ગુજરાતીઓનો પ્રવાસ સાથે કઈક અનેરો જ સંબંધ છે. અલગારી રખડપટ્ટી કરવા માટે દેશભરમાં સૌથી વધુ ઉત્સાહી રાજ્ય કયું? આ પ્રશ્નનો જવાબ નિઃશંકપણે ગુજરાત જ આવે. અને તેમાંય વળી અમદાવાદીઓની તો વાત જ નિરાળી! સામાન્ય દિવસોમાં પણ અમદાવાદના ફરવાલાયક સ્થળો, મોલ્સ કે કાફે/ રેસ્ટોરાં વગેરે તમામ જગ્યાઓએ આનંદ કરતાં અમદાવાદીઓ જોવા મળે છે.
આટલી શોખીન પ્રજા ચોમાસામાં કઈક તો ધીંગામસ્તી કરવાની જ! કુદરત પોતાના શ્રેષ્ઠ સ્વરૂપે ખીલી ઉઠે છે તેવી આ ઋતુને અમદાવાદીઓ મન ભરીને જીવી જાણે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વરસાદનું આગમન થતાં જ દાળવડા ખાવા થનગનતા અમદાવાદીઓ વાતાવરણનો લ્હાવો માણવા અમદાવાદથી નજીક-દૂર આવેલા અનેક સ્થળોએ રોડટ્રીપ પર ઉપડી જવા આતુર હોય છે. શહેરની વિવિધ ટ્રાવેલ એજન્સીઓ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે આ ઋતુમાં લોકો પુષ્કળ ટ્રાવેલ પ્લાનિંગ કરતાં હોય છે.
ચાલો ત્યારે, ચોમાસામાં યાદગાર રોડટ્રીપ માટે અમદાવાદથી કયા કયા સ્થળોએ જઇ શકાય તેની એક યાદી બનાવીએ:
1. ઉદયપુર
અમદાવાદ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોનું સૌથી વધુ મનપસંદ વીકેન્ડ ડેસ્ટિનેશન એટલે ઉદયપુર! અમદાવાદથી ઉદયપુરનો રસ્તો એ ખૂબ આરામદાયક મુસાફરી છે. વળી, ચોમાસામાં તો રસ્તાઓની સુંદરતા પણ ખીલી ઉઠે છે. સિટી ઓફ લેક ફરવાની પોતાની આગવી મજા તો ખરી જ. અમદાવાદમાં રહેતી ધ્વનિ ઓઝાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી વર્ષમાં ઓછામાં ઓછો 2 થી 3 વાર ઉદયપુરનો પ્રવાસ જરૂર કરીએ છીએ. ચોમાસામાં આ પ્રવાસની મજા જ કઈક ઔર છે. વળી, ઉદયપુરમાં તમામ પ્રકારની હોટેલ્સ પણ ઉપલબ્ધ છે જેથી ક્યારેક બજેટ તો ક્યારેક કોઈ લક્ઝુરિયસ હોટેલમાં રહીને વાતાવરણનો આનંદ માણીએ છીએ.
2. પોલો ફોરેસ્ટ
ચોમાસામાં જેની સુંદરતા ચરમસીમાએ પહોંચે છે તેવી પ્રાકૃતિક જગ્યા એટલે જંગલો. ઉત્તર ગુજરાતમાં આવેલું પોલો ફોરેસ્ટ એ અમદાવાદના પ્રવાસ-પ્રેમીઓનું એક મનપસંદ ઠેકાણું છે કેમકે અહીં કોઈ પણ સમયે ફરવાનું ભરપૂર માણી શકાય છે. પૌરાણિક અવશેષો ધરાવનાર પ્રાચીન મંદિરો અને ચોમેર ઘેઘૂર વનરાજી તે પોલો ફોરેસ્ટને પરફેક્ટ પિકનિક ડેસ્ટિનેશન બનાવે છે. અમદાવાદના અનેક યુવાનો ચોમાસાના વાતાવરણમાં એક અનોખી રોડટ્રીપ કરીને તેના મિત્રો, પ્રેમી કે પછી પરિવારજન સાથે પોલો ફોરેસ્ટ પિકનિક કરવાનું પસંદ કરે છે.
3. સાપુતારા
ગુજરાતનું સૌથી લોકપ્રિય હિલસ્ટેશન એટલે સાપુતારા. અમદાવાદથી દક્ષિણ ગુજરાત તરફનો રસ્તો ભરપૂર હરિયાળી ધરાવે છે તેથી દક્ષિણ ગુજરાતમાં આવેલા સાપુતારાની રોડટ્રીપ તે નિશ્ચિતપણે આહલાદક અનુભવ બની રહેવાનો... કોર્પોરેટ એક્ઝિક્યુટિવ વિવેક ભટ્ટ જણાવે છે કે કામના દબાણને કારણે વધુ રજાઓ લઈને દૂરના સ્થળનો પ્રવાસ એ કઠિન કાર્ય છે તેથી અમદાવાદથી કારમાં સાપુતારા જઈને ત્યાં 2-3 દિવસ કુદરતના સાનિધ્ય વચ્ચે રોકાવું એક ખૂબ રિફ્રેશીંગ આઉટિંગ બની રહે છે.
4. જાંબુઘોડા
કોઈ પણ આધુનિકતા વિના તમે પ્રકૃતિની નજીક સમય ગાળવા ઈચ્છો તો ચાંપાનેર, જાંબુઘોડા, પાવાગઢ એ ખૂબ સારા સ્થળો છે. પહાડો વચ્ચે આવેલી આ જગ્યાની સુંદરતા ચોમાસામાં ખરા અર્થમાં અવર્ણનીય બની રહે છે. અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતાં કેટલાય યુવાનો-યુવતીઓ કોઈ ટ્રેકિંગ ગ્રુપ સાથે આ પ્રાકૃતિક જગ્યાએ કેમ્પ કરવા આવે છે. અલબત્ત, આ એક સુંદર ફોટોગ્રાફી ડેસ્ટિનેશન પણ છે!
5. કેવડિયા
ગુજરાતની આન, બાન અને શાન સમાન અત્યાધુનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન એટલે કેવડિયા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટી જે ગામમાં બનાવવામાં આવી છે તે ગામનો પ્રવાસન હેતુથી એટલો સુંદર વિકાસ કરવામાં આવ્યો છે કે અમદાવાદથી કે આખા ગુજરાતમાંથી વારંવાર ઉત્સાહપૂર્વક લોકો આ સ્થળની મુલાકાત લેવા આવે છે. યુવાન ડો. મહેતા જણાવે છે કે રજાના દિવસોને બદલે વર્કિંગ ડેઝમાં કેવડિયા ફરવાની મજા જ કઈક જુદી છે. વળી, અહીં ફરવાના એટલા બધા આકર્ષણો છે કે 3-4 દિવસો પણ વાયુવેગે પસાર થઈ જાય છે.
6. મોઢેરા
ભારત દેશના આંગળીને વેઢે ગણાય તેટલી ઓછી સંખ્યામાં સુર્ય-મંદિરો પૈકી સૌથી સારી સ્થિતિમાં હોય તેવું ભવ્ય સુર્ય-મંદિર મોઢેરામાં છે. વરસાદી માહોલમાં મંદિરના વિશાળ પરિસરમાં નિરાંતનો સમય વિતાવવો તે એક આગવો લ્હાવો છે. કાજલ પટેલે જણાવ્યું હતું કે ઐતિહાસિક જગ્યાઓમાં રસ ધરાવતા લોકો માટે અમદાવાદથી વહેલી સવારે રોડટ્રીપ કરીને મોઢેરા સુર્ય-મંદિરની મુલાકાત લેવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
7. અડાલજ
ઐતિહાસિકસ્મારકોના શોખીનો માટે વધુ એક નજરાણું એટલે અડાલજની વાવ. અમદાવાદથી સૌથી નજીક અને સૌથી હોટ-ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન પણ આ જ છે! અમદાવાદનું એવું કોઈ પણ કોલેજનું ગ્રુપ નહિ હોય જેમણે અમદાવાદથી સ્કૂટર પર અડાલજની વાવની મુલાકાત ન લીધી હોય!
ઝરમર વરસાદ વચ્ચે રોડટ્રીપ એ ખરેખર કોઈ થેરાપીથી કમ નથી. શું તમે અજમાવી છે આવી કોઈ ટ્રાવેલ થેરાપી? કમેન્ટ્સમાં જણાવો...
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ