
શુક્રવાર ની રાત્રે ISBT કાશ્મીર ગેટ. 1000 રૂપિયા ખિસ્સામાં.
બસ ટિકિટ, 313 રૂપિયાની. ડિનરમાં ખાધી મેગીમાં ખર્ચ થયા 10 રૂપિયા.
પર્વતીય રસ્તાઓ પર ચાલવા અને પર્વતની બીજી બાજુએ સવારનો સોનેરી પ્રકાશ જોવા માટે બસ આટલા જ પૈસા જોઇએ.

સસ્તી મુસાફરી શા માટે?
પૈસા બચાવવા એ એકમાત્ર ઉદ્દેશ્ય નથી. ઓછા પૈસામાં મુસાફરી કરવાથી મને આ દેશના લોકોને ખૂબ નજીકથી અનુભવવાની તક મળી છે.
શું તમે ક્યારેય નાના શહેરના કોઈ ખૂણામાં જર્જરિત હાલતમાં ગેસ્ટ હાઉસમાંથી હૃદય સ્પર્શી નજારો જોયો છે?


500 રૂપિયામાં મુસાફરી કરવાનો મારો એક દિવસ કેવો રહ્યો?
તે સવારે મારો દિવસ ખૂબ જ જલ્દી શરૂ થયો અને બસે મને પઠાણકોટ ઉતાર્યો. મારે હજુ ધર્મશાળા જવા માટેની બસ માટે એક કલાક રાહ જોવી પડી. પાલમપુર જતી શેરિંગ ટેક્સીમાં લોકોને જતા જોઈને હું પણ એમાં બેસી ગયો. ડ્રાઇવરની બાજુની સીટ પરથી નજારો એટલો સારો હતો કે મને એ સીટ છોડવાનું મન ન થયું.
શું તમે ખરેખર એકલા મુસાફરી કરો છો?" આ પ્રશ્નનો જવાબ આપવા હું પાછો ફર્યો. તે ટેક્સીમાં વધુ ત્રણ મહિલાઓ હતી જે માત્ર પાલમપુર જતી હતી. અમે હિમાચલ અને કાંગડા ખીણ વિશે ઘણી વાતો કરી અને ગગ્ગલ ક્યારે આવી ગયું તેનો ખ્યાલ જ ન રહ્યો. હવે મારો ટેક્સીમાંથી નીચે ઉતરવાનો સમય આવી ગયો હતો. એક વખત મેં વિચાર્યું પણ હતું કે મારે આ મહિલાઓ સાથે પાલમપુર સુધી જવું જોઈએ, પરંતુ મને લાગ્યું કે મારે શરૂઆતમાં જ મારી યોજનાથી ભટકવું જોઈએ નહીં. આ ટેક્સીમાં મુસાફરી કરવા માટે મને 40 રૂપિયાનો ખર્ચ થયો.
જોકે, 1 વાગ્યા સુધીમાં હું મેક્લોડગંજ પહોંચી ગયો. અહીં આવવા માટે મારે વચ્ચે બે બસમાં મુસાફરી કરવી પડી અને ખર્ચ થયો રૂ. 95. મેક્લોડગંજ પહોંચતાની સાથે જ હું સીધો મારા મનપસંદ કાફે તરફ ગયો. મને ત્યાં ઉપલબ્ધ ટોફુ થુપ્પા ખરેખર ગમે છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેને ખાવાની ઈચ્છા દિવસેને દિવસે વધી રહી હતી.
હું બે કિલોમીટર ચાલીને મેક્લોડગંજથી ધર્મકોટ પહોંચ્યો. મારા ગેસ્ટહાઉસની શોધ પૂરી થઈ ત્યાં સુધીમાં સૂરજ ઊગ્યો હતો. અહીં મને રોજના 150 રૂપિયામાં રહેવા માટે રૂમ મળ્યો. બાથરૂમ અને શૌચાલય અન્ય લોકો સાથે શેર કરવું પડ્યું. મેં ઝડપથી સ્નાન કર્યું અને હું જે કરવા આવ્યો હતો તે કરવા નીકળી પડ્યો. પહાડોની શાંતિમાં લીન થઈને હું લાંબું ચાલવા નીકળ્યો.
એ દિવસનું ભોજન પણ ખૂબ જ સાદું હતું. જતા પહેલા, મેં ધરમકોટના નાના ખૂણાના ઢાબા પરથી રૂ. 40માં બે પરાઠા પેક કર્યા હતા. અચાનક એક જગ્યાએ રસ્તો સાંકડો થઈ ગયો અને આ જગ્યા જરા પણ રોકાવા જેવી ન હતી. ત્રણ વાગ્યા સુધીમાં હું જ્યાં પહોંચ્યો ત્યાં જ રસ્તો પૂરો થઈ જતો. પણ આનાથી આગળ એક રસ્તો મને ધોધ સુધી લઈ ગયો જ્યાં મારા સિવાય કોઈ નહોતું.
સાંજે, ધરમકોટના એક કાફેમાં બેસીને, મેં આદુની ચાના કપ સાથે સુંદર સૂર્યાસ્ત જોયો. ચા 10 રૂપિયાની હતી. સાંજે 7 વાગ્યે રાત્રિભોજનનો સમય હતો અને મારી પાસે 60 રૂપિયામાં મિનેસ્ટ્રોન સૂપ અને ભાત ઉપલબ્ધ હતા. જમ્યા પછી તરત જ કેફેમાં બેઠેલા કેટલાક લોકોએ ગાવાનું અને વગાડવાનું શરૂ કર્યું. આમાં રાત વીતી ગઈ.
ભીડથી દૂર આ સુંદર ગામમાં શાંતિથી ભરપૂર આ દિવસ પસાર કરવા માટે માત્ર 445 રૂપિયા જેટલો ખર્ચ થયો. જેમાં ભરપેટ ભોજન લીધું અને હોટલમાં રોકાણ પણ કર્યું.

ટ્રેન અને બસ મુસાફરી
સ્લીપર અને સેકન્ડ ક્લાસ કોચમાં અને સરકારી બસોમાં મુસાફરી કરવા માટે ક્યારેય 500 રૂપિયાથી વધુ ખર્ચ થતો નથી. હા, તમને એર કન્ડીશનીંગ નહીં મળે અને સીટ પણ આરામદાયક નહીં હોય પરંતુ તમારે જાણવું જોઈએ કે આ દેશના મોટાભાગના લોકો આ રીતે મુસાફરી કરે છે.

જ્યાં ટ્રેન કે બસો જતી નથી ત્યાં સ્થાનિક ડ્રાઇવરો દ્વારા ટેક્સી સેવા હંમેશા ઉપલબ્ધ હોય છે. સામાન્ય લોકો આ શેયર્ડ ટેક્સીઓ દ્વારા મુસાફરી કરે છે. એવા ઘણા દૂરના વિસ્તારો છે જ્યાં લોકો આ શેયર્ડ ટેક્સીઓ અને જીપ વડે દરરોજ મુસાફરી કરી શકે છે. પ્રાઈવેટ ટેક્સી લેવામાં પૈસા વેડફશો નહીં.
રાત્રે મુસાફરી કરો
રાત્રે મુસાફરી કરવાથી તમારો હોટેલ ખર્ચ પણ બચી જાય છે. ફરવાની યોજના બનાવતી વખતે, જુઓ કે તમે હોટલમાં બિનજરૂરી રીતે પૈસા તો નથી ખર્ચી રહ્યા ને.
ઉદાહરણ તરીકે, જો તમે સપ્તાહના અંતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો શુક્રવારની સાંજની બસ પકડો જેથી કરીને તમે આખી રાત મુસાફરી કરી શકો અને સવારે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકો. તમારી હોટેલના રૂમનું ચેક-ઇન શનિવારે રાખો અને રવિવારે ચેક આઉટ. તમારો સામાન તમારા હોટેલના રિસેપ્શન પર મૂકીને, તમારી સાંજની બસનો સમય ન થાય ત્યાં સુધી તમે દિવસભર શહેરમાં ફરી શકો છો. આ રીતે તમે માત્ર એક દિવસનું હોટલનું ભાડું ખર્ચીને આખો દિવસ ફરી શકશો.
મોંઘા શોખ ન પાળો
જો તમારા ખિસ્સામાં પૈસા ઓછા છે, તો તમારે સસ્તું ભોજન શોધવું પડશે. ઘણા જૂના ઢાબા હોય છે જ્યાં તાજો અને સ્વચ્છ ખોરાક મળે છે. તમે રસ્તાની બાજુમાં જોવા મળતા નાના સ્ટોલમાંથી પણ ખાવાનું ખાઈ શકો છો.
પ્રવાસની મજા ધીરે ધીરે જ આવે છે
પ્રવાસ કરતી વખતે ટ્રેન, બસ અને પરિવહનના અન્ય સાધનોમાં કેટલા પૈસા ક્યારે ખર્ચાઈ ગયા તે ખબર જ નથી પડતી. ફરવામાં મજા ત્યારે જ આવશે જ્યારે તમે એક જગ્યાએ રોકાશો અને તે જગ્યાનો સંપૂર્ણ આનંદ માણશો. જો વારંવાર મુસાફરી કરશો તો થાકી જશો અને પૈસા પણ વધારે ખર્ચ થશે.
જો તમને કોઈ સારું ગેસ્ટહાઉસ મળે તો ત્યાં થોડા દિવસો વિતાવજો. જો તમે લાંબા સમય સુધી રોકાતા હોવ તો તમે ડિસ્કાઉન્ટ વિશે પણ પૂછપરછ કરી શકો છો.
જો તમે થોડા મહિનાઓ માટે પ્રવાસ પર નીકળ્યા છો, તો તમારે ઓછામાં ઓછા 5 દિવસ માટે એક જગ્યાએ રોકાવું જોઈએ. આ રીતે, તમે તે જગ્યાને સારી રીતે જાણી શકશો, તમારો ખર્ચ પણ ઓછો થશે અને તમે એવી જગ્યાઓ પણ જોઈ શકશો જે અજાણી છે. એટલું જ નહીં તમારા પૈસા પણ થોડા દિવસ વધારે ચાલશે.
ખાનપાન પર વિશેષ ધ્યાન આપો
એક સમયના ભોજન માટે 50 રૂપિયાથી વધુ ખર્ચ કરવો તે મૂર્ખામીભર્યું છે. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે ખોરાક તાજો અને પૌષ્ટિક હોય. એવા ઘણા પ્રવાસીઓ પણ છે જેઓ પોતાનું ભોજન જાતે રાંધવાનું પસંદ કરે છે. તેથી જ તેઓ તમામ જરૂરી સામગ્રી સાથે લઇને જાય છે.
સસ્તા ગેસ્ટ હાઉસ શોધો
જો તમે ઘર છોડતા પહેલા ઈન્ટરનેટ પર થોડું સંશોધન કરશો, તો તમને તમારી ટ્રીપ દરમિયાન જે હોટલો મળશે તેનો સારો ખ્યાલ આવશે. ઘણી વખત એવું બને છે કે બસમાંથી ઉતર્યા પછી તરત જ ટેક્સી તમને શહેરના કોઈ એવા ખૂણામાં ડ્રોપ કરે છે જ્યાં બધી હોટેલો ખૂબ મોંઘી હોય છે. આવી સ્થિતિમાં, કોઈપણ સ્થાનિક વ્યક્તિને સસ્તા ગેસ્ટ હાઉસ વિશે પૂછવામાં અચકાવું નહીં.
મારા અનુભવ પરથી મને લાગે છે કે વ્યક્તિએ રહેઠાણની જગ્યાએ રોજના 300 રૂપિયાથી વધુ ખર્ચ ન કરવો જોઈએ. તમારી આસપાસના લોકો પાસેથી હોટેલ વિશે માહિતી મેળવો. જો શક્ય હોય તો તંબુ સાથે રાખો અને જો તમને પરવાનગી મળે તો તમે કોઈપણ જગ્યાએ તંબુ પણ લગાવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો