દેવોના દેવ એટલે કે મહાદેવ, જેમના પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને જો કોઈ કામ કરવામાં આવે તો નિરાશા ક્યારેય ન સાંપડે. વેકેશનનો ટાઇમ છે અને જો તમને દરિયામાં મસ્તી કરવાની સાથે મહાદેવના આર્શીવાદ પણ લેવા હોય તો દીવ એક પરફેક્ટ પ્લેસ છે. કારણ કે અહીં આવેલું છે ગંગેશ્વર મહાદેવ. અહીં શિવલિંગનું અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતાં હોય તેવું જોવા મળે છે. કારણ કે અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે. તો આવો જાણીએ આ મંદિર વિશે.
ક્યાં આવેલું છે
ગંગેશ્વર મહાદેવ દિવથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલા ‘ફુદમ’નામના ગામમાં આવેલું છે. પ્રકૃતિના સાનિધ્યમાં સ્થિત મહાદેવના આ મનોહારી રૂપને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં બારેમાસ ઉમટતા જ રહે છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે. તમે જેવા આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઇ જાય છે.
શું છે ઇતિહાસ
જો આ મંદિરના ઈતિહાસની વાત કરવામાં આવે તો સમસ્ત સૃષ્ટિમાં દેવાધિદેવનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય પણ જોવા નથી મળતું. ગંગેશ્વર મહાદેવ એ ગંગનાથના નામે પણ પૂજાય છે. આ રીતે કોઈ એક જ સ્થાન પર પાંચ શિવલિંગના દર્શન થતાં હોય અને દરિયાદેવ તેના પર સ્વયંભૂ અભિષેક કરતાં હોય તેવું તો ધરતી પરનું આ એકમાત્ર સ્થાન છે.
ગંગેશ્વર મહાદેવના પ્રાગટ્ય સાથે કુંતી પુત્ર પાંડવોની ગાથા જોડાયેલી છે. મહાભારતના વનપર્વમાં આ સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન ભ્રમણ કરતા પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમને નિત્ય શિવપૂજન બાદ જ ભોજન ગ્રહણ કરવાનું પ્રણ હતું. એક દિવસ એવું બન્યું કે જંગલમાં ભ્રમણ કરતા સંધ્યા થઈ ગઈ. પરંતુ, તેમને ક્યાંય શિવલિંગના દર્શન ન થયા. આખરે, પાંચેય પાંડવોએ તેમના કદ અનુસાર નાના-મોટા શિવલિંગનું નિર્માણ કર્યું. અને પછી એક ગુફામાં તેનું સ્થાપન કર્યું. આ શિવલિંગ લગભગ 5000 વર્ષ જુના હોવાની માન્યતા છે. આ મંદિર સીશોર મંદિરના નામે પણ જાણીતું છે કારણ કે તે દરિયાને અડીને જ આવેલું છે.
દીવનો ઇતિહાસ
ઇસ.1953 સુધી ગોવા, દમણ અને દીવની પ્રજા સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય પ્રવાહથી અલગ રહી અને તેનું કારણ જોઇએ તો ઇ.સ.1539માં પોર્ટુગીઝ ગર્વનર નોરોંયાં સાથે થયેલી સંધિ પ્રમાણે દીવમાં પોર્ટુગીઝ શાસન હતું. પરંતુ આ પ્રદેશની ભાષા ગુજરાતી, સંસ્કૃતિ હિંદુ અને અન્ય વસતી પણ ભારતીય સંસ્કૃતિના પરિવેશમાં જ હતી જેથી ઇ.સ.1953માં સ્વાતંત્ર્યની લહેર ઉઠવા માંડી અને ઇ.સ.1961માં ડિસેમ્બરની 19 તારીખે દીવ પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયું. દિવ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.
જોવાલાયક સ્થળો
દીવ ફોર્ટ
પોર્ટુગીઝોએ ભારતમાં સુરત, દીવ, દમણ, કેરાલા સહીત અનેક શહેરમાં કિલ્લાઓ બાંધ્યા છે, પરંતુ દીવનો કિલ્લો વિશાળ અને ક્ષતિરહિત છે. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝોએ બનાવેલા આ કિલ્લાનો તેઓ યુદ્ધની કુનેહો માટે ઉપયોગ કરતા. ભવ્ય કિલ્લામાં મુકેલી તોપો જાણે હજુએ એ સમયની શક્તિ અને સાહસના પડઘા પાડે છે. દીવ ફોર્ટ પરથી અરબી સમુદ્રનો નજારો ૧૮૦ ડીગ્રીના એન્ગલથી જોવા મળે છે.
ફોર્ટ પરથી સામે દેખાતી સમુદ્રની વચ્ચે આવેલ સબ-જેલ હકીકતમાં પાનીકોટા કિલ્લો છે. સ્થાનિક લોકો તેને ફોર્ટીમ ડો માર તરીકે ઓળખાવે છે. સિમ્બરની ખાડીમાં નાના ટાપુ પર આવેલ આ કિલ્લાનો હવે જેલ તરીકે ઉપયોગ થાય છે, જો કે હાલમાં આ જેલમાં કોઈ કેદી નથી. કિલ્લાની સામે લાઈટ હાઉસ આવેલું છે, જે રાતના સમયે રોશનીથી ઝગમગે ત્યારે કિલ્લા, સમુદ્ર અને લાઈટ હાઉસનો અદ્ભુત નજારો જોવા મળે છે.
સેન્ટ પોલ ચર્ચ
દીવનું બીજું આકર્ષણ છે સેન્ટ પોલ ચર્ચ. ગોઆમાં આવેલ બાસ્લિકા ઓફ બોમ જિસસ ચર્ચ જેવું જ આર્કીટેક્ચર હોવા છતાં તેનું સફેદ રંગનું બાંધકામ સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ચર્ચના નિર્માણમાં દસ વર્ષ લાગ્યા હતા. તેની બાજુમાં જ સેન્ટ થોમસ ચર્ચ આવેલું છે, સુંદર બાગ અને ફાઉન્ટેનના રસ્તે પગથીયાઓ બનાવી ચર્ચનો પ્રવેશદ્વાર બનાવ્યો છે. ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલ આ ચર્ચને હવે મ્યુઝીયમમાં રૂપાંતર કરી નાખવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન શાસકો અને ખ્રિસ્તી સંતોની કોતરણી કરેલ મધ્યમ કદની મૂર્તિઓ, લાકડાના કોતરણી કામના નમુના અને પત્થરના શિલાલેખો મુકવામાં આવ્યું છે.
ગોમતીમાતા બીચ
મોટાભાગના ટૂરિસ્ટ દીવના નાગોઆ બીચની મુલાકાત લેતા હોય છે પરંતુ ગોમતીમાતા બીચની પણ ખાસ મુલાકાત લેવી જોઈએ. અહીં તમને અદ્દભુત સૂર્યાસ્તનો નજારો જોવા મળશે. દીવના વાંકબારા ગામ પાસે આવેલા આ બીચ પર તમને ઘણાં દરિયાઈ જીવો જોવા મળશે. અહીં તમને કલરફુલ કરચલાના પણ દર્શન થશે. આ દરિયામાં નાહવાનું ટાળો તો સારું છે.
નાઈડા કેવ્સ
દીવ આવતા ઘણાં ઓછા લોકો નાઈડા કેવ્સની મુલાકાત લેતા હોય છે, પરંતુ દીવ ફોર્ટ નજીક આવેલા આ સ્થળની વહેલી સવારે મુલાકાત લેવી જોઈએ. જો ફોટોગ્રાફીનો શોખ હોય તો વહેલી સવારે સૂર્યોદયના સમયે અહીં પહોંચી જજો. ગુફાની દીવાલો વચ્ચે ખાલી રહેતી નાનકડી જગ્યામાંથી આવતા સૂર્યના કિરણોથી ગુફામાં પ્રકાશનો અદ્ભુત નજારો બને છે. કુદરતની અદ્ભુત અજાયબી સમાન નાઈડા ગુફા જોવા માટે સવાર અથવા બપોરનો સમય શ્રેષ્ઠ છે.
સી શેલ મ્યુઝિયમ
આ મ્યુઝિયમ નેવી કેપ્ટન દેવજીભાઈ વિરા ફુબલારીઆએ બનાવડાવ્યુ હતું, તેમણે અનેક પ્રકારના આવા શેલ ભેગા કર્યા હતા અને અહીં મુક્યા છે. અહીં લગભગ 3000 પ્રકારના શેલ જોવા મળશે.
આઈ.એન.એસ. કુફરી
આઈ.એન.એસ. કુફરી એ વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકીસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતું નાનું મેમોરીયલ છે. તો ચક્રતીર્થ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સરુના વૃક્ષોથી અદ્ભુત ચક્રતીર્થ બીચ ખુબ સુંદર અને શાંત છે અહીં ન્હાવાની મજા આવે છે.
નાગવા બીચ
દીવના દરેક દરિયા કિનારાઓમાં નાગવા બીચ અલગ તરી આવે છે. નાગવા બીચ પર અનેક સહેલાણીઓ વોટર એડવેન્ચર અને અન્ય એક્ટિવિટીઝ માટે આવે છે. સમુદ્રની સામે જ બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે જ્યાં પ્રવાસીઓ ન્હાઈને સી ફૂડ, નોન વેજ કે વેજ ફૂડ માણી શકે છે.
ટુ-વ્હીલર રેન્ટ પર લઈ લો
જો તમે દીવ શહેર એક્સપ્લોર કરવા માંગો છો તો ગોવાની જેમ દીવમાં પણ તમે બાઈક-એકટીવા રૂ.૩૦૦-૪૦૦ના વ્યાજબી દરે ભાડેથી લઈને ફરી શકો છો. રિક્ષામાં ફરવુ મોંઘુ પડી શકે છે. તમે જે હોટેલમાં રોકાયા હોવ ત્યાંથી અથવા તો નજીકના કોઈ પણ રેન્ટિંગ પોઈન્ટ પરથી તમે ટુ વ્હીલર લઈ શકો છો.
ક્યાં રહેશો
દીવમાં ઘણી હોટલો છે. નાગોઆ બીચ નજીકની હોટલ કે રિસોર્ટ પ્રમાણમાં મોંઘા છે. ફોર્ટ વિસ્તારમાં સસ્તી હોટલો છે. જો કે તમે હોમસ્ટેમાં પણ રોકાઇ શકો છો. હોમસ્ટેમાં પ્રમાણમાં પૈસા પણ ઓછા ખર્ચ થશે અને તમને સુવિધાઓ પણ પૂરતી મળી રહેશે.
કેવી રીતે જશો
અમદાવાદથી દીવનું અંતર 366 કિલોમીટર છે. અમરેલી અને કોડિનાર થઇને દીવ જઇ શકાય છે. રાજકોટથી દીવ 233 અને જુનાગઢથી દીવ 151 કિલોમીટર દૂર છે. અમદાવાદથી દિવ પહોંચતા લગભગ 8 થી 9 કલાક થાય છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જે 90 કિલોમીટર દૂર છે. દીવમાં એરપોર્ટ છે. અમદાવાદથી ફ્લાઇટ મળી રહેશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો