જો તમે ઉત્તરાખંડમાં કોઇ જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે એવી કોઇ જગ્યાની પસંદગી કરવી જોઇએ જે સૌથી ખાસ હોય. આવી જ એક જગ્યા છે પિથોરાગઢનું અસ્કોટ.
અસ્કોટ
અસ્કોટ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડીડીહાટ તાલુકામાં આવેલું છે. અસ્કોટનો અર્થ થાય છે અસ્સી કોટ. એક સમય હતો જ્યારે અસ્કોટમાં 80 કિલ્લા હતા. સારી વાત એ છે કે આમાંથી કેટલાક કિલ્લાના અવશેષો આજે પણ જોવા મળી જશે. અસ્કોટના વાંકાચુંકા રસ્તા કૈલાસ માનસરોવર યાત્રાનો સ્ટાર્ટીંગ પોઇન્ટ પણ છે. આ ખરેખર એક અદ્ભુત જગ્યા અને પ્રાકૃતિક સુંદરતાનો ખજાનો છે.
શું જોશો?
1. અસ્કોટ સેન્ક્ચુરી
અસ્કોટ અભયારણ્યની સ્થાપના 1986માં કરવામાં આવી હતી. આ સેન્ક્ચુરી ખાસ કરીને કસ્તુરી હરણને બચાવવા માટે બનાવવામાં આવી હતી. બર્ફિલા પહાડો, ગ્લેશિયર અને સુરીલી ખીણોની વચ્ચે સ્થિત આ સેન્ક્ચુરી જીવ જંતુઓમાં રસ ધરાવનારાને ખુબ પસંદ પડે છે. સેંક્ચુરીની વચ્ચેથી ગોરી ગંગા વહે છે જે દેવદાર, શીશમ, બલૂત અને શાલના ઝાડની વચ્ચેથી પસાર થાય છે. આ સેંક્ચુરી કુમાઉના પહાડોમાં હોવાથી ચારેબાજુ સુંદરતા વિખેરાયેલી પડી છે. આ સેંક્ચુરીથી પંચચુલી અને નૌકના જેવા પહાડોના પણ વિહંગમ દ્રશ્ય જોવા મળે છે.
2. જૌલજીબી
અસ્કોટથી માત્ર 15 કિ.મી. દૂર જૌલજીબી પણ ફરવા માટેની અદ્ભુત જગ્યા છે. જૌલજીબી એ જગ્યા છે જ્યાં ગોરી અને કાળી ગંગા નદીઓનો સંગમ થાય છે. જૌલજીબી આવીને તમને શાંતિનો અનુભવ થશે. નદીઓના પાણી તમને રિલેક્સ કરી દેશે. પહાડોના દર્શન કરવા આ જગ્યાએ એક વાર તો જરુર જવું જોઇએ.
3. નારાયણ સ્વામી આશ્રમ
નારાયણ નગરમાં 2,734 મીટરની ઊંચાઇ પર સ્થિત આ આશ્રમ અસ્કોટ આવનારા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ આશ્રમની સ્થાપના શ્રી નારાયણ સ્વામીએ કરી હતી. અસલમાં આ નારાયણ સ્વામી દ્ધારા સ્થાપિત કરવામાં આવેલા મુળ આશ્રમની બ્રાન્ચ છે જેને 1936માં બનાવાયો હતો. આ આશ્રમને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રીઓની સહાયતા માટે બનાવાયો હતો. અહીં પર્યટકો માટે અલગ-અલગ પ્રકારના આધ્યાત્મિક વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે.
4. પગપાળા ફરો
કોઇ સારી જગ્યાને સારી રીતે એક્સપ્લોર કરવા માટેની સૌથી સારી રીતે પગે ચાલીને જવાની છે. અહીં રસ્તાઓ પર આટાં મારવાની મજા આવશે. આસપાસની હરિયાળી તમને ખુશ કરી દેશે. પહાડો પરથી આવતી ઠંડી હવા તમારુ દિલ ખુશ કરી નાંખે છે. અહીં સ્થાનિક બજારને પણ જોઇ શકાય છે.
ક્યાં રોકાશો?
અહીં તમને કોઇ ફાઇવ સ્ટાર હોટલ કે રિસોર્ટ નહીં મળે. તમે ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં રોકાઇ શકો છો. આ રેસ્ટ હાઉસમાં 2 રુમની સાથે કેરટેકર પણ મળે છે જે તમારી દરેક શક્ય મદદ કરે છે. આ સિવાય અહીં હોટલ અને ગેસ્ટ હાઉસ છે. અહીં ઓછા ભાડામાં બસ સ્ટેન્ડની આસપાસ ઘણી હોટલો મળી જશે.
ક્યારે જશો?
અસ્કોટ આવવાનો સૌથી સારો સમય ગરમીની સીઝન છે. આ સમયે પહાડો પર મૌસમ ખુશનુમા રહે છે. તમે અહીં શિયાળામાં પણ આવી શકો છો. તે સમયે તમને અહીં સ્નોફોલ જોવા મળશે. જો કે ઠંડીમાં વાઇલ્ડલાઇફને જોવી થોડીક મુશ્કેલ હોય છે.
કેવી રીતે પહોંચશો?
અસ્કોટ જવા માટે તમારી પાસે બે રસ્તા છે. તમે ઇચ્છો તો ટ્રેન અને રોડ દ્ધારા અસ્કોટ પહોંચી શકો છો. જો તમે દિલ્હીથી આવી રહ્યા છો તો કાઠગોદામ સુધી ટ્રેન લઇ શકો છો. કાઠગોદામ પછી તમારે બસ કે ટેક્સી બુક કરીને આગળ વધવું પડશે. જો તમે વાયા રોડ આવો છો તો દિલ્હીથી અસ્કોટ આવવામાં 16 કલાકનો સમય લાગે છે. દિલ્હીથી નેશનલ હાઇવે 24 અને 9 લઇને અસ્કોટ આવી શકાય છે.