હરવું-ફરવું કોને પસંદ નથી? તેમાં પણ કુદરતના સાનિધ્યમાં આવેલી જગ્યાઓની તો વાત જ નિરાળી હોય છે. મિત્રો તેમજ પરિવારજનો સાથે વિવિધ જગ્યાઓએ ફરવાની એક આગવી મજા હોય છે. વેલી ઓફ ફ્લાવર્સ ફરવાની વાટ આવે ત્યારે સૌને ઉત્તરાખંડ જ યાદ આવે છે. દર વર્ષે હજારો મુલાકાતીઓ આ જગ્યાની મુલાકાત લેવા આવે છે.
પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે માત્ર ઉત્તરાખંડમાં જ નહિ, સિક્કિમમાં પણ આવી જ આકર્ષક વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. જી હા, સિક્કિમની રાજધાની ગંગટોકથી થોડા જ અંતરે યુમથાંગ વેલી આવેલી છે જે ‘વેલી ઓફ ફ્લાવર્સ’ તરીકે પ્રખ્યાત છે. ચાલો, આ જગ્યા વિષે થોડું વિગતે જાણીએ:
યુમથાંગ વેલી શું કામ પ્રખ્યાત છે?
સમુદ્રસપાટીથી 3000 મીટરની ઊંચાઈ પર આવેલું વેલી ઓફ ફ્લાવર્સ એ નોર્થ-ઈસ્ટનું પ્રમુખ પર્યટન સ્થળ છે. અહીં 25 કરતાં વધુ ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે જેને જોવા માટે વિશ્વભરમાંથી મુલાકાતીઓ આવે છે. રોડોડેંડરન અને બુરાંશ- નામની ફૂલોની પ્રજાતિ અહીં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે.
કુદરતી સુંદરતા:
યુમથાંગ વેલીની સુંદરતા અજોડ છે! આ વેલીની આસપાસ આવેલા ઊંચા પહાડો અને ઘેઘૂર જંગલો પર્યટકોને વધુ આકર્ષે છે. વળી, અહીં તિસ્તા નદીનો પણ અદભૂત નજારો જોવા મળે છે. વેલીમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં તમે પરિવાર, મિત્રો તેમજ પાર્ટનર સાથે ખૂબ આનંદમય સમય વિતાવી શકો છો.
ઘાટીની આસપાસ ફરવાની જગ્યા:
વેલી ઓફ ફ્લાવર્સમાં ફરવાની સાથોસાથ તમે યુમથાંગ વેલીની નજીકમાં આવેલી અનેક શાનદાર જગ્યાઓએ પણ ફરવા જઈ શકો છો. હિમાલિયન ઝૂલોજીકલ પાર્ક, હનુમાન ટોક અને તાશી વ્યુ પોઈન્ટ વગેરે જગ્યાઓ ખાસ જોવાલાયક જગ્યાઓ છે. અહીં ટ્રેકિંગ અને કેમ્પિંગની પણ સુવિધા છે. અહીં ફરવા જવાનું આયોજન કરો તો ઓછામાં ઓછા 3-4 દિવસનું આયોજન જરુર કરવું.
ક્યારે જવું?
આ જગ્યાએ ફરવા માટે સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે. ચીનની સીમા નજીકમાં આવેલી હોવાથી ક્યારેક આ જગ્યાએ જવા માટે અધિકારીઓની પરવાનગી લેવી પડે છે. આમ તો ફેબ્રુઆરીથી જૂન અહીં કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે પણ ઘણા લોકો સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં ફરવાનું પણ પસંદ કરે છે.
અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન લચુંગ રેલવે સ્ટેશન છે.
.