ભારતનો નકશો જોઈએ તો દેશમાં દક્ષિણે પાડોશી દેશ શ્રીલંકા તો ઘણું જ નજીક અને બહુ સ્પષ્ટ દેખાય. પરંતુ પૂર્વે છૂટાછવાયા દ્વીપસમૂહ જોવા મળે જે આપણા દેશનો જ એક મહત્વનો ભાગ છે: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ. આશરે 8200 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ દ્વીપસમૂહમાં કુલ 836 ટાપુઓ આવેલા છે જે પૈકી માત્ર 36 ટાપુઓ પર માનવજીવન છે.
![Photo of Andaman and Nicobar Islands, India by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529916_01_sentinel_840149.jpg.webp)
શું તમે અંદામાન નિકોબાર દ્વીપસમૂહ વિષે આ માહિતી જાણો છો?
ભાષા: સામાન્ય રીતે ભારતના દરેક કેન્દ્રશાસિત પ્રદેશના લોકો તે જે પ્રદેશમાં સ્થિત હોય ત્યાંની ભાષા બોલતા હોય છે. જેમકે દીવ-દમણમાં ગુજરાતી, ચંડીગઢમાં પંજાબી, પોંડિચેરીમાં તમિલ વગેરે. અંદામાન આમ તો ભારતીય મેઇન લેન્ડથી 1500 કિમી દૂર છે અને તે અનુસાર તમિલનાડુથી સૌથી નજીક છે. નવાઈની વાત એ છે કે અહીં સૌથી વધુ બોલાતી ભાષામાં પ્રથમ બંગાળી, બીજી હિન્દી અને ત્રીજા ક્રમે તમિલ ભાષા છે!!
ઉત્તર સેન્ટિનેલ: અંદામાન નિકોબારમાં પુષ્કળ ટાપુઓ પર આદિવાસી લોકો વસે છે. પરંતુ તેમાંના કેટલાક ટાપુઓ એવા છે જે સંપૂર્ણપણે દુનિયાથી વેગળા રહેતા હોય. આધુનિક વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ તેમના એકાંતમાં ખલેલ પહોંચાડે તો તેઓ તીર ચલાવીને પોતાનું રક્ષણ કરવા સજ્જ રહે છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529867_01_sentinel_840149.jpg.webp)
સેલ્યુલર જેલ: સ્વતંત્રતા પહેલા આખા દેશમાં ક્રાંતિકારીઓના અપાર દેશપ્રેમે અંગ્રેજોને પરેશાન કરી મૂક્યા હતા. દેશપ્રેમના રંગથી રંગાયેલા ક્રાંતિકારીઓના બધા જ જોશને ચકનાચૂર કરવા ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર સેલ્યુલર જેલ બનાવવામાં આવી હતી. વીર સાવરકર સહિત અનેક દેશ ભક્તોએ આ જેલમાં યાતનામય સમય વિતાવ્યો હતો. ખરેખર, સેલ્યુલર જેલ એ ભારતીય ક્રાંતિકારીઓના દેશપ્રેમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529766_59724735041e6155_maxresdefault_compressed.jpg.webp)
ભારતનો દક્ષિણતમ છેડો: ભારત મુખ્યભૂમિનો દક્ષિણતમ છેડો કન્યાકુમારી નજીક સમુદ્રમાં આવેલું વિવેકાનંદ રોક મેમોરિયલ છે, પરંતુ ખરા અર્થમાં ભારતનો દક્ષિણતમ છેડો અંદામાન દ્વીપસમૂહમાં સૌથી દક્ષિણે આવેલું ઇન્દિરા પોઈન્ટ છે. પોર્ટબ્લેરથી 600 કિમી દૂર આવેલો આ ટાપુ વર્ષ 2004માં ત્રાટકેલા ત્સુનામી વખતે પોતાના મૂળ સ્થાનેથી 4.25 મીટર જેટલો દૂર ખસી ગયો હતો.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529750_59724baba7f71195_indra_point_compressed.jpg.webp)
કાચબાઓનું ઘર: મોટા ભાગના પ્રવાસીઓ જાણે જ છે કે અંદામાન દ્વીપસમૂહમાં સાફ ભૂરું પાણી અને સુંદર સફેદ રેતી ધરાવતા કેટલાક ખૂબ જ ચોખ્ખા બીચ આવેલા છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે વિશ્વકક્ષાએ અંદામાન એ ઘણી જ દુર્લભ ગણાતી કાચબાઓની પ્રજાતિનું ઘર છે. આખી દુનિયામાં કોઈ ત્રણ પ્રજાતિના કાચબા માત્ર અંદામાનમાં જ જોવા મળે છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529731_1308488705leatherback2sml.jpg.webp)
કોમર્શિયલ માછીમારી પર પ્રતિબંધ: આ દ્વીપસમૂહના દરિયામાં અને તેના કિનારે અનેક સમુદ્રી જીવો વસે છે જેઓનું જીવન પરસ્પર આધારિત હોય છે. વિવિધ દરિયાઈ જીવોને સહેજ પણ ખલેલ ના પહોંચે તે કારણોસર છેલ્લા ચાર દાયકાથી અંદામાન અને નિકોબારના બધા જ ટાપુઓ પર વ્યાવસાયિક હેતુથી માછીમારી કરવા પર પ્રતિબંધ છે.
બેરેન આઇલેન્ડ: ભારતનો એકમાત્ર જ્વાળામુખી અહીં સ્થિત છે! અંદામાન દ્વીપસમૂહમાંનો એક એવો બેરેન ટાપુ દેશના સૌથી વિશિષ્ટ ટાપુઓમાંનો એક છે તેમ કહી શકાય. માત્ર કિમી વિસ્તારમાં ફેલાયેલા આ ટાપુના 55% જેટલા વિસ્તાર પર એક્ટિવ વૉલકેનો આવેલો છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529617_cq5dam_web_1800_600.jpeg.webp)
મડ વૉલકેનો: માર્ચ 1983માં પ્રથમ વખત ધ્યાનમાં આવ્યું હતું કે અંદામાનના બારાતાંગ ટાપુ પર દેશનો એકમાત્ર મડ વૉલકેનો આવેલો છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529497_59724bda506ce174_mud_compressed.jpg.webp)
20 રૂ નોટ: ભારતની બધી જ ચલણી નોટમાં દેશના વિવિધ સ્થળોની તસવીર મુકવામાં આવે છે. નોટબંધી પહેલાની ભારતની રૂ 20 ની ચલણી નોટમાં એક સુંદર કુદરતી દ્રશ્યનો ફોટો જોવા મળે છે જે પોર્ટબ્લેરથી માઉન્ટ હેરિયટ નામની જગ્યાએ જતાં રસ્તામાંથી જોવા મળતું દ્રશ્ય છે.
![Photo of ભારત મુખ્યભૂમિથી 1500 કિમી દૂર ભારતીય દ્વીપસમૂહ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1628529441_59724716ad929107_facts_about_andaman_islands_compressed.jpg.webp)
.