‘ગામડું’ એટલે એક પછાત વિસ્તાર જ્યાં કાચા, જુના મકાનો હોય, જ્યાં એકાદ-બે એસટીડી બૂથ હોય, લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું દૂર જીવન જીવી રહ્યા હોય. સાચી વાત ને? ગામ શબ્દ સાંભળીને આપણા માનસપટ પર એક ચોક્કસ ઇમેજ ઊભી થઈ જાય. પણ તમારી ધારણા કરતાં અનેકગણું આગળ છે ગુજરાતનું આ ગામ અકોદરા.
અકોદરા: ગુજરાતનું એક અનોખું ગામ!
જરા કલ્પના કરો, ગામડાંની કાચી સડકો પર ચાલતા ચાલતા તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને ભૂખ લાગી. કોઈ દુકાનમાંથી બિસ્કિટનું પેકેટ ખરીદ્યું પણ તમારી પાસે છૂટ્ટા પૈસા નથી. તરત જ દુકાનદાર તેનો QR કોડ તમારી સામે ધરી દે તો?
તમને હજુ નવાઈ લાગે એ પહેલા જ તેણે મોબાઈલમાં UPIથી પેમેન્ટ કેવી રીતે કરવું તે પદ્ધતિ પણ સમજાવી દીધી! તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને તેને નાણાં ચુકવ્યા અને તેણે હસીને તમને બિસ્કિટનું પેકેટ આપ્યું.
તમે એક જગ્યાએ બેસીને તે ખાઈ રહ્યા છો ત્યાં જ તમારા ફોનમાં કોઈનો વિડીયો કોલ આવે છે. તમને એવી અપેક્ષા હતી કે ગામડામાં સરખું નેટવર્ક નહિ પકડાય પણ અહીં તો આ ગામના વાઇ-ફાઈ સાથે તમારો ફોન કનેક્ટ થઈ ગયો છે અને ખૂબ સારી સ્પીડ આવી રહી છે!
અકોદરા ગામમાં તમારું સ્વાગત છે!
અહીં રોજ દૂધ લેવા જતી સ્ત્રીઓ દુકાનદારના ચોપડે પોતાની ખરીદીનો હિસાબ રખાવે છે અને નિયમિત રીતે તેનું ઓનલાઈન પેમેન્ટ કરે છે.
અહીં ખેડૂતોને પાણીના ભાવે પોતાનો પાક નથી વેચવો પડતો. રોજ મંડીમાં જઈને તે વેચાણ કરી શકે છે અને પોતાના એકાઉન્ટમાં પૈસા મેળવી લે છે.
ગામમાં બેન્ક અને પૂરતી સંખ્યામાં એટીએમ પણ છે જેથી ગામના લોકોને ઘરમાં રોકડ સાચવવાની કોઈ ચિંતા રહેતી નથી. નાનામાં નાની ખરીદી માટે પણ તેઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે.
વર્ષ 2015માં આઇસીઆઇસીઆઇ બેન્કએ અકોદરા ગામને ડિજીટાઈઝ કરવા માટે દત્તક લીધું હતું. તેના ભાગ રૂપે આ બેન્ક દ્વારા જ ગામના લોકોને બેન્ક, એટીએમ, વાઇ-ફાઈ અને બાળકોને ટેબલેટ જેવી સુવિધાઓ આપવામાં આવી.
વર્ગખંડમાં બાળકોની હાજરી પૂરવા માટે ડિજિટલ ઉપકરણ છે. જો બાળક વર્ગમાં હાજર ન હોય તો આપોઆપ તેના માતા-પિતાને મેસેજ જતો રહે છે. બાળકોની શિક્ષા અને સુરક્ષા સંદર્ભે આ એક ઘણું પ્રશંસનીય પગલું કહી શકાય. શાળાઓમાં ભણાવવા માટે પણ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે.
સૌથી નજીકનું રેલવે સ્ટેશન હિંમતનગર અહીંથી 11 કિમી દૂર છે જ્યારે સૌથી નજીકનું સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર 80 કિમી દૂર છે. વળી, આ ગામ આસપાસના તમામ નાના-મોટા શહેરો સાથે પાક્કા રસ્તે જોડાયેલું છે.
અકોદરા ગામની જેમ જ આપણા દેશના હજારો ગામડાઓ પૈકી કેટલાક ગામડાઓને કોઈ કંપનીઓ દત્તક લે તો ત્યાંનાં લોકોનાં જીવનધોરણમાં પણ ઘણો નોંધપાત્ર સુધારો શક્ય છે.
શું તમે આવા કોઈ ડિજિટલી એડવાન્સ ગામ વિશે જાણો છો? અમને કમેન્ટ્સમાં જણાવો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ