Day 1
ગોવા તેના આકર્ષક દરિયાકિનારા માટે આખી દુનિયામાં મશહૂર છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા દેશમાં બીજા પણ ઘણાં કુદરતી અને સુંદર બીચ છે જેની આગળ ગોવાના સમુદ્રો પાણી ભરે છે. તમે પણ રજાઓ પસાર કરવા આ જગ્યાઓ પર જઇ શકો છો.
ઇડન બીચ (પોંડિચેરી)
સામાન્ય રીતે લોકો પોંડિચેરીના ઇડન બીચ વિશે વધુ નથી જાણતા. આ બીચને વર્ષ 2019માં બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું હતું. આ બીચ બે ટૂરિસ્ટ સ્પોટની વચ્ચે સ્થિત છે- ધ આર્ટ એન્ડ ક્રાફ્ટ વિલેજ અને ધ પેરેડાઇસ બીચ. આ બીચ પર નાળિયેરના ઝાડ કેરળની યાદ અપાવે છે.
પદુબિદ્રી બીચ (કર્ણાટક)
પદુબિદ્રી સમુદ્ર કિનારો કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં આવેલો છે. શાંત સમુદ્ર કિનારે મોજ-મસ્તી અને રોમાંચની શોધમાં કોઇપણ માટે એક આદર્શ સ્થાન છે. સાંજે ટહેલવા કે સૂર્યાસ્ત જોવા ઉપરાંત, તમે આ ભીડ-ભાડવાળા સમુદ્ર તટ પર વૉટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર રાઇડ્સની મજા પણ માણી શકો છો.
રુશિકોંદા બીચ (આંધ્રપ્રદેશ)
વિશાખાપટ્ટનમથી લગભગ 8 કિલોમીટર દૂર રુશિકોંડા સમુદ્ર કિનારે પોતાની સોનેરી રેતી અને બંગાળની ખાડીના ચોખ્ખા પાણી માટે જાણીતો છે. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલો આ દરિયાકિનારો પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
કસર્કોડ બીચ (કર્ણાટક)
કસર્કોડ બીચને કર્ણાટકના વન પર્યટન વિભાગે રાજ્યમાં પર્યાવરણ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિકસિત કર્યો હતો. સમુદ્ર કિનારો પાંચ કિલોમીટર સુધી ફેલાયેલો છે. અને આ સફેદ રેતીથી ઢંકાયેલો છે.
રાધાનગર બીચ (અંડમાન અને નિકોબાર ટાપુઓ)
રાધાનગર બીચ અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં હેવલૉક ટાપુના સૌથી પ્રસિદ્ધ આકર્ષણોમાંનું એક છે. 2004માં, ટાઇમ મેગેઝિને આને એશિયાનો સૌથી સારો સમુદ્રી કિનારો અને દુનિયામાં સાતમો સૌથી સારો બીચ જાહેર કર્યો હતો.
ઘોઘલા બીચ (દીવ)
દીવથી ઘોઘલા બીચ લગભગ 15 કિલોમીટર દૂર છે અને આ કેન્દ્ર શાસિત પ્રદેશનો સૌથી મોટો સમુદ્રી કિનારો છે. તેમાં આખુ વર્ષ સોનેરી રેતી અને સ્વચ્છ પાણી રહે છે. અહીં ઓપન જીમ અને બાળકો માટે પાર્ક પણ છે. આ ઉપરાંત, એડવેન્ચર લવર્સ માટે આ બીચ બેસ્ટ છે.
કપ્પડ બીચ (કેરળ)
જો તે પણ કોઝીકોડની યાત્રા કરો છો તો તમારે કપ્પડ સમુદ્ર કિનારો જે શહેરથી લગભગ 16 કિ.મી. દૂર છે ત્યાં જરુર જવું જોઇએ. એવુ માનવામાં આવે છે કે 500 વર્ષ પહેલા, 1948માં વાસ્કો દ ગામાના નેતૃત્વમાં 170 પુરુષોએ પહેલીવાર આ કિનારે કેરળમાં પગ મૂકયો હતો. અહીં થોડીક વાર ફરવાથી જ તમને આ જગ્યાની ઐતિહાસિક પ્રાસંગિકતાનો અંદાજો આવી જાય છે.
શિવરાજપુર બીચ (ગુજરાત)
દ્ધારકાથી લગભગ 12 કિ.મી. દૂર સ્થિત શિવરાજપુર બીચ લાંબી મુસાફરી માટે પરફેક્ટ છે. આ બ્લૂ ફ્લેગ પ્રમાણિત સમુદ્ર કિનારો પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરવા માટે સૌથી સારો છે. અહીં તમને ડોલ્ફિન્સ અને સુંદર પક્ષીઓ જોવા મળે છે.
ગોલ્ડન બીચ (ઓરિસ્સા)
પૂરી બીચ એટલે કે ગોલ્ડન બીચ ઓરિસ્સાના શહેર પૂરીમાં છે. આને દર વર્ષે યોજાતા પૂરી બીચ ફેસ્ટિવલ માટે ઓળખવામાં આવે છે. આ બીચને ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું હતું. ચોખ્ખા બીચનું ચોખ્ખું પાણી તમને ખુશ કરી દેશે.
કોવલમ બીચ (તમિલનાડુ)
કોવલમ બીચને કોવલૉંગ બીચ પણ કહેવામાં આવે છે, જે ચેન્નઇથી 40 કિ.મી.ના અંતરે છે. આ બીચને વિંડ સર્ફિંગ માટે ઓળખવામાં આવે છે. એટલે એવા ટૂરિસ્ટ અહીં ઘણાં આવે છે જેમને એડવેન્ચર સ્પોર્ટ્સ પસંદ છે.