શિલોન્ગથી 90 કિમી દૂર ઇસ્ટ ખાસી પહાડીમાં આવેલા માવલિનોન્ગ ગામે વર્ષ 2003 માં એશિયાના સૌથી સ્વચ્છ ગામડાનું બિરુદ મેળવ્યું હતું.
માવલિનોન્ગ એ ઝરણાઓ અને હરિયાળીથી છલકાતું ગામ છે. માનવવસ્તી હોવા છતાં અહીંયા કુદરતી સુંદરતામાં કોઈ જ ઘટાડો થયો નથી. આ ગામમાં રહેતા દરેક ગ્રામવાસી પોતાની ફરજોને સમજે છે અને એટલે જ અહીંયા આટલી સ્વચ્છતા છે.
અહીંયા સાક્ષરતાદર અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે પણ સારું એવું કામ થયેલું છે. બાળકોને એમની માતાની અટક આપવામાં આવે છે અને ઘરની સૌથી નાની દીકરીને બધી જ સંપત્તિ!
અહીંની બીજી ખાસિયત છે "જઈંગમહામ લિવિંગ રૂટ ટ્રી" મતલબ કે વૃક્ષના મૂળિયામાંથી બનેલો પુલ! આ ખુબ જ સુંદર એવો પુલ લગભગ 500 વર્ષ પુરાણો છે અને યુનેસ્કો હેરિટેજ સાઈટમાં પણ સ્થાન પામ્યો છે.
આ લિવિંગ રૂટ બ્રિજ અહીંની ખાસી આદિવાસી પ્રજાતિની દેન છે. ચોમાસાની ઋતુમાં રસ્તો પસાર કરવા માટે આ પુલને ગુંદર અને અન્ય કુદરતી સાધનો વડે જ બનાવવામાં આવ્યો છે! આ પુલના બાંધકામમાં કોઈ જ કૃત્રિમ પદાર્થનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આજે પણ હો આ વૃક્ષમાં કોઈ નવું મૂળ જોવામાં આવે તો અહીંના લોકો એને પણ આ પુલમાં વીંટી લે છે જેથી આ પુલની આવરદા વધતી રહે છે.
ગ્રામવાસીઓ દ્વારા બનાવવામાં આવેલું અન્ય આકર્ષણ છે 85 ફૂટની ઉંચાઈ પર બનાવેલું સ્કાય વ્યુ, એટલે કે માંચડો! અહીંથી તમે મેઘાલય અને બાંગ્લાદેશ બંનેના જંગલો જોઈ શકો છો!
અહીંયા લોકો દ્વારા મુસાફરોને બપોરે 1 થી 3 વચ્ચે સાદું અને સાત્વિક ભોજન પણ પૂરું પાડવામાં આવે છે જેમાં દાળ, ભાત, બટેટા અને લીલા મરચાનો સમાવેશ થાય છે.
રહેવાની વ્યવસ્થા
અહીંયા ઘણા બધા ગેસ્ટહાઉસ અને હોમસ્ટે છે ઉપરાંત તમે શિલોન્ગથી એક દિવસના પ્રવાસે પણ આવી શકો છો.
કેવી રીતે પહોંચવું?
બાય રોડ - શિલોન્ગથી ટેક્ષી અથવા કાર
બાય એર - 188 કિમી દૂરનું ગુવાહાટી એરપોર્ટ સુધી નજીકનું એરપોર્ટ છે.
બાય ટ્રેન - ગુવાહાટી રેલવેસ્ટેશનથી શિલોન્ગ અને ત્યાંથી માવલિનોન્ગ
સલામ છે આ ગ્રામવાસીઓની સ્વચ્છતાની સમજણને! મેઘાલયની તમારી ટ્રીપમાં માવલિનોન્ગને જરૂર સામેલ કરો.
.