ભારતનો ગૌરવશાળી ઇતિહાસ ઘણી વિશાળ સંરચનાઓથી ભરેલો છે. જેનું નિર્માણ રાજા-સમ્રાટો દ્વારા પોતાના સામ્રાજ્યને વધારવા અને સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવતો હતો. આ ઐતિહાસિક સ્મારકોમાં કિલ્લાઓની મહત્વની ભૂમિકા રહેતી હતી. જે વિશાળ ક્ષેત્રમાં બનાવાતા હતા. મજબૂત દિવાલોના ઘરમાં બનેલા આ કિલ્લા રાજપરિવારને પૂર્ણ સ્વરૂપે સુરક્ષા પ્રદાન કરતા હતા.
જો કે આજે આ ઐતિહાસિક સ્મારકો આપણી સામે ખંડેર બનીને ઉભી છે. પરંતુ તેનું મહત્વ આજે પણ યથાવત છે. મરાઠા સામ્રાજ્યનો ઝંડો ફરકાવનારા છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરીના રોજ થયો હતો. મુગલ સમ્રાટ ઔરંગઝેબે પોતાની બહાદુરીથી ઝુકાવી દેનારા શિવાજીનું નામ દેશના યોદ્ધાઓમાં સામેલ છે. આજે અમે આપને તેમના રહસ્યમયી કિલ્લા અંગે જાણકારી આપીશું. જે તેમણે મુશ્કેલ સમયમાં પોતાની સત્તાને સુરક્ષિત રાખવા માટે બનાવ્યા હતા.
શિવનેરી કિલ્લો
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ આ જ કિલ્લામાં થયો હતો. શિવનેરી કિલ્લો મહારાષ્ટ્રના પુણેની પાસે જુન્નુર ગામમાં છે. આ કિલ્લાની અંદર માતા શિવાઇનું મંદિર છે જેના નામે શિવાજીનું નામ રાખવામાં આવ્યું હતું. આ કિલ્લામાં મીઠા પાણીના બે સ્ત્રોત છે જેને લોકો ગંગા-જમુના કહે છે. લોકોનું કહેવું છે કે આમાંથી આખું વર્ષ પાણી નીકળે છે. કિલ્લાની ચારેબાજુ ઉંડી ખીણ છે જેનાથી શિવનેરીના કિલ્લાની સુરક્ષા થતી હતી. આ કિલ્લાની ઘણી ગુફાઓ છે જે હાલ બંધ અવસ્થામાં છે. કહેવાય છે કે આ ગુફાઓની અંદર જ શિવાજીએ ગેરીલા યુદ્ધનો અભ્યાસ કર્યો હતો.
પુરંદરનો કિલ્લો
પુરંદરનો કિલ્લો પુણેથી 50 કિ.મી. દૂર આવેલા સાસવાદ ગામમાં છે. આ જ કિલ્લામાં બીજા છત્રપતિ સંભાજી રાજ ભોંસલેનો જન્મ થયો હતો. સંભાજી છત્રપતિ શિવાજીના પુત્ર હતા. શિવાજીએ પહેલી જીત આ કિલ્લો કબજે કરીને મેળવી હતી. મુગલ સમ્રાટ ઔરંગઝેબે 1665માં આ કિલ્લા પર કબજો કર્યો હતો જેને ફક્ત પાંચ વર્ષ બાદ શિવાજીએ ફરી જીતી લીધો હતો. પુરંદર કિલ્લા પર મરાઠા ઝંડો લહેરાવી દીધો હતો. આ કિલ્લામાં એક સુરંગ છે જેનો રસ્તો કિલ્લાની બહારની તરફ જાય છે. આ સુરંગનો ઉપયોગ યુદ્ધના સમયે શિવાજી બહાર જવા માટે કરતા હતા.
રાયગઢનો કિલ્લો
રાયગઢનો કિલ્લો છત્રપતિ શિવાજીની રાજધાનીની શાન રહ્યો છે. તેમણે ઇસ. 1674માં આ કિલ્લાને બનાવ્યો હતો. મરાઠા સામ્રાજ્યના નરેશ બનવા પર લાંબા સમય સુધી રાયગઢનો કિલ્લો તેમનું નિવાસસ્થાન હતો. રાયગઢનો કિલ્લો સમુદ્રની સપાટીએથી 2700 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે અંદાજે 1737 સીડીઓ ચઢવી પડે છે. રાયગઢ કિલ્લા પર ઇસ. 1818માં અંગ્રેજોએ કબજો જમાવી લીધો અને કિલ્લામાં બેફામ લૂંટફાટ મચાવી તેના ઘણાં હિસ્સાને નષ્ટ કરી દીધો. તમે એનએચ 17 પર મુંબઇથી મહાડ સુધી ડ્રાઇવ કરીને જઇ શકો છો અને પછી રાયગઢથી આ કિલ્લો 24 કિલોમીટર દૂર છે.
સુવર્ણ દુર્ગ
સુવર્ણ દુર્ગ કિલ્લાને ગોલ્ડન ફોર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. શિવાજીએ આ કિલ્લા પર ઇસ.1660માં કબજો કર્યો હતો. તેમણે અલી આદિલશાહ દ્વિતીયને હરાવીને સુવર્ણદુર્ગને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. સમુદ્રી તાકાતને વધારવા માટે આ કિલ્લા પર કબજો કર્યો હતો. આ કિલ્લામાં શિવાજી બાદ રાજાઓએ મરાઠા જળ સેના પણ બનાવી હતી. આ કિલ્લા દ્વારા મરાઠાઓએ ઘણાં દરિયાઇ આક્રમણોને રોક્યા હતા.
સિંધુ દુર્ગ
છત્રપતિ શિવાજીએ સિંધુ દુર્ગનું નિર્માણ કોંકણ કિનારે કરાવ્યું હતું. મુંબઇથી 450 કિ.મી. દૂર કોંકણની પાસે સિંધુદુર્ગ કિલ્લો છે. આ કિલ્લાને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. સિંધુદુર્ગ કિલ્લો 48 એકરમાં ફેલાયેલો છે. કિલ્લાનો બહારનો દરવાજો એવી રીતે બનાવાયો છે કે ચકલુંય ના ફરવી શકે.
લોહાગઢ કિલ્લો
છત્રપતિ શિવાજી દ્વારા બનાવેલા ભવ્ય કિલ્લામાં લોનાવાલા સ્થિત લોહાગઢ કિલ્લાનું નામ પણ આવે છે. લોહાગઢ કિલ્લામાં મરાઠા સામ્રાજ્યની સંપત્તિ રાખવામાં આવતી હતી. આ પુણેથી 52 કિ.મી. દૂર લોનાવાલામાં આવેલો છે. કહેવાય છે કે સુરતમાં લુંટવામાં આવેલી સંપત્તિઓને પણ અહીં રાખવામાં આવતી હતી. મરાઠા પેશવા નાના ફડણવીસે લાંબા સમય સુધી લોહાગઢ કિલ્લાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. જો કે બાકી ઐતિહાસિક કિલ્લાઓની જેમ આ કિલ્લો પણ ખંડેરમાં ફેરવાઇ ગયો છે. જે હવે ફક્ત પર્યટન માટે ઉપયોગમાં આવે છે. દૂર-દૂરથી લોકો શિવાજીની વિરાસતોને જોવા માટે આવે છે.
અર્નાલાનો કિલ્લો
અર્નાલાનો કિલ્લો મહારાષ્ટ્રના વસઇ ગામમાં છે. જે મુંબઇથી 48 કિ.મી. દૂર છે. બાજીરાવના ભાઇ ચીમાજીએ આની પર કબજો કરી લીધો હતો. જો કે આ યુદ્ધમાં ઘણાં લોકોને મરાઠાઓએ ગુમાવ્યા હતા. ઇસ.1802માં પેશવા બાજીરાવ દ્વિતીયે સંધિ કરી લીધી. ત્યારબાદ અર્નાલાનો કિલ્લો અંગ્રેજોના પ્રભુત્વમાં આવી ગયો. આ કિલ્લાથી ગુજરાતના સુલતાન, પોર્ટુગીઝ, અંગ્રેજ અને મરાઠાઓએ શાસન કર્યું. અરનાલાનો કિલ્લો ત્રણેય બાજુથી ઘેરાયેલો છે.
પ્રતાપગઢ કિલ્લો
મહારાષ્ટ્રના સતારામાં સ્થિત પ્રતાપગઢ કિલ્લો શિવાજીની વીરતાની કહાની રજૂ કરે છે. આ કિલ્લાને પ્રતાપગઢમાં થયેલા યુદ્ધથી પણ ઓળખવામાં આવે છે. શિવાજીએ નીરા અને કોયના નદીઓના કિનારાને બચાવવા માટે બનાવાયો હતો. 1665માં પ્રતાપગઢનો કિલ્લો બનીને તૈયાર થયો હતો. આ કિલ્લામાંથી 10 નવેમ્બર 1656ના રોજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાનની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં શિવાજીનો વિજય થયો હતો. પ્રતાપગઢ કિલ્લાની આ જીતને મરાઠા સામ્રાજ્યનો પાયો માનવામાં આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો