એડવેંચરસ પ્રવાસ હંમેશા કેટલા આકર્ષક હોય છે, નહિ? આખી દુનિયામાં એવા અઢળક પ્રવાસન સ્થળો હશે જેનું આકર્ષણ ત્યાંની પ્રસિદ્ધ અને લોકપ્રિય એડવેંચર એક્ટિવિટી જ હોય! ધારો કે જો ભારતની વાત કરીએ તો હિમાલયમાં ટ્રેકિંગ, અંદામાનમાં સ્કૂબા ડાઈવિંગ, બિરમાં પેરા-ગ્લાઇડિંગ, ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ, વગેરે વગેરે પ્રવૃત્તિઓનો અહીં પ્રવાસ કરતાં પ્રવાસીઓમાં વિશેષ રોમાંચ હોય છે.
આવી અનેકવિધ એડવેંચરસ એક્ટિવિટીઝમાં ભારતમાં હજુ કોઈ એક્ટિવિટી શરૂઆતના જ તબક્કામાં હોય તો તે છે હોટ એર બલૂન.
વિદેશમાં વિવિધ જગ્યાએ હવામાં ઉડતા ભવ્ય રંગબેરંગી હોટ એર બલૂન આપણે સૌએ ટીવીમાં જોયા જ હશે પરંતુ તેનો અનુભવ હવે આપણા ઘર આંગણે પણ શક્ય છે. હા, અન્ય રોમાંચક પ્રવૃત્તિઓની તુલનાએ હોટ એર બલૂન એક્ટિવિટીનું ભારતમાં આગમન થતાં ઘણો સમય લાગ્યો પરંતુ હવે આ પ્રવૃત્તિ દેશમાં અનેક જગ્યાઓએ ઘણી સફળતાપૂર્વક લોકપ્રિય બની રહી છે. ચાલો, ભારતમાં વિવિધ જગ્યાઓએ થતી હોટ એર બલૂન એક્ટિવિટી વિશે જાણીએ.
(આખો લેખ છેલ્લે સુધી વાંચશો, ગુજરાતમાં હોટ એર બલૂન એક્ટિવિટી વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે.)
મહારાષ્ટ્ર – લોનાવાલા
મહારાષ્ટ્રમાં લોનાવાલા ખાતે હરિયાળા પર્વતો પર 4000 ફીટની ઊંચાઈ પર હોટ એર બલૂન એક્ટિવિટી થાય છે. મુંબઈ તેમજ તેની આસપાસ રહેતા લોકોએ નજીકના ભવિષ્યમાં કોઈ પણ આઉટિંગ નક્કી કરે ત્યારે આ એક્ટિવિટીને અવશ્ય અજમાવવી જોઈએ. અહીં 1 કલાક હોટ એર બલૂન એક્ટિવિટી માટે પ્રતિ વ્યક્તિ 6000 – 12000 રૂ જેટલો ખર્ચ થાય છે.
મધ્ય પ્રદેશ – ભોપાલ
રાજ્યના પાટનગર ભોપાલનો એરિયલ (આકાશી) નજારો માણવો હોય તો તે માટે અહીં હોટ એર બલૂન એક્ટિવિટી ઉપલબ્ધ છે. શહેરના જીત સ્ટેડિયમ ખાતે આ એક્ટિવિટી થાય છે અને અંદાજે ટેક ઓફથી માંડીને લેન્ડ થવામાં આશરે 2 કલાક જેટલો સમય લાગે છે.
ઉત્તર પ્રદેશ – આગ્રા
સફેદ આરસના બનેલા ભારતના એક અત્યંત જાણીતા સ્મારકને હોટ એર બલૂનમાં બેસીને નિહાળવાની તક મળે તો એ કેટલી રોમાંચક ક્ષણ હોવાની! આગ્રા ખાતે તમે 500 ફીટની ઊંચાઈએથી તાજ મહેલને તદ્દન અનોખી રીતે નિહાળી શકો છો. આ હોટ એર બલૂન એક્ટિવિટી લગભગ 20થી 25 મિનિટ જેટલી ચાલે છે અને તે માત્ર 500થી 750 જેટલા રુમાં થાય છે.
ગોવા
ભારતમાં યુવા વર્ગ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતી કોઈ જગ્યા હોય તો તે છે ગોવા. દરિયાકિનારે રંગબેરંગી વસ્ત્રોમાં રંગીન મિજાજી યુવાનો ભરપૂર મજા કરવાના ઉદ્દેશથી ગોવા આવે છે. હવે આમાં જો હોટ એર બલૂન એક્ટિવિટીનો રોમાંચ ઉમેરાય તો??? હા, અહીં પણ એકાદ કલાક જેટલો સમયમાં તમે 4000 ફીટની ઊંચાઈ પર હોટ એર બલૂન એક્ટિવિટી કરી શકો છો. અલબત્ત, અહીં તેનો ભાવ આશરે 14000 રૂ જેટલો છે.
હિમાચલ પ્રદેશ – મનાલી
હિમાલયના બર્ફીલા પહાડોનો હોટ એર બલૂનમાંથી મળતા નજારાની જરા કલ્પના તો કરો! કલ્પના સુદ્ધાં રોમાંચિત કરી દેશે! મનાલીમાં હોટ એર બલૂન એક્ટિવિટી ઉપલબ્ધ છે ખરા અર્થમાં અવિસ્મરણીય અનુભવ કરાવવા સક્ષમ છે. મનાલીમાં અન્ય અનેક ખૂબસૂરત જગ્યાઓ જોવા જરૂર જજો, પરંતુ આ તમામ જગ્યાઓને આકાશમાંથી નિહાળવાની તક ન ચૂકશો. અહીં તે માટે 1000 રૂ જેટલો ખર્ચ થાય છે.
કર્ણાટક – હમ્પી
ઐતિહાસિક હમ્પીના મંદિરો આમ જ ખૂબ જ સુંદર દેખાય છે, તો પછી તેને હોટ એર બલૂનમાંથી માણવાની તક મળે તે પણ અવશ્ય અજમાવવી જોઈએ. અહીં 500 મીટર જેટલી ઊંચાઈ પરથી હમ્પીમાં રહેલા અદ્ભુત ઐતિહાસિક અવશેષો જોવાનો અવર્ણનીય લ્હાવો મળે છે. આ એક્ટિવિટી 60થી 80 મિનિટ જેટલો સમય લે છે અને તેમાં 8થી 10 હજાર જેટલું ભાડું છે.
રાજસ્થાન – પુષ્કર અને જયપુર
આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તમે પુષ્કર અને જયપુરમાં હોટ એર બલૂન એક્ટિવિટી કરી શકો છો. 4000 ફીટની ઊંચાઈ પરથી તમને જાજરમાન રાજમહેલ, ઐતિહાસિક કિલ્લાઓ તેમજ અનેક સરોવર અને સમગ્ર શહેરના અત્યંત મનમોહક નજારાઓ જોવા મળશે. તેની ફી પણ 6થી 12 હજાર રૂ છે.
ગુજરાત – કચ્છનું રણ - કચ્છ
કચ્છ રણોત્સવ ખાતે જોવા મળતી અનેક રસપ્રદ પ્રવૃત્તિઓમાં હવે હોટ એર બલૂનનો પણ ઉમેરો થયો છે. કપલ્સ, મિત્રો કે પરિવારજનો – રણોત્સવની મુલાકાત લેતા કોઈ પણ પ્રવાસીએ ધોરડો ટેન્ટ સિટી ખાતે થતી હોટ એર બલૂન એક્ટિવિટી અવશ્ય અજમાવવી જોઈએ. હજાર ફીટની ઊંચાઈ પરથી સફેદ રણની સુંદરતા વધારવા સાચે જ શબ્દો પણ ઓછા પડે.
હોટ એર બલૂન એક્ટિવિટી કરતાં પહેલા આ મુદ્દાઓ પર અવશ્ય ધ્યાન આપશો:
આ એક્ટિવિટી ટ્રાય કરતાં પહેલા તે શું હોય અને કેવી રીતે તે કરવામાં આવે છે તે વિશે પૂરતું સંશોધન કરો.
આ એક્ટિવિટી માટે હળવો પવન હોય તે હિતાવહ છે, તોફાની વાતાવરણમાં ક્યારેય હોટ એર બલૂન એક્ટિવિટી ન કરવી.
જ્યારે બલૂન નીચે આવી રહ્યો હોય ત્યારે તેમાં દોરા-વાયર વગેરેથી કાળજીપૂર્વક અંતર રાખવું.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ