જો તમે કોઈ એવુ વેકેશન સ્પોટ શોધી રહ્યા છો જ્યાં શાંતિ અને ઘણા કુદરતી દૃશ્યો જોઈ શકો, તો મસૂરી તમારા માટે યોગ્ય સ્થળ છે. મસૂરી ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં આવેલું હિલ સ્ટેશન છે. મસૂરી તમે જાઓ તો એકતરફ ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો તો બીજી તરફ ઊંડી ખીણો તમારા સફરને રોમાંચિત કરી દે છે. મસૂરીમાં સિઝનની પહેલી બરફવર્ષાની મજા જ કઈક અલગ હોય છે. મસૂરી, જેને હિલ્સની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે; દરિયાની સપાટીથી 7000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને અહીં બારેમાસ ઠંડુ, સુખદ વાતાવરણ રહે છે. મસૂરીની પ્રાચીન, કુદરતી સુંદરતા તેને હનીમૂન કપલ્સ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. અહીં તમે ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો.
સસ્તામાં મસૂરી કેવી રીતે જશો
મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. દિલ્હીથી દેહરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસથી મસૂરી પહોંચો. મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. તમે અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી દહેરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસમાં મસૂરી પહોંચી શકાય છે. આ ઉપરાંત, અમદાવાદથી દિલ્હી કે સીધી હરિદ્વારની ટ્રેન જાય છે. હરિદ્વારથી મસૂરી બસમાં જઇ શકાય છે.
જો તમે અમદાવાદથી હરિદ્વારની ટ્રેનમાં હરિદ્વાર જશો તો સ્લીપર ક્લાસનું ભાડું 545 રૂપિયા થશે. ત્યાંથી બસ કે ટેક્સી કરીને મસૂરી જઇ શકાય છે. લકઝરીમાં વ્યક્તિ દીઠ 1000 રૂપિયા ભાડું છે.
રહેવાની વ્યવસ્થા
જો તમારે દિવાળી સિવાય મસૂરી જવું હોય તો તમને 1000 રૂપિયામાં લેન્ડોર રેસિડેન્સી, હોટલ બ્રોડવે, હોટલ નટરાજ પેલેસ, હોટલ સરતાજ, હોટલ જૈન રિજન્સી જેવી ઘણી બજેટ હોટલ મળી જશે. જો તમારે મસૂરી ન રોકાઇને હરિદ્વારમાં રોકાવું હોય તો 500 રૂપિયામાં ધર્મશાળા કે આશ્રમ પણ મળી જશે. જેમાં હોટલ જેવી વ્યવસ્થા હોય છે અને ફેમિલીના રહેવા માટે સેફ પણ હોય છે. ઋષિકેશમાં પણ આવા અનેક આશ્રમો છે. આ ઉપરાંત, નજીકમાં દહેરાદૂન પણ છે ત્યાંથી મસૂરી માંડ 35 કિલોમીટર દૂર છે. તો તમે દહેરાદૂનમાં પણ સસ્તામાં રહી શકો છો. ઓનલાઇન સર્ચ કરશો તો દહેરાદૂનમાં ઘણી બજેટ હોટલ મળી રહેશે.
જમવાનો ખર્ચ
મસૂરીમાં પણ તમે 100 રૂપિયામાં વેજ થાળી જમી શકો છો. ધાબા પર તમને આ પ્રકારની થાળી મળી રહેશે. બે વ્યક્તિનો જમવાનો ખર્ચ દિવસના 500 થી 600 રૂપિયા થશે.
કુલ કેટલો ખર્ચ થાય
અમદાવાદથી બે વ્યક્તિનું ટ્રેનનું ભાડું 2200 રૂપિયા, રહેવાનો બે દિવસનો ખર્ચ અંદાજે 1600 રૂપિયા, જમવાનો 1000 રૂપિયા ખર્ચ થશે. હવે જો તમારે હરિદ્વારથી ટ્રેનમાં દહેરાદૂન જવું પડશે જેનું ભાડું માત્ર દોઢસો રૂપિયા છે. દહેરાદૂનથી મસૂરીની બસ મળી જશે જેનું ભાડું 80 થી 100 રૂપિયા થશે. એટલે બે વ્યક્તિનો કુલ મળીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 1000 રૂપિયા થશે. મસૂરી ફરવા માટે 500 રૂપિયામાં એક્ટિવા ભાડે લઇ લો. દહેરાદૂનથી પણ સ્કૂટી મળી જશે. બે દિવસના 1000 રૂપિયા થશે. એટલે કુલ મળીને મસૂરીની બે દિવસની ટ્રિપ રહેવા-જમવા સાથે 6800 રૂપિયા થાય. હવે આમાં બ્રેક ફાસ્ટ અને કોઇક જગ્યાએ એન્ટ્રી ટિકિટના પૈસા ગણીએ તો સરવાળે 10 હજારથી વધુ ખર્ચ નહીં થાય.
ફરવાની જગ્યાઓ
મસૂરી લેક, કેમ્પ્ટી ફૉલ્સ, દેવ ભૂમિ વેક્સ મ્યૂઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઇસ્ટ ચર્ચ, ભટ્ટા ફૉલ્સ, મોસી ફૉલ્સ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ વગેરે મસૂરીમાં ફરવાની જગ્યાઓ છે.
કેમ્પ્ટી ફૉલ્સ
કેમ્પ્ટી ફૉલ્સ મસૂરીનું સૌથી મોટુ ટૂરિસ્ટ એટ્રેક્સન છે. દરેક મોસમમાં અહીં પર્યટકોની ખાસ્સી-એવી ભીડ જમા રહે છે. ખાસ કરીને ગરમીઓમાં તો અહીં પગ મૂકવો મુશ્કેલ થઇ જાય છે. અહીં વૉટરફોલ નજીક જઇને ન્હાવાની મજા જ કંઇક અલગ છે. આમ તો જો તમારે કેમ્પ્ટી ફૉલ્સનો આનંદ લેવો છે તો ત્યાં જરૂર જાઓ, જ્યાંથી આ વૉટરફોલ શરૂ થઇ રહ્યો છે.
લાલ ટિબ્બા
મસૂરીનાં સૌથી ઉંચા શિખરની વાત કરીએ તો લાલ ટિબ્બાનું નામ સૌથી પહેલા આવે છે. અહીંના પહાડના રંગ લાલ હોવાના કારણે આનું નામ લાલ ટિબ્બા રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો આને ડિપો હિલના નામથી પણ ઓળખે છે. લાલ ટિબ્બાની ઉંચાઇ એટલી છે કે અહીંના શિખરથી તમે દૂરબીનની મદદથી ગંગોત્રી, બદ્રીનાથ, નંદાદેવી અને શ્રીકંતાના શિખરો પણ જોઇ શકો છો.
મસૂરી સરોવર
મસૂરી સરોવર એક કુત્રિમ સરોવર છે જેને સિટી બોર્ડ તેમજ દહેરાદૂન વિકાસ પ્રાધિકરણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સરોવર મસૂરીથી 7 કિલો મીટર દૂર દહેરાદૂન માર્ગ પર નિર્મિત છે.
ગનહિલ
ગનહિલ સમુદ્ર સપાટીએથી 2024 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગનહિલ મસૂરીનું બીજું સૌથી ઉંચુ શિખર છે. ગનહિલથી સૂરજની ઝલક જોવા મળે છે. અહીંથી જુવો તો બરફથી ઢંકાયેલા બરફના ઝાડ ઘણાં જ મનમોહક લાગે છે. ગનહિલનું લોકપ્રિય વર્ણન ગનહિલના ઇતિહાસથી જાણી શકાય છે. પ્રાચીન કાળમાં જ્યારે ઘડિયાળ નહોતી તે સમયે ગનહિલ શિખર પર ગન ચલાવાતી હતી. જેનાથી અહીંના નિવાસીઓને સમયનું જ્ઞાન થઇ જતું હતું. ત્યારથી આ શિખરનું નામ ગનહિલ પડી ગયું.
સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ
સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ 18મી શતાબ્દીમાં ભારતના સર્વેયર જનરલ રહેલા સર જ્યોર્જ એવરેસ્ટનું ઘર હતું. અહીં રહીને જ જ્યોર્જે ભારતના ઘણાં ઉંચા શિખરોની શોધ કરી અને તેમને નકશા પર કોતર્યા. માઉન્ટ એવરેસ્ટના સૌથી ઉંચા શિખરની શોધ સર જ્યોર્જે જ કરી હતી. ત્યારબાદ આ પર્વતનું શિખર સર જ્યોર્જ એવરેસ્ટના નામ પર રાખવામાં આવ્યું છે. મસૂરીમાં ગાંધી ચોકથી ફક્ત 6 km ના અંતરે આવેલું સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ આજે પ્રવાસીઓ માટે એક રેસ્ટોરન્ટ તરીકે ફેરવી નાંખવામાં આવ્યું છે. અહીંથી પહાડોના ઘણાં જ મનોરમ દ્રશ્ય પર્યટકોને જોવા મળે છે. ઘણાં લોકો તેને ‘પાર્ક એસ્ટેટ’ના નામથી પણ ઓળખે છે.
તિબેટિયન મંદિર
તિબેટિયન મંદિર બૌદ્ધ સભ્યતાનું અનુપમ ઉદાહરણ છે. આ મંદિર પ્રવાસીઓને દૂરથી જ પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવાય છે કે તિબેટથી ભારત આવ્યા બાદ બૌદ્ધ ધર્મ ગુરુ દલાઇ લામાએ મસૂરીના આ જ સ્થળે શરણ લીધી હતી.
ધ મૉલ રોડ
આ મસૂરીના મુખ્ય બજારોમાંનું એક છે. આને લોકો મૉલ રોડના નામથી પણ ઓળખે છે. મસૂરીના મોટાભાગના ફેમસ મુખ્ય સ્ટોર માલ રોડ પર જ આવેલા છે. તમને કપડાથી લઇને વીજળીના ઉત્પાદનો સુધી દરેક પ્રકારની વસ્તુઓ અહીં મળી જશે. આ બજાર લાયબ્રેરી પૉઇન્ટથી શરૂ કરીને પિક્ચર પેલેસ સુધી જાય છે. આ બજાર અંદાજે 2 કિલોમીટર લાંબા ક્ષેત્રમાં ફેલાયેલું છે.
બેનોગ વન્યજીવ અભયારણ્ય
ચારેબાજુ ગાઢ જંગલોથી ઘેરાયેલું બેનોગ વન્યજીવ અભયારણ્યમાં તમે ઘણાં એવા પક્ષીઓ જોઇ શકો છો જે વિલુપ્ત થવાની અણીએ છે. જુદાજુદા પક્ષીઓ ઉપરાંત અહીં તમને દિપડા, હરણ, રીંછ અને હિમાલયન બકરીઓ જોવા મળશે. આ સ્થાન મસૂરીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું છે. અહીં આવતા પહેલા આપને જણાવી દઉં કે આ જગ્યા સવારે 5 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે સાથે જ અહીં પાલતુ પ્રાણીઓને લાવવાની સખત મનાઇ છે.
મસૂરી જવાનો યોગ્ય સમય
મસૂરી જવાનો સૌથી સારો સમય ગરમીની સીઝન છે. ઠંડીની ઋતુમાં સ્નોફૉલની મજા લેવા માટે પણ મસૂરી આવી શકાય છે. તો તમે કોઇપણ જાતની પરેશાની વગર મસૂરી ફરવા માંગો છો તો તમારે માર્ચથી જૂનની વચ્ચે મસૂરી આવવું જોઇએ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો