ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે

Tripoto

ભારતીય રેલવે એ ભારતીય પ્રવાસન ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન છે. ભારતમાં સૌથી વધુ મિલકતની માલિક પણ તે જ છે. આજે ભારતમાં દરરોજ કઈકને કઈક સકારાત્મક સર્જન કે પરિવર્તનો થઈ રહ્યા છે ત્યારે ભારતીય રેલવે પણ આ દિશામાં પૂર જોશમાં કાર્યરત છે.

આપણે સૌ એ વાતથી માહિતગાર છીએ કે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર રેલવે દ્વારા એક રેલ-બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું જે ભારત જ નહિ, પરંતુ આખા વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે. હવે, પ્રવાસ-પ્રેમીઓ માટે એક સારા સમાચાર એ છે કે આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે તેવી ભારતીય રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

તાજેતરમાં જ ભારતીય રેલવેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ (Ministry of Railways | @RailMinIndia) ચિનાબ રેલ-બ્રિજના અત્યંત ધ્યાનાકર્ષક ફોટોઝ મૂકીને તે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રવાસપ્રેમીઓ તેમજ સૌ ભારતીયોએ આ અદભૂત ફોટોઝને હોંશભેર વધાવી લીધા હતા.

ચાલો, આ પુલ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ:

Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal

ચિનાબ રેલ-બ્રિજ ક્યાં આવેલો છે?

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં જમ્મુ શહેરથી 108 કિમી દૂર આવેલા રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બક્કલ અને કૌરીની પહાડીઓ વચ્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે. અર્ધ ગોળ આકારનો એન્જિનિયરિંગની અજાયબી સમાન આ રેલ-પુલ વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર બનેલો પુલ હોવાનો વિશ્વ-વિક્રમ ધરાવે છે.

ભારતીય રેલવેના ઇતિહાસમાં ચિનાબ બ્રિજ એ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ તેમજ ઘણો જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.

Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal

અત્યાધુનિક ચિનાબ બ્રિજ પ્રોજેક્ટ વિશે કેટલીક રસપ્રદ વાતો:

- સ્ટીલ અને કોંક્રિટનો આ આર્ક-બ્રિજ (કમાન આકાર બ્રિજ) 1.3 કિમી જેટલો લાંબો છે.

- પુલ નીચે વહેતી ચિનાબ નદીથી 359 મીટર ઊંચાઈએ બનાવવામાં આવેલો હોવાથી તેને વિશ્વના સૌથી ઊંચા રેલ-બ્રિજ હોવાનું બહુમાન મળ્યું છે.

- ફ્રાંસના પેરિસ ખાતે આવેલા જગ-વિખ્યાત એફિલ ટાવરની સરખામણીએ ચિનાબ બ્રિજ 35 મીટર વધુ ઊંચાઈ ધરાવે છે.

- કુદરતી આપત્તિ સામે રેલ-બ્રિજની સુરક્ષાનું ધ્યાન રાખતા આ બ્રિજ 266 કિમી/ કલાકની ઝડપે વાવાઝોડું આવે તે સહવા સક્ષમ છે.

- આ બ્રિજ પર ટ્રેનની ઝડપ 30 કિમી/ કલાક જેટલી મર્યાદિત રાખવામાં આવી છે.

- ભારતમાં ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા વિસ્તારો એટલે કે Zone 5માં જમ્મુ-કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. તેથી આ પુલ મહત્તમ તીવ્રતાના ભૂકંપ સામે અડીખમ રહી શકે છે.

- આ બ્રિજના નિર્માણમાં 28,660 MT સ્ટીલ, 10 લાખ કિલો જેટલી માટી અને 66000 કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- પુલને અર્ધ-ગોળ આકાર આપવા માટે સ્ટીલના બોક્સ બનાવવામાં આવ્યા છે અને વધુ મજબૂત બનાવવા આ સ્ટીલના બોક્સમાં કોંક્રિટ ભરવામાં આવ્યું છે.

- ઉપયોગમાં લેવાયેલું સ્ટીલ -10°Cથી 40 °C જેટલું તાપમાન સહી શકવા સક્ષમ છે.

- આર્ક (કમાન)નું કુલ વજન આશરે 10,600 MT જેટલું છે.

- આ પુલમાં ભારતીય રેલ્વે દ્વારા પ્રથમ વખત ઓવરહેડ કેબલ ક્રેન્સ દ્વારા કમાનના વિવિધ ભાગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

- બાંધકામના વ્યવસ્થિત ડિટેલિંગ માટે એક ઉત્કૃષ્ટ સોફ્ટવેર 'Tekla'નો ઉપયોગ કરાયો છે.

Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal
Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal
Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal
Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal

ચિનાબ બ્રિજની મુલાકાત લેવા માટે અમારું સૂચન:

જ્યારે પણ આ રેલ-બ્રિજ કાર્યરત બને ત્યારે તેની મુલાકાત લેવા આપણે સૌ રોમાંચિત હોવાના જ! પણ અહીં કેવી રીતે જઈ શકાય?

જમ્મુથી અંતર: 108 કિમી

કતરાથી અંતર: 66 કિમી

આ બ્રિજની નજીકમાં એક પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે જ્યાંના પ્રવાસ દરમિયાન માત્ર અમુક વધારે કલાક ટ્રાવેલ કરીને આ બ્રિજની મુલાકાત લઈ શકાય છે. જી હા, તે સ્થળ એટલે જમ્મુ નજીક આવેલું માતા વૈષ્ણોદેવી મંદિર. વૈષ્ણોદેવી મંદિર જ્યાં આવેલું છે તે કતરાથી આ બ્રિજ માત્ર 66 કિમી અંતરે આવેલો છે જે કાપતા 2 કલાક જેટલો સમય લાગે છે.

Photo of ચિનાબ બ્રિજ, જમ્મુ-કાશ્મીર: જાણો વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ વિશે by Jhelum Kaushal

ચિનાબ રેલ-બ્રિજ પરથી ટ્રેન પસાર થવાની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ જેમ આપણે દેશના તમામ નોંધનીય બાંધકામની મુલાકાત લેવાનું આયોજન કરીએ છીએ તેમ ચિનાબ બ્રિજની પણ મુલાકાત લેવી જ રહી!

Bridge information source: The Tatva

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads