આમ તો રાજસ્થાનમાં માઉન્ટ આબુ, ઉદેપુર, શ્રીનાથજી, એકલિંગજી ઘણીવાર જવાનું થયું છે પરંતુ ઉદેપુરની નજીક હોવા છતાં હું ક્યારેય કુંભલગઢ ગયો નહોતો. દિવાળીની રજાઓમાં ક્યાંય દૂર જવાનો પ્લાન નહોતો બનાવ્યો એટલે મેં અને મારા મિત્રએ ડિસેમ્બર મહિનામાં પરિવાર સાથે શ્રીનાથજી અને એકલિંગજીની સાથે કુંભલગઢ પણ જવાનો પ્લાન બનાવ્યો. આમેય રાજસ્થાન ફરવા જવાનો ઉત્તમ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનાનો હોય છે. આ સમયગાળા દરમિયાન ઠંડક ભર્યા માહોલમાં રાજસ્થાનની ઐતિહાસિક ઇમારતો જોવાનો લ્હાવો જ કંઇક અનોખો હોય છે.
મેં અને મારા મિત્રની ફેમિલીએ અમદાવાદથી પોતાની કારમાં પ્રવાસની શરુઆત કરી. આ એક બજેટ પ્રવાસ હતો જેમાં કોઇ થ્રી કે ફોર સ્ટાર હોટલમાં રહેવાનો ઇરાદો નહોતો. એકલિંગજી અમારા ઇસ્ટ દેવા હોવાથી સૌપ્રથમ ત્યાં જવાનું નક્કી કર્યું. એકલિંગજીને કૈલાસપુરી નામે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદથી એકલિંગજી 280 કિલોમીટર દૂર છે. એકલિંગજી જવા માટે વાયા ઉદેપુર થઇને જઇ શકાય છે. અમદાવાદથી ઉદેપુર 260 કિ.મી. જ્યારે ઉદેપુરથી એકલિંગજી માત્ર 20 કિ.મી. દૂર છે. અમે લગભગ 6 કલાકે એકલિંગજી પહોંચ્યા.
લિલાબા અતિથ ભવન
એકલિંગજીમાં કોઇ મોટી હોટલ નથી એટલે અમે મંદિરની બરોબર સામે આવેલી લીલાબા અતિથિ ભવનમાં રોકાયા. ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્ધારા સંચાલિત આ અતિથી ગૃહમાં તમને તદ્દન સસ્તામાં એક સામાન્ય બજેટ હોટલ કરતાં સારી સુવિધા મળશે. અહીં તમને એસી, નોન-એસી રૂમ, ડબલ બેડ, એલસીડી ટીવી, કપડા મૂકવા માટે લાકડાનું કબાટ અને માત્ર 100 રુપિયામાં ગુજરાતી ભોજનની સુવિધા મળે છે. જો ભાડાની વાત કરીએ તો નોન-એસી રૂમ રૂ.700 (ડબલ બેડ), એસી રૂમ રૂ.800 (ડબલ બેડ) જ્યારે એસી રૂમ રૂ.1600 (ચાર બેડ)માં મળે છે.
ચારમુખી શિવલિંગ
ઇકલિંગજી એક પ્રાચીન મંદિર છે. અહીં શિવલિંગ ચાર દિશામાં બ્રહ્ના, વિષ્ણુ, શિવ અને સૂર્ય એમ ચાર મુખ ધરાવે છે. શિવલિંગની ઉપરની સપાટ ટોચ પર એક યંત્ર, એક ગૂઢ સાંકેતિક ચિત્ર આવરી લેવામાં આવ્યાં છે. આખું મંદિર પરિસર મેવાડના રાજપરિવાર હસ્તક છે અને એકલિંગજી દાદા રાજપરિવારના કુળદેવતા છે. મૂળભૂત રીતે આ મંદિર રાજપરિવારનું અંગત મંદિર છે. જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરનું અસ્તિત્વ ઇ.સ. ૭૩૪થી છે. આ મંદિર આશરે ૨૫૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં પથરાયેલું છે. રુમમાં ફ્રેશ થઇ અને બપોરનું ભોજન લીધા પછી થોડોક સમય રુમમાં આરામ કર્યો અને સાંજના સમયે અમે આ મંદિરમાં વિશિષ્ઠ શિવલિંગના દર્શન કરીને ધન્ય થઇ ગયા.
શ્રીનાથજી
નાથદ્ધારા એટલે કે શ્રીનાથજી એકલિંગજીથી માત્ર 30 કિ.મી. દૂર છે. એકલિંગજીના દર્શન કરી અમે શ્રીનાથજી તરફ જવા નીકળ્યા. 1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ પહોંચી હતી. શ્રીનાથજી મંદિર તરફ જતાં ગલીમાં ગરમા ગરમ ચા અવશ્ય પીવી જોઇએ. આ સિવાય અહીંની રબડી વખણાય છે. અમે રબડી અને ચા બન્ને એન્જોય કર્યું.
હલ્દીઘાટી
શ્રીનાથજીથી પરત ફરી બીજા દિવસે સવારે અને કુંભલગઢ તરફ રવાના થયા. પરંતુ તે પહેલા અમે રાજસ્થાનમાં વખણાતા મીરચી પકોડાનો ટેસ્ટ કર્યો. એકલિંગજીમાં તમને સવારના નાસ્તામાં બટાક પૌંવા, મીરચી વડા ખાવા મળી જશે. મંદિરની બહાર જ નાસ્તાની દુકાનો છે. જેમાં અમે ગરમાગરમ મીરચી વડાની જ્યાફત ઉડાવી. એકલિંગજી થી કુંભલગઢ જવાના બે રસ્તા છે. એક રસ્તો શ્રીનાથજી થઇને જાય છે જ્યારે બીજો રસ્તો હલ્દીઘાટી થઇને. અમારે હલ્દીઘાટી મ્યૂઝિયમ જોવાની ઇચ્છા હતી તેથી અમે તે રસ્તે થઇને ગયા.
હલ્દીઘાટી ટેકરીઓમાં વસેલું છે. ટેકરીઓ કોરીને રસ્તો બનાવેલો છે. હલ્દીઘાટીનો ઇતિહાસ જાણીતો છે. જેમાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુધ્ધ થયું હતું. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઇ હતી પરંતુ તેમના ઘોડા ચેતકે અકલ્પનીય વિરતાનો પરિચય કરાવ્યો હતો. અહીંની જમીન પીળી હોવાથી તેને હલ્દીઘાટી તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ગુલાબના છોડ ખૂબ જ થાય છે. તમને જ્યાં ને ત્યાં ગુલાબના બગીચા જોવા મળશે. ગુલાબને કારણે અહીં ગુલાબજળ, ગુલાબનું શરબત, ગુલકંદ વગેરે બનાવવાનો ધંધો પૂરબહારમાં વિકસ્યો છે. અહીં આ બધી ચીજો બનાવવાની નાની નાની ફેક્ટરીઓ અને તે વેચવા માટેની દુકાનો પણ ઘણી છે. અમે એક ફેક્ટરી કમ દુકાન આગળ ગાડી ઉભી રાખી, એ જોવા માટે નીચે ઉતર્યા. દુકાનના માલિકે અમને ગુલાબજળ, ગુલકંદ, જાંબુનો અર્ક વગેરે બનાવવાની નાનકડી મશીનરી બતાવી. અમે દુકાનમાંથી ગુલાબ, વરીયાળી શરબત ખરીદ્યાં.
હલ્દીઘાટી મ્યૂઝિયમ પહેલા ચેતક સમાધિ આવી. અહીં અંદર જઇ સમાધિનાં દર્શન કર્યાં, અહીંથી આગળ જઇ અમે મહારાણા પ્રતાપ મ્યુઝીયમ પહોંચ્યા. હલ્દીઘાટીનું આ મુખ્ય આકર્ષણ છે. મ્યુઝીયમનું પ્રવેશદ્વાર ઘણું જ ભવ્ય છે. બહાર દિવાલ પર, યુદ્ધના એક દ્રશ્યનું તામ્રકલરનું મોટું ઉપસાવેલું ચિત્ર મૂકેલું છે. ટીકીટ લઇ અમે અંદર પ્રવેશ્યા. અંદર ખુલ્લા મેદાનમાં ડાબી બાજુએ રાણા પ્રતાપ અને મુગલ સૈન્ય વચ્ચેના યુદ્ધના દ્રશ્યનાં વિશાળ તામ્રવર્ણ સ્ટેચ્યુ ઉભાં કરેલાં છે. હાથી પર સવાર મુગલ સેનાપતિ સામે રાણા પ્રતાપનો ઘોડો આગલા પગે હાથીની ઉંચાઇ જેટલો ઉંચો થઇ જાય છે, અને ઘોડા પર બેઠેલો પ્રતાપ ભાલાથી સેનાપતિ પર વાર કરે છે. આ પ્રખ્યાત દ્રશ્ય અહીં આબેહૂબ ખડું કર્યું છે. આ જોઇને આપણને પ્રતાપની શૂરવીરતા પર ગર્વ થઇ આવે છે.
કુંભલગઢ
હલ્દીઘાટીથી અમે કુંભલગઢ ફોર્ટ પહોંચ્યા. આ કિલ્લાને દૂરથી જોઇને જ અમે મંત્રમુગ્ધ થઇ ગયા. અહીં દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી 36 કિ.મી.ની દીવાલ છે. રાણા કુંભાએ 1458 ઈ.સ.માં કુંભલગઢ કિલ્લો બનાવડાવ્યો હતો, એટલા માટે તેનું નામ કુંભલગઢ આપવામાં આવ્યું છે. કિલ્લામાં એક સુંદર મહેલ છે જેનું નામ બાદલ મહલ છે, અહીં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. કિલ્લાની દીવાલ એટલી પહોળી છે કે એક હરોળમાં 8 ઘોડા એકસાથે ઊભા રહી શકે. કિલ્લામાં સાત દરવાજા તેમજ અનેક મંદિર અને ઉદ્યાન છે જે આકર્ષણનું કેન્દ્ર છે. કિલ્લામાં 360થી વધુ મંદિરો છે, આ બધામાં શિવ મંદિર સૌથી વધુ મહત્વપૂર્ણ છે. અહીં એક જૈન મંદિર છે. અમે કિલ્લામાં ફોટોગ્રાફી કરી અને 2 કલાક જેટલું રોકાઇને એકલિંગજી તરફ રવાના થયા. બીજા દિવસે સવારે અમદાવાદ પરત ફર્યા.