મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢમાં ફેલાયેલો 1100 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ફક્ત ટાઇગર રિઝર્વ માટે જ નહીં પરંતુ આ જંગલી ક્ષેત્ર તેની અંદર પ્રાચીન સંસ્કૃતિ તેમજ સભ્યતાની તમામ પરતો છુપાવીને બેઠું છે. આ વિસ્તાર બધેલખંડ પણ કહેવાય છે. હાલમાં જ ભારતીય પુરાતત્વ વિભાગે અહીં લગભગ 170 ચોરસ કિ.મી.ના વિસ્તારને ફંફોસ્યું તો એક હજાર વર્ષથી લઇને બે હજાર વર્ષ જુના હિંદુ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો મળ્યા છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢના જંગલોમાં 2 થી 5 સદી પહેલાની 26 ગુફાઓની સાથે 26 પ્રાચીન મંદિરોની એક શ્રેણી શોધી કાઢી છે. પુરાતત્વ ખાતાના ખોદકામમાં 26 મંદિરોની હારમાળા જોવા મળી છે, જેમાં ભગવાન વિષ્ણુની સુવાની મુદ્રાની મૂર્તિની સાથે વરાહની એક મોટી પ્રતિમા પણ મળી આવી છે. એએસઆઈની આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શોધ માટે બાંધવગઢના લગભગ 170 ચોરસ કિ.મી.ના વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. તેની સૌપ્રથમ ઓળખ 1938માં થઈ હતી.
માનવો દ્વારા ગુફાનું નિર્માણ થયું હતું
એએસઆઇના અધિક્ષક શિવકાંત બાજપાઇએ જણાવ્યું હતું કે બાંધવગઢ ટાઇગર રિઝર્વ 1,100 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. એક ઝોન તલાગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીં જોવા મળતી પ્રાચીન પથ્થરની ગુફાઓ માનવીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ઘણા મહત્વના તથ્યો મળી આવ્યા છે. અહીં કામ કરવું સહેલું નથી કારણ કે ત્યાં વાઘ સંરક્ષણ જગ્યા છે. વન વિભાગની પરવાનગીથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
9મી સદીના સ્થાપત્યો
જણાવવામાં આવી રહ્યું છે કે આ 26 મંદિરો કલચુરી સમયના એટલે કે 9મીથી 11મી સદી સુધીના બૌદ્ધ કાળના મંદિરો છે. અહીં બે બૌદ્ધ મઠ, બે સ્તૂપ, 24 બ્રાહ્મી લિપિઓ, 46 શિલ્પો અને 15મી સદી સુધીમાં 19 પાણી સંરચના આવેલાં છે. જે 46 મૂર્તિઓ મળી છે તેમાં સૌથી મોટી વરાહની છે. આ ગુફાઓમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ઘણા રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. પુરાતત્વ સર્વેક્ષણનો અંદાજ છે કે આ તમામ મંદિરો અને મૂર્તિઓ રાજા ભીમસેન, મહારાજ પોતા શ્રી, મહારાજ ભટ્ટદેવના સમયથી છે.
સૌથી મોટી વારાહની મૂર્તિ મળી છે
એટલું જ નહીં, અહીંથી વરાહની પ્રતિમા મળી આવી છે, જે 6.4 મીટર લાંબી, 5.03 મીટર ઊંચી અને 2.77 મીટર પહોળી છે. તે અત્યાર સુધીમાં મળેલી તમામ વારાહ મૂર્તિઓ કરતા અનેકગણી મોટી છે. આ સાથે, બઢવગઢમાં જોવા મળતા 2 નવા મંદિર જૂથો અહીંના મંદિરોના સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ શોધ છે. અહીં સ્થિત મંદિરો અને મઠો બાંધવગઢમાં મટ્ટમાયુર સંપ્રદાયના અસ્તિત્વનો સંકેત આપે છે.
બાંધવગઢ મુખ્યત્વે ટાઇગર રિઝર્વ છે
ઉલ્લેખનીય છે કે ઉમરિયાનું બાંધવગઢ મુખ્યત્વે ટાઇગર રિઝર્વ છે. પરંતુ અહીં વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે. જેને ધ્યાનમાં લેતા આને વર્લ્ડ હેરિટેજને દરજ્જો અપાવવા માટે પણ લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના માટે પુરાતત્વ વિભાગ ઘણાં સમયથી પ્રમાણ ભેગુ કરવાની કવાયતમાં લાગ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અહીં વ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ઘણી મહત્વની જાણકારીઓ અને પ્રમાણ સામે આવ્યા છે. જેનાથી પુરાતત્વ વિભાગ ઘણાં ઉત્સાહમાં છે.
દરેક ક્ષેત્રની એક્સપર્ટ ટીમની સાથે થઇ રહી છે શોધ
સકારાત્મક પરિણામ સામે આવતા જોઇને વિભાગ અહીં સતત નવી-નવી ચીજો શોધવામાં લાગ્યું છે. જેના માટે પુરાતત્વવિભાગની સાથે પ્રાચીન અભિલેખ વાંચવા અને છાપકામ કરનારા નિષ્ણાંતો અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર તથા કેમિકલ કન્ઝર્વેશનના વૈજ્ઞાનિકોને સામેલ કરીને આ કાર્યને પૂરુ કરવામાં આવી રહ્યું છે. અહીં મળનારી એક ચીજનું બારીકાઇથી અધ્યયન કરીને એ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ સતત ચાલુ છે. હવે બે હજાર વર્ષ જુની માનવ નિર્મિત ગુફાઓ જોઇને વિભાગનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. તેમને આશા છે કે આને વિશ્વ વારસાઇ સ્થળનો દરજ્જો અપાવવાનું તેમનું સપનું એક દિવસ પૂર્ણ થઇ જશે.
બાંધવગઢનો કિલ્લો પણ મશહૂર
અહીં બાંધવગઢનો એક પ્રાચીન કિલ્લો પણ છે. જેનો ઉલ્લેખ રામાયણ તેમજ શિવપુરાણમાં મળે છે. કહેવાય છે કે રાવણ વધ કર્યા બાદ લંકા પાછા ફરતી વખતે શ્રીરામે આ કિલ્લો લક્ષ્મણને દાનમાં આપ્યો હતો. કહેવાય છે કે ભાઇ દ્વારા આપવામાં આવેલા કિલ્લાના કારણે કિલ્લાનું નામ બાંધવગઢ પડ્યું. આમ તો આ વાઘ અભયારણ્ય હોવાથી આ વિસ્તાર મોટાભાગે પ્રતિબંધિત છે પરંતુ વર્ષમાં બે વાર કબીર જયંતી અને રામનવમી પર કિલ્લો સ્થાનિક લોકો માટે ખોલી નાંખવામાં આવે છે.
આ વિસ્તારમાં પ્રાપ્ત પ્રાચીન દસ્તાવેજોથી એ ખબર પડે છે કે આ ઘણાં લાંબા સમય સુધી મગધ રાજવંશના અધીન હતો. ASI એ બાંધવગઢ ફોરેસ્ટ રિઝર્વમાં 1938માં ગુફાઓની શોધ કરી હતી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો