કે મહિલાઓ સાંજના સમયે જ્યારે ઘરની નજીકના શાકમાર્કેટમાં જાય ત્યારે શાકની ખરીદી કર્યા પછી માર્કેટમાં ઉભી રહેતી પાણીપુરીની લારીમાંથી પાણીપુરી કે પકોડી અવશ્ય ખાય. અમદાવાદમાં તો મહિલાઓમાં આ ચલણ વર્ષોથી છે. પાણીપુરી પણ બે પ્રકારની મળે છે એક સાદી મસાલાવાળી અને બીજી રગડાવાળી. રગડાવાળી પાણીપુરીમાં રગડો ગરમ હોય છે. ઘણાં લોકોને આ રગડાવાળી ગરમ પાણીપુરી જ ભાવતી હોય છે.
અમદાવાદમાં આમ તો પાણીપુરી માટે ઘણી જગ્યાઓ પોપ્યુલર છે. જેમ કે માસીની પાણીપુરી. જે એલિસબ્રિજ વિસ્તારમાં છે અને વર્ષોથી પાણીપુરીના શોખીનોમાં લોકપ્રિય છે. તો વિસ્તાર પ્રમાણે પાણીપુરીની ફેમસ જગ્યાઓ હોય છે. સેટેલાઇટમા દિવાનની પાણીપુરી પણ વખણાય છે. પરંતુ દરેક જગ્યાએ અન-લિમિટેડ પાણીપુરી નથી મળતી. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ અન-લિમિટેડ પાણીપુરીની. તો આવો જોઇએ અમદાવાદની કેટલીક આવી જગ્યાઓ વિશે.
પટેલની પાણીપુરી
![Photo of ખવાઈ એટલી ખાઈ લો અમદાવાદમાં આ જગ્યાએ મળી રહી છે અન-લિમિટેડ પાણીપુરી 2/5 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1617801323_patel.jpg)
ક્યાં છે
E-6, વૃંદાવન કોમ્પ્લેક્સ, મેમનગર, અમદાવાદ
શું છે ભાવ અને શું મળે
પટેલમાં તમને 120 રુપિયાની અનલિમિટેડ પાણીપુરી મળે છે. અહીં રેગ્યુલર પાણીપુરી, ઇટાલિયન ચીઝ ફાયર પાપડી પુરી, સેવપુરી, મસાલાપુરી, દહીંપુરી, ચીઝ મસાલા પુરી, ચીઝ મસાલા પુરી, ચીઝ સેવ પુરી, ચીઝ દહીંપુરી, ચીઝ પિઝા પાપડી પુરી, ચીઝ પીઝા ઇટાલિયન પાપડી પુરી, ચીઝ પિઝા ફાયર પાપડી પુરી, ચીઝ પીઝા ઇટાલિયન ફાયર પકોડી, ચીઝ ફાયર મસાલા પુરી, ચીઝ ફાયર પાપડી પુરી, ચીઝ ફાયર સેવ પુરી, ચીઝ ફાયર દહીં પુરી, પાનસોટ, આઇસ્ક્રીમ ચોકોલેટ સોટ, કાચીકેરી સોટ, બટર મિલ્સ સોટ, મીક્ષ ફ્રુટ સોટ, સોડા સોટ, ફ્રુટી સોટ, ફેન્ટા સોટ, રેગ્યુ.પકોડી પેકેટ, ફુદીના પાણી, રેગ્યુલર પાણીપુરી પાર્સલ પણ મળે છે. અહીં અનલિમિટેડ પાણીપુરીની સાથે ચાટનો વિકલ્પ પણ મળે છે.
ચોપાટી ચાટ કેફે
![Photo of ખવાઈ એટલી ખાઈ લો અમદાવાદમાં આ જગ્યાએ મળી રહી છે અન-લિમિટેડ પાણીપુરી 3/5 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1617801486_162614098_122184349920061_4356712213109585379_n.jpg)
ક્યાં છે
4ડી સ્કવેઅર મોલ, ઓનજીસી સર્કલ, ટ્યુન હોટલ નજીક, ચાંદખેડા, અમદાવાદ
શું ભાવ અને શું મળે
અહીં 199 રુપિયામાં અનલિમિટેડ પાણીપુરી, ભેળ અને ચાટ મળે છે. નામ પ્રમાણે તમે જેવા આ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી મારશો કે તમને મુંબઇની ચોપાટી જેવું એમ્બિયન્સ જોવા મળે છે. મુંબઇમાં જ્યારે લોકો જુહુ ચોપાટી કે ગીરગાંવ ચોપાટી પર ફરવા જાય ત્યારે પકોડી કે કુલ્ફી અવશ્ય ખાય છે. અમદાવાદનું ચોપાટી કેફે આ થીમ પર આધારિત છે. અહીં ફ્રુટ પંચ પાણીપુરી, જૈન પાણીપુરી પણ મળે છે. લસણ અને ડુંગળી વગરની પાણીપુરી પણ તેના મસાલાના કારણે ટેસ્ટી બની જાય છે. પાણીમાં પણ અહીં વિવિધતા છે. જેમ કે દ્રાક્ષનું પાણી, કિવિનું પાણી, તરબુચનું પાણી, ગ્રીન નાળિયેર પાણી, દાડમનું પાણી, નારંગી પાણી મળે છે. પાણીમાં સ્પેશિયલ મસાલો પણ નાંખવામાં આવે છે. ભેળ પણ ચોપાટી સ્ટાઇલ છે. ચાટ ખાવાની પણ તમને મજા આવશે. અહીં ડ્રાયફ્રુટ પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, ક્રીમ-ડાયફ્રુટ પાણીપુરી જેવી વેરાયટી અહીં મળે છે.
Buddy's Pizza
![Photo of ખવાઈ એટલી ખાઈ લો અમદાવાદમાં આ જગ્યાએ મળી રહી છે અન-લિમિટેડ પાણીપુરી 4/5 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1617801994_buddy_s_pizza.jpg)
ક્યાં છે
105-106, કઇરોસ, સુશીલ નગર કો-ઓપરેટિવ સોસાયટી, ગુરુકૂલ, અમદાવાદ
શું મળશે
અહીં 230 રુપિયામાં અનલિમિટેડ લંચ અને 270 રુપિયામાં અનલિમિટેડ ડીનર મળે છે. જેમાં 2 જાતના સૂપ, 22 જાતના સલાડ, 8 પ્રકારના હોટ સ્ટાર્ટર, 2 જાતની ગાર્લિક બ્રેડ, ચીઝી માર્ગરિટા, પફ પિઝા, થીન ક્રસ્ટ પિઝા, ચીઝી સેન્ડવિચ માર્ગરિટા, પાણીપુરી, કોલ્ડ ડ્રીંક, ડેઝર્ટ મળે છે. આમ તો આ પિઝા રેસ્ટોરન્ટ છે પરંતુ અનલિમિટેડ પિઝા મીલમાં તમને પાણીપુરી પણ મળે છે. જો કે તેમાં રેગ્યુલર પાણી જ મળે છે તેમાં તમને પાણીપુરીની વેરાયટી જોવા નહીં મળે.
Pizza 1
![Photo of ખવાઈ એટલી ખાઈ લો અમદાવાદમાં આ જગ્યાએ મળી રહી છે અન-લિમિટેડ પાણીપુરી 5/5 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1617802254_pizza_1.jpg)
કયાં છે
FF-107, સ્પેક્ટ્રમ કોમ્પ્લેક્સ, વિવેકાનંદ ક્રોસ રોડ નજીક, મેમનગર, અમદાવાદ
શું મળશે
અહીં 180 રુપિયામાં અનલિમિડે લંચ અને 210 રુપિયામાં અનલિમિટેડ ડીનર મળે છે. જેમાં 2 જાતના સૂપ, 22 જાતના કોલ્ડ સલાડ, 6 જાતના હોટ સલાડ, 3 જાતના પિઝા, ગાર્લિક બ્રેડ ચીઝ સાથે, અનલિમિટેડ પાણીપુરી, અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક, બ્રાઉની વિથ આઇસ્ક્રીમ મળે છે. જો કે અહીં પણ તમને પાણીપુરીના રેગ્યુલર સ્વાદ સિવાય બીજી કોઇ વેરાયટી નહીં મળે કારણ કે આ મુળભૂત રીતે પિઝા રેસ્ટોરન્ટ છે. પરંતુ તમે અહીં પિઝાની સાથે પાણીપુરીનો ટેસ્ટ પણ કરી શકો છો.