"हम सुंदरता, रोमांच और अजूबों से भरी अद्भुत दुनिया में रहते हैं | अगर आँखें खोल कर देखें तो रोमांच का कोई अंत ही नहीं दिखेगा | -जवाहर लाल नेहरू
રોજબરોજના કંટાળાજનક જીવનમાથી છુટીને ક્યાંક રજાઓ ગાળવા જવાનો કેટલો ઉત્સાહ હોય છે ને. કેટલાકને નવી જગ્યાએ નવી વસ્તુઓ જોવાનું ગમે છે તો કેટલાકને તીર્થસ્થળોએ જઈ રાહત મળે છે. ઘણા લોકો એવા પણ છે જે રજાઓમાં રોમાંચક વસ્તુઓ કરવાની મજા લે છે. ભારતની ધરતી પર આવા એડવેંચરિસ્ટ માટે ઘણી રોમાંચક રમતો છે.
તો અમે તમારી માટે ઘણા બધા વિકલ્પોમાથી વીણી વીણીને એડવેંચર પ્રવૃત્તિઓ લઈ આવ્યા છીએ જેથી એડવેંચરિસ્ટની રજાઓ સાકાર થઈ જાય.
1. ટ્રેકિંગ: સુંદર રસ્તાઓ પર વધતા પગલા
ભારતના ખૂબ જ સુંદર ભૂપ્રદેશ પર ટ્રેકિંગ કરવાની મજા આવે છે. દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણમાં એવી અદ્ભુત ટ્રેલ્સ છે, જેના પર ટ્રેક કરીને ટ્રેકિંગના શોખીનોને જીવન સુંદર લાગે છે. કાચા ખેલાડીઓથી લઈને અનુભવી ખેલાડીઓ સુધીના દરેક માટે ભારતમા ટ્રેક છે. ઉપરાંત, હિમાલયની ગોદમાં એવા ઘણા ટ્રેક છે જે એકલા પણ જઈ શકાય છે. ભારતમાં ટ્રેકિંગની એવી જગ્યાઓ છે જ્યાં તમે લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો, સ્વચ્છ સ્થાનિક ગામો અને અદ્ભુત દૃશ્યો સાથે પ્રકૃતિને નજીકથી જોઈ શકો છો.
ભારતમાં ટ્રેકિંગ કરવાનો શ્રેષ્ઠ સમય
હવે હવામાનની વાત તો ટ્રેકની પ્રકૃતિ પર આધારિત છે. ઉદાહરણ તરીકે ચાદર ટ્રેક શિયાળામાં કરી શકાય છે પરંતુ વેલી ઓફ ફ્લાવર્સ માટે વરસાદની મોસમ યોગ્ય છે. જો કે, બાકીના ટ્રેક માટે જૂનથી ઓક્ટોબરનો સમય વ્યાપક રીતે યોગ્ય માનવામાં આવે છે.
ભારતમાં ટ્રેકિંગ કરવા માટે યોગ્ય સ્થળ
ભારતમાં ટ્રેકિંગ માટેના મહત્વના સ્થળો લદ્દાખ, ઝંસ્કાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને સહ્યાદ્રી પર્વતો છે.
2, પર્વતારોહણ: આકાશ સમા શિખરો પર વિજય મેળવવો
ભારતમાં હિમાલયના કારણે દુનિયાભરના પર્વતારોહકો અહીં આવે છે. દેશમાં રોમાંચક રમતોની વાત કરીએ તો માઉંટેનીરીંગની વાત મોંમાંથી નીકળી જ જાય છે. પર્વતારોહણ જેવું સાહસ ભાગ્યે જ ક્યાંક બીજે હશે, કારણ કે અદ્ભુત દૃશ્યો, અનોખી સંસ્કૃતિ અને વિવિધ વન્યજીવો સાથે રુબરુ તમે આ પ્રવૃત્તિમાં જ થાવ છો.
ભારતમાં પર્વતારોહણ માટે યોગ્ય સમય
એપ્રિલથી ઓક્ટોબરના ગરમ મહિના પર્વતારોહણ માટે યોગ્ય માનવામાં આવે છે.
પર્વતારોહણ માટે ભારતમાં યોગ્ય સ્થાન
હિમાચલ પ્રદેશ, ગઢવાલ, કુમાઉ અને સિક્કિમ ભારતમાં પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે.
3. હોટ એર બલૂનિંગ: ખુલા આકાશની સફર
હોટ એર બલૂનિંગ ભારતમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી એવી રોમાંચક પ્રવૃત્તિ છે જે તમને દેશની વિશાળતાનો ખ્યાલ જ નહીં, પણ એક અલગ દ્રષ્ટિકોણ પણ આપે છે. આ સુગમ રોમાંચક પ્રવૃત્તિ તમને ભીડભાડથી અલગ, હવામાં ઊંચે શાંતિથી ભારતના મનોહર દૃશ્ય જોવાનો મોકો આપે છે.
ભારતમાં હોટ એર બલૂનિંગ માટે શ્રેષ્ઠ સમય
મીડ સપ્ટેમ્બરથી માર્ચ એંડીંગ હોટ એર બલૂનિંગ માટે યોગ્ય મોસમ છે.
ભારતમાં હોટ એર બલૂનિંગ માટે યોગ્ય સ્થાન
જયપુર, પુષ્કર, રણથંભોર નેશનલ પાર્ક અને મનાલી હોટ એર બલૂનિંગ માટે યોગ્ય સ્થળો છે.
4. વ્હાઇટ વોટર રાફ્ટિંગ અને કાયાકિંગ: નદીની લહેરો સાથે ટક્કર
વ્હાઇટ વોટર રાફ્ટિંગની વિશેષતા એ છે કે નદીના સફેદ મોજાઓ સાથે કમ્પિટ કરતા કરતા તમે આસપાસના નજારાનો આનંદ માણો છો. જો તમે સાહસ પ્રેમી છો અને ભારતમાં તમારા વેકેશનને યાદગાર બનાવવા માંગો છો, તો આ પ્રવૃત્તિ તમારા માટે છે. જો તમે તેમાં વધુ ઉત્તેજના ઉમેરવા માંગતા હો, તો રાફ્ટિંગની સાથે કાયાકિંગનો પણ આનંદ માણો.
ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ માટે શ્રેષ્ઠ સમય
ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવા માટે સપ્ટેમ્બરથી નવેમ્બર અને એપ્રિલથી મે મહિનાનો યોગ્ય સમય છે.
ભારતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરવા માટે યોગ્ય સ્થળ
લદ્દાખ, ઉત્તરાખંડ (ઋષિકેશ), હિમાચલ પ્રદેશ અને સિક્કિમ રાફ્ટિંગ કરવા માટે સારા સ્થળો છે. કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ રાફ્ટિંગનો આનંદ લઈ શકાય છે.
5. માઉન્ટેન બાઇકિંગ: સાયકલ પર સવાર થઈને સુંદર પહાડોને ખોળો
ભારતના ઉંચા-નીચા પહાડો કંઈક એવા છે કે સાયકલ ચલાવવાના શોખીનો અહીં સરળતાથી પોતાનું કૌશલ્ય અજમાવી શકે છે. લેહની સુંદર ખીણો હોય કે પૂર્વ ભારતના મહાન પહાડોના ઢોળાવ, ભારતના પહાડોમાં કંઈક એવું છે કે સાયકલિંગના દિગ્ગજો અહીં આવ્યા વિના રહી શકતા નથી.
ભારતમાં માઉન્ટેન બાઇકિંગ માટે શ્રેષ્ઠ સમય
માઉન્ટેન બાઇકિંગ, બાઇકર દ્વારા પસંદ કરાયેલ સિઝન પર આધારિત છે. ઉદાહરણ તરીકે, લદ્દાખના રસ્તાઓ બાઇકર્સ માટે ખુલ્લા નથી હોતા. તેથી સિક્કિમ અથવા બીજે ક્યાંય જવું વધુ સારું છે.
ભારતમાં માઉન્ટેન બાઇકિંગ માટે યોગ્ય સ્થાન
હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ, ગઢવાલ અને કુમાઉ માઉંટેન બાઇકિંગ માટે યોગ્ય સ્થળો છે.
6. હેલી સ્કીઇંગ: અજાણ્યા સ્થળોના નજારાઓ
હેલિકોપ્ટર દ્વારા સુંદર અને અનએક્સ્પ્લોર્ડ સ્થળોની મુલાકાત લેવાનું સાહસ એક અલગ સ્તર પર લઈ જાય છે. હેલી સ્કીઇંગમાં, તમને હેલિકોપ્ટર દ્વારા અજાણ્યા સ્થળોએ લઈ જવામાં આવે છે અને અજાણ્યા રસ્તાઓ પર ચાલવાની ખુશી આપવામાં આવે છે.
ભારતમાં હેલી સ્કીઇંગ માટે શ્રેષ્ઠ સમય
હેલી સ્કીઇંગ માટે જાન્યુઆરીથી એપ્રિલ મહિના શ્રેષ્ઠ છે.
ભારતમાં હેલી સ્કીઇંગ માટે યોગ્ય સ્થાન
હેલી સ્કીઇંગ કરવા માટે મનાલી અને કાશ્મીર શ્રેષ્ઠ સ્થળો છે.
7. કેમલ સફારી અને યાક સફારી: મુસાફરી કરવાની નવી રીત
ઊંટ કે યાકની પીઠ પર સવાર થઈને ભારતના શાંત અને રમણીય રણમાં ફરવું એ એક વિશેષ અનુભવ છે. સફારી દ્વારા, તમે દેશના ગ્રામીણ અને અનએક્સપ્લોર્ડ વિસ્તારોની મુલાકાત લઈ શકો છો.
ભારતમાં સફારી માટે શ્રેષ્ઠ સમય
ઊંટ અને યાક સફારી કરવા માટે સપ્ટેમ્બરથી માર્ચ અને નવેમ્બરથી ફેબ્રુઆરીનો શ્રેષ્ઠ સમય છે.
ભારતમાં સફારી માટે યોગ્ય સ્થળ
જેસલમેર, બિકાનેર અને નુબ્રા વેલી ઊંટ સફારી માટે પ્રખ્યાત છે. યાક સફારી માટે હિમાચલ અથવા લદ્દાખ જઈ શકાય છે.
8. પેરાગ્લાઈડિંગ: પવન સાથે ગુફ્તગુ
પેરાગ્લાઈડિંગ તમને ખુલ્લા આકાશમાં મુક્ત પક્ષીની જેમ ઉડવાનો આનંદ આપે છે. જો તમે બધા બંધનો તોડીને આકાશમાં ઉડવા માંગતા હોવ તો પેરાગ્લાઈડિંગ તમારા માટે જ છે. તેથી જ આ પ્રવૃત્તિ ભારતના સાહસપ્રેમીઓમા ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ સમય
માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ મહિના છે.
ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે યોગ્ય સ્થળ
હિમાચલ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુ રાજ્યોમાં પેરાગ્લાઈડિંગ કરાવવામાં આવે છે.
તમે કોઈપણ રોમાંચક પ્રવૃત્તિ પસંદ કરો, પણ ઘરે પાછા આવશો ત્યારે ઘણી બધી મેમરિઝ લઈને આવશો જે ક્યારેય નહીં ભુલી શકો.