ગુજરાતીઓ માટે હિલ સ્ટેશનનું નામ આવે એટલે સૌથી પહેલા બે જ નામ મોંઢે આવે, એક સાપુતારા અને બીજુ ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું માઉન્ટ આબુ. અમદાવાદીઓ અને ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં રહેતા લોકો માટે આબુ જવાની કોઇ નવાઇ પણ રહી નથી. આ જ રીતે સુરતીઓ માટે સાપુતારા કોઇ નવુ સ્થળ રહ્યું નથી. હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે લોકો વિકેન્ડ્સમાં એક કે બે દિવસ એન્જોય કરવા માંગે છે અને એવું સ્થળ શોધે છે જે ગુજરાતની નજીક હોય. તો આજે આપણે એવા હિલ સ્ટેશનની વાત કરવાના છીએ જે છેલ્લા થોડાક વર્ષોમાં ગુજરાતીઓનું પ્રિય બની રહ્યું છે. એટલું જ નહીં તે આબુ અને સાપુતારાથી કોઇપણ રીતે કમ નથી. આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે.
ક્યાં છે ડોલ હિલ સ્ટેશન
ડોન હિલ-સ્ટેશન આહવાથી 38 કિ.મી દૂર આવેલું છે. આહવા પાસે આવેલા ગડદ ગામથી પહાડી વળાંકદાર રસ્તેથી અહીં પહોંચી શકાય છે. સુરતથી ડોન હીલ સ્ટેશનનું અંતર લગભગ 175 કિલોમીટર, નવસારીથી અંદાજે 136 કિલોમીટર, સાપુતારાથી આશરે 51 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં પોતાના વાહન અથવા રાજ્ય સરકારની બસ સર્વિસ દ્વારા જઈ શકો છો. અમદાવાદથી ડોન હિલ 410 કિલોમીટર દૂર છે.
સાપુતારાથી છે ઊંચુ
ડોન હિલ સ્ટેશન સાપુતારાથી 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધું જ જોવા મળે છે અહીં. પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશન એક ઉત્તમ વિકલ્પ છે. ડોનની ઊંચાઇ 1000 મીટરની છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને આજ કારણ છે કે અહીં પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.
ડોનનો ઇતિહાસ
આ હિલ સ્ટેશનનું નામ ડોન પડવા પાછળનો ઇતિહાસ ગામ લોકો પાસેથી જાણવા મળ્યો છે. તેમના અનુસાર અહલ્યા પર્વત પાસે ગુરુ દ્રોણનો આશ્રમ હતો. ગુરુ દ્રોણના આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. કાળક્રમે અંગ્રેજોના શાસન દરમિયાન દ્રોણનું અપભ્રંશ થઈને ડોન થઈ ગયું.
હનુમાનજી સાથે પણ છે સંબંધ
કહેવાય છેકે અહી અંજની પર્વત અને કુંડ આવેલો છે જેને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહી માતા અંજનીએ ભગવાન શિવની આરાધના કરી હતી. જેથી એક શિવલિંગ પણ છે અને આ ઉપરાંત અહી ભગવાન રામ અને માતા સીતાના પગલા અને ડુંગરના નીચલા ભાગે પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહીં ઝરણાં પર્વત પરથી વહીને નીચે ‘સ્વયંભૂ શિવલિંગ’ રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.
ઝરણાઓ અને વનરાજી
ડુંગરના ઢોળાવો ઉપર છવાયેલા ઘટાદાર જંગલોમાં વચ્ચે વચ્ચે અનેક જગ્યાએ ખળખળ વહેતા ઝરણાંમાં હાથ-પગ બોળવાનો રોમાંચ માણી શકાય. અહલ્યા ડુંગર પરથી વહેતાં ઝરણાં ચોમાસા દરમિયાન તળેટીના ભાગે એકઠા થઇને સરસ મઝાનું સરોવર રચે છે. પછી વળી અનેક પ્રવાહોમાં વહેંચાઇને પાણી આગળ વધે છે. પથ્થરો અને વૃક્ષોનાં વિશાળ થડ સાથે અથડાતાં અને વળાંક લેતાં ઝરણાં પર બે ઘડી આંખ ઠરી જાય છે. સામાન્ય રીતે કોઇપણ હિલ સ્ટેશનનું સૌથી મોટું આકર્ષણ તો તેના રસ્તાઓ જ હોય છે. ડોન સુધી પહોંચવાના રસ્તાઓ પણ અતી મોહક છે. અહીં પર્વતની પર ટોચ સુધી પહોંચવા માટે સુંદર વળાંકવાળા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જાણે કોઇ વિશાળકાય ઍનાકોન્ડા ડુંગરને વીંટળાઇ વળ્યો હોય તેવી રીતે આ પાકા રસ્તાઓ તમારા પ્રવાસને વધારે રોમાંચક બનાવી દેશે. રસ્તમાં પર્વત પરથી પડતા ઝરણાઓ અને નીચે દેખાતી ખીણના દ્રશ્યો તમારા મનને તરબતર કરી દેશે.
અહીંથી મહારાષ્ટ્ર રાજ્યના સટાણાં અને નાસિક જિલ્લાની હદ અડે છે. અહીં આદિવાસી સમુદાયના 1 700 લોકો વસવાટ કરે છે. તેઓ એકબીજાની સાથે ડાંગી ભાષામાં વાત કરે છે જે કુકણાં બોલી તરીકે પણ ઓળખાય છે. મહુડો ખાખરા સાગ, શાલ, શીસમ, ટીમરૂ, વાંસ અને કરંજ જેવા વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ડોન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતમજૂરી અને પશુપાલન છે. સાથે મહુડાનાં ફૂલ અને બી, ખાખરાનાં પાન, ટીમરૂનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી વિવિધ જંગલ પેદાશો તેમજ વાંસની પેદાશો દ્વારા આવક કરી રહ્યા હતા. હિલ સ્ટેશનની ઓળખ મળવાથી લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે.
ટ્રેકિંગ માટે ઉત્તમ
1000 મીટરની ઊંચાઇએ આવેલ ડોન સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચુ હોવા સાથે પર્વતનો ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે ઉત્તમ રહે છે. એટલે જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું ખરું, તેમજ હિલ સ્ટેશન તરીકે વિકસતા ડોનમાં તમને અહીં પેરાગ્લાઇડિંગ, પેરા રોઇલિંગ, ઝોર્બિંગ, ઝિપલાઇનિંગનો રોમાંચ માણવા મળે છે.
રહેવા-જમવાની સુવિધા
અહીં આદિવાસી સમુદાયના 1 700 લોકો વસવાટ કરે છે. અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે. અહીં વિવિધ પ્રકારનાં ભોજન આપતી રેસ્ટોરન્ટ પણ ખુલી છે. આ ઉપરાંત ચેન્જ ખાતર અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા પણ માણી શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે. આ ઉપરાંત, સાપુતારા હિલ સ્ટેશન માત્ર 50 કિલોમીટર દૂર હોવાથી ત્યાં અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ છે.
નજીકના જોવાલાયક સ્થળો
બરડા વોટરફોલ – 33 કિલોમીટર, શીવધાટ – 32 કિલોમીટર, સરોવર – 47 કિલોમીટર
ફરવા માટેનો બેસ્ટ ટાઇમ
આમ તો હિલ સ્ટેશન ફરવા માટે વર્ષનો કોઈપણ સમય બેસ્ટ જ હોય છે પરંતુ ખાસ કરીને ડોનની કુદરતી સુંદરતા જોવી હોય તો સપ્ટેમ્બરથી માર્ચ મહિના સુધી અહીં ફરવાની ખરી મજા આવે છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ફરવાની તેમજ ટ્રેકિંગની મુશ્કેલી નડી શકે છે.