લદાખ એ ભારતના કોઈ પણ પ્રવાસીનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. વિશાળ મોટા મેદાનો, હિમાલયના બર્ફીલા પહાડો અને જીવનમાં ભાગ્યે જ જોવા મળતું પ્રકૃતિનું સાવ અનોખું સ્વરૂપ! દેશના સૌથી ઉત્તરે આવેલું આ પ્રવાસન સ્થળ જાણે ભારતનું સર્વોચ્ચ પ્રવાસન સ્થળ છે. વળી, વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત વસાહત એવું લદાખ તેની વિશિષ્ટ ભૌગોલિક જગ્યાને કારણે પણ આખી દુનિયામાં એક ખાસ જગ્યા તરીકે ઊભરી આવે છે.
ખારડુંગ લા પરથી પસાર થઈને નુબરા વેલીની મુલાકાત અને ત્યાંથી શયોક નદીના કિનારે કુદરતના અદભૂત નજારા માણીને 4-5 કલાકની ડ્રાઈવ દ્વારા વિશ્વ-પ્રસિદ્ધ પેંગોંગ લેકની મુલાકાત. લદાખના પ્રવાસ દરમિયાન બે લાંબી મુસાફરી કરવાનો સમય એટલે લેહથી નુબરા તેમજ નુબરાથી પેંગોંગનો પ્રવાસ.
પેંગોંગ લેકની મુલાકાત:
સામાન્ય રીતે લદ્દાખ પ્રવાસ દરમિયાન બે પૈકી એક પ્રકારે પેંગોંગની મુલાકાત ગોઠવવામાં આવે છે. એક વિકલ્પમાં પેંગોંગ લેક પાસે 1-2 કલાક જેટલો સમય વિતાવીને લેહ જવું અથવા બીજો વિકલ્પ છે એક રાત પેંગોંગમાં જ રોકાવું.
નુબરા વેલીથી પેંગોંગ વચ્ચે આશરે 275 કિમીનું અંતર છે જે કાપતા અંદાજે 7.5 કલાક જેટલો સમય લાગે છે. આ રસ્તો લદાખની એક અત્યંત સુંદર શયોક નદીના કિનારે આવેલો છે. શયોક નદીને સમાંતર રસ્તે ફોટોગ્રાફી માટે ખૂબ સુંદર પોઇન્ટ્સ આવે છે. આ રસ્તો આગળ જતાં વિશ્વના ત્રીજા સૌથી ઊંચા રસ્તે, એટલે કે ચાંગ લા પાસ થઈને પેંગોંગ પહોંચે છે.
પરંતુ ક્યારેક એવું શક્ય છે કે શયોક નદીના પાણીનો પ્રવાહ વધી જવાથી આ રસ્તા પર અમુક જગ્યાઓને પાણી ભરાઈ જાય છે. આવા સમયે જ્યાં સુધી રસ્તો પાણી-મુક્ત ન થાય ત્યાં સુધી અહીં વાહનોની આવાં-જાવન સ્થગિત કરી દેવામાં આવે છે. હવે, લદ્દાખ ફરવા જઈએ અને મોસ્ટ આઇકોનિક પેંગોંગ લેકની જ મુલાકાત ન લઈએ એ તો કેમ ચાલે?
નિરાશ ન થશો, મુખ્ય માર્ગ બંધ હોવા છતાં પેંગોંગ જવા માટે અન્ય એક વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ છે!
પેંગોંગ જવા માટે વૈકલ્પિક રસ્તો:
વારી લા
લદ્દાખ વિશ્વની સૌથી ઊંચી વસાહત અને સિયાચીન વિશ્વનું સૌથી વિષમ યુદ્ધ-ક્ષેત્ર હોવાથી 'બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' દ્વારા અહીં અદભૂત રસ્તા બનાવવામાં આવ્યા છે. અને એટલે જ લદ્દાખમાં વિશ્વના તમામ સૌથી ઊંચા રસ્તાઓ આવેલા છે. તાજેતરમાં જ સિયાચીન બેઝ-કેમ્પથી આગળ જતાં સમુદ્રસપાટીથી 19,000 ફીટની ઊંચાઈએ ઉમલિંગ લા પાસ બનાવવામાં આવ્યો છે જેને વિશ્વનો સૌથી ઊંચો રસ્તો (હાઈએસ્ટ મોટરેબલ રોડ ઇન ધ વર્લ્ડ) હોવાનું બહુમાન મળ્યું છે.
આ જ યાદીમાં ખારડુંગ લા પાસ બીજા ક્રમે અને ચાંગ લા પાસ ત્રીજા ક્રમે આવે છે. વારી લા પાસ એ વિશ્વનો 13 માં ક્રમનો સૌથી ઊંચો રસ્તો છે. શયોક નદીવાળો રસ્તો બંધ હોય તેવા સમયે તે નદીના કિનારે આવેલા રસ્તાને બદલે વારી લા પાસ રસ્તેથી જઈને પેંગોંગ પહોંચવું એ નુબરાથી પેંગોંગ પહોંચવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
વારી લાના રસ્તે પ્રમાણમાં ઓછા પ્રવાસીઓ જતાં હોવાથી આ રસ્તો વધારે સુંદર છે, અહીં ઘણી જગ્યાએ સુંદર હરિયાળી પણ જોવા મળે છે જે લદાખમાં એક દુર્લભ લાભ ગણાય છે. વારી લાના રસ્તે પહાડી પ્રાણી યાક તેમજ મેરમૂઠ પણ જોવા મળે તેની શક્યતા ખૂબ વધી જાય છે.
વારી લા પાસના રસ્તે પેંગોંગ જવાનું અંતર આશરે 310 કિમી થાય છે અને તે માટે અંદાજે 9 કલાક જેટલો સમય લાગે છે તેથી જો શયોક નદીનો રસ્તો બંધ હોય તો નુબરાથી પેંગોંગ જવા માટે વહેલી સવારે પ્રવાસની શરૂઆત કરવી હિતાવહ છે.
9 કલાકની મુસાફરી બાદ પેંગોંગ પહોંચ્યા બાદ લેહ જવાનો કોઈ જ સમય રહેતો નથી, તેથી વારી લા પાસનો વિકલ્પ માત્ર એ લોકો માટે જ ખુલ્લો છે જે પેંગોંગમાં રાત્રિ-રોકાણ કરવા તૈયાર હોય.
પેંગોંગમાં રાત્રિ રોકાણ એ ઘણું પોસાય તેવું હોય છે પરંતુ સમુદ્રસપાટીથી 14,000 ફીટની ઊંચાઈ પર આવેલા પેંગોંગ ખાતે ઠંડીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. અલબત્ત જો શક્ય હોય તો લદ્દાખ પ્રવાસ દરમિયાન એક રાત પેંગોંગમાં રાત્રિરોકાણ અચૂક કરવું જોઈએ. પેંગોંગ ખાતે સંપૂર્ણ પ્રદૂષણ-રહિત વાતાવરણમાં તારા-દર્શન કરવું એ એક લ્હાવો છે.
બસ ત્યારે, તમારા લદ્દાખ પ્રવાસ દરમિયાન પેંગોંગ જવાના રસ્તે પાણી ભરાય તો નિશ્ચિંત રહેશો. વારી લા પાસ તમને એક યાદગાર મુસાફરી કરીને પેંગોંગ સુધી લઈ જશે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ