ઘણા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થયા પછી, મથુરાના બરસાણાના પ્રખ્યાત રાધારાણી મંદિરે પણ આ દિશામાં એક પગલું ભર્યું છે. અહીં ડ્રેસ કોડ પણ જારી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હાફ પેન્ટ અને મિની સ્કર્ટ સહિતના વાંધાજનક કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાધા રાણી મંદિરના અધિકારી રાસબિહારી ગોસ્વામીએ જણાવ્યું કે મંદિરની બહાર એક નોટિસ ચોંટાડવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ડ્રેસ કોડનેએક અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ ભક્તોને નાઇટ શ્યૂટ અને કટ જીન્સ પહેરીને મંદિર પરિસરમાં આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. થોડા મહિના પહેલા વૃંદાવનના રાધા દામોદર મંદિરના સત્તાવાળાઓએ પણ જાહેરાત કરી હતી કે આવા કપડા પહેરેલા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તો 21 જૂનના રોજ, બદાયૂં જિલ્લાના બિરુઆબાડી મંદિરમાં ભક્તો માટે એક ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો હતો, જે હેઠળ જીન્સ, ટી-શર્ટ, નાઇટ સૂટ, કટ જીન્સ અને અન્ય વાંધાજનક કપડાં પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
"તમામ સ્ત્રીઓ અને પુરુષોએ શિષ્ટ વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું જોઈએ"
આજકાલ તમામ મોટા મંદિરોમાં અમર્યાદિત વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જ કડીમાં બરસાણાના રાધા રાણી મંદિરમાં આવતા ભક્તો માટે અમર્યાદિત કપડા ન પહેરવા માટે એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. સફેદ છત્રીથી મંદિર તરફ જતા રસ્તામાં તમને આ બોર્ડ જોવા મળશે. જેના પર લખ્યું છે કે "તમામ મહિલાઓ અને પુરૂષોએ શિષ્ટ વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું જોઈએ". આ સિવાય લખ્યુ છે કે "ટૂંકા કપડા, હાફ પેન્ટ, બર્મુડા, મીની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલ જીન્સ પહેરીને આવો ત્યારે બહારથી દર્શન કરીને સહકાર આપો.
દર વર્ષે કરોડો ભક્તો આવે છે
તમને જણાવી દઈએ કે મથુરાના બરસાણાના મંદિરમાં શ્રીજી એટલે કે રાધા રાણીનું મંદિર આવેલું છે. બ્રહ્માચલ પર્વત પર બનેલું આ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે કરોડો ભક્તો અહીં રાધા રાણીના દર્શન કરવા આવે છે. જ્યારે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બરસાણા આવે છે, ત્યારે તેઓ ચોક્કસ રાધા રાણીની મુલાકાત લે છે. આ ઉપરાંત અનેક રાજકીય અને ફિલ્મી હસ્તીઓ પણ અહીં આવે છે.
મંદિરનું નિર્માણ મધ્યયુગીન કાળમાં થયું હતું
હિન્દુ ધર્મમાં મંદિરોમાં ભગવાનની પૂજાનું અલગ મહત્વ છે. દેશમાં વિવિધ મંદિરો આવેલા છે જેમાં ભક્તો દૂર-દૂરથી વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવા આવે છે. આવા મંદિરોમાંથી એક રાધા રાણી મંદિર છે જે ઉત્તર પ્રદેશના બરસાણામાં આવેલું છે, તે એક ખૂબ જ ખાસ હિન્દુ ધાર્મિક સ્થળ છે. આ મંદિર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય મથુરાના બરસાણામાં આવેલું છે અને આ મંદિર સંપૂર્ણપણે દેવી રાધાને સમર્પિત છે. આ સ્થાન કૃષ્ણના ભક્તો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે.
રાધા રાણી મંદિર એક ટેકરી પર આવેલું છે, જેની ઉંચાઈ લગભગ 250 મીટર છે. વાસ્તવમાં આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે અને તેનાથી સંબંધિત ઘણી ધાર્મિક કથાઓ પ્રચલિત છે. આ પર્વતને બરસાને કા મથા કહેવામાં આવે છે. રાધા રાણી મંદિરને 'બરસાને કી લડલી કા મંદિર' અને 'રાધા રાની કા મહેલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે.
શું છે મંદિરનો ઈતિહાસ
રાધા રાણી મંદિરની સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલાં રાજા વજ્રનાભ (કૃષ્ણના પૌત્ર) દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મંદિર ખંડેરમાં ફેરવાઇ ગયું હતું ત્યારે પ્રતિક નારાયણ ભટ્ટ દ્વારા તેને શોધવામાં આવ્યું અને ઇસ.1675માં રાજા વીર સિંહ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાછળથી, મંદિરની હાલની રચના નારાયણ ભટ્ટ દ્વારા રાજા ટોડરમલની મદદથી કરવામાં આવી હતી, જેઓ અકબરના દરબારમાં રાજયપાલ હતા. મંદિરના નિર્માણ માટે લાલ અને સફેદ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રાધા અને શ્રી કૃષ્ણના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. રાધા રાણીના પિતાનું નામ વૃષભાનુ અને માતાનું નામ કીર્તિ હતું. રાધા રાણીનો જન્મ જન્માષ્ટમીના 15 દિવસ પછી ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમીના રોજ થયો હતો. એટલા માટે બરસાણાના લોકો માટે આ સ્થળ અને દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે રાધા રાણીના મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે. રાધા રાણીને છપ્પન પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.
મંદિર આર્કિટેક્ચર
શ્રીજી મંદિર, તેની કમાનો, સ્તંભો અને લાલ રેતીના પત્થર સાથે, મુઘલ સમયની રચના જેવું લાગે છે. તે લાલ રેતીના પત્થરથી બનેલું છે અને તેની આંતરિક દિવાલો અને છત પર જટિલ હાથની કોતરણી, આકર્ષક કમાનો, ગુંબજ અને ઉત્કૃષ્ટ ચિત્રોથી શણગારવામાં આવ્યું છે. મંદિરના લાલ અને સફેદ પથ્થરો રાધા અને કૃષ્ણના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં 200 થી વધુ પગથિયાં છે જે જમીનથી મુખ્ય મંદિર તરફ જાય છે. આ મંદિર તરફ જતી સીડીના પગથિયે વૃષભાનુ મહારાજનો મહેલ છે જ્યાં વૃષભાનુ મહારાજ, કીર્તિદા (રાધાની માતા), શ્રીદામા (રાધાની બહેન) અને શ્રી રાધિકાની મૂર્તિઓ છે. આ મહેલની નજીક બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત, નજીકમાં અષ્ટસખી મંદિર છે જ્યાં રાધા અને તેની મુખ્ય સ્ત્રી સાથીઓની પૂજા કરવામાં આવે છે. મંદિર ટેકરીની ટોચ પર આવેલું હોવાથી મંદિર પરિસરમાંથી સમગ્ર બરસાણા જોઈ શકાય છે.
મંદિરના મુખ્ય તહેવારો
રાધાષ્ટમી અને કૃષ્ણ જન્માષ્ટમી, રાધા અને કૃષ્ણના જન્મદિવસ, રાધા રાણી મંદિરના મુખ્ય તહેવારો છે. આ બંને દિવસે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. દેવતાઓને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવવામાં આવે છે. આરતી પછી 56 પ્રકારની વાનગીઓ ચઢાવવામાં આવે છે, જેને "છપ્પન ભોગ" પણ કહેવામાં આવે છે. રાધા રાણી મંદિર પરિસરની અંદર બરસાના હોળી તહેવાર, રાધાષ્ટમી અને જન્માષ્ટમી ઉપરાંત, લઠ્ઠમાર હોળી પણ મંદિરના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. લઠ્ઠમાર હોળીની ઉજવણી કરવા માટે ભક્તો અને પ્રવાસીઓ દૂર-દૂરથી મંદિરે આવે છે. બરસાણામાં હોળીનો તહેવાર વાસ્તવિક દિવસના એક અઠવાડિયા પહેલા શરૂ થાય છે અને રંગપંચમી સુધી ચાલે છે.
મંદિર ક્યાં આવેલું છે અને તેનો સમય
મંદિરનું સ્થાન- રાધા બાગ માર્ગ, બરસાણા, ઉત્તર પ્રદેશ
ઉનાળાનો સમય - સવારે 05:00 થી બપોરે 02:00 અને સાંજે 05:00 થી 09:00 સુધી,
શિયાળાનો સમય - સવારે 05:30 થી 02:00 અને સાંજે 05:00 થી 08:30
કેવી રીતે પહોંચવું
નજીકનું રેલ્વે સ્ટેશન: મથુરા રેલ્વે સ્ટેશન, જે રાધા રાણી મંદિરથી આશરે 50.7 કિમી દૂર છે.
નજીકનું એરપોર્ટ: ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, જે રાધા રાણી મંદિરથી આશરે 150 કિમી દૂર છે.
પંડિત દીન દયાલ ઉપાધ્યાય એરપોર્ટ આગ્રા, જે રાધા રાણી મંદિરથી લગભગ 110 કિમી દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો