લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાનું હોય ત્યારે દરેક યુવતી માનસિક રીતે તો તૈયાર હોય જ છે, પણ તેનો પ્રેક્ટિકલ અનુભવ કેવો હશે તે સમય આવે જ ખબર પડે છે. નવી જગ્યાએ જવું ખૂબ જ રોમાંચક હોય છે, અને સાથોસાથ ચેલેન્જિંગ પણ એટલું જ. આ લેખમાં આવા જ એક અનુભવનુ વર્ણન કરવામાં આવ્યું છે.
ઓવર ટૂ પૂર્વા ઠક્કર દાવડા..
મે 2019 માં મેરેજ થયા બાદ હું જૂન પ્રથમ સપ્તાહમાં અમદાવાદથી 19 કલાકની મુસાફરી કરીને મારા હસબન્ડ પ્રતિક સાથે ઓસ્ટ્રેલિયા આવી. જૂન અને જુલાઇ એ ઓસ્ટ્રેલિયામાં, ખાસ તો મેલબોર્નમાં, સૌથી ઠંડા મહિનાઓ હોય છે જે મને પડેલી સૌથી પહેલી મુશ્કેલી હતી.
હું મૂળ ભાવનગરની અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ રહેતી એટલે સખત ગરમીની ટેવ પડી ગઈ હતી. હું જ્યારે પહેલી વાર મેલબોર્નમાં આવી ત્યારે ત્યાંનું તાપમાન 6 ડિગ્રી હતું. મારા માટે અસહ્ય!
અમે ઘર રેન્ટ પર લીધું અને તે માટે તમામ જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે બહાર જવા માટે હું પાંચ સ્વેટર પહેરીને નીકળતી. અલબત્ત, આજે હું અહીંના વાતાવરણથી ટેવાઇ ગઈ છું. બાકીના મહિનાઓમાં એવી અસહ્ય ઠંડી પણ નથી પડતી પણ શરૂઆતનો સમય મારા માટે ખૂબ જ અઘરો હતો.
હું બરાબર અંગ્રેજી બોલી અને સમજી શકું છું પણ વિદેશી લોકો સાથે અંગ્રેજીમાં વાતો કરવી આટલું મુશ્કેલ હશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. મારામાં આત્મવિશ્વાસ ઓછો અને નર્વસનેસ વધારે હતી. હસબન્ડ સતત તો સાથે ન જ રહી શકે એટલે કોઈ પણ સુપરમાર્કેટમાં કે અન્ય જગ્યાઓએ ખરીદી કરવા જાઉં તો સ્થાનિકો સાથે વાત કરવામાં બહુ જ તકલીફ પડતી.
મેલબોર્નમાં મને સ્થાનિકોનો પૂરતો સહકાર મળ્યો છે. અને કદાચ એટલે જ હું અહીં અભ્યાસ, નોકરી તેમજ મારો ગુજરાતી નાસ્તાનો બિઝનેસ બધું જ નિર્વિઘ્ને કરી શકું છું.
ઓસ્ટ્રેલિયાની છાપ રેસિઝમ (રંગભેદ) માટે ખૂબ જ ખરાબ છે. ઘણા ભારતીયો સાથે અહીં પુષ્કળ ભેદભાવ થયો હોવાના ઉદાહરણ છે. મારા પર ઈશ્વરના આશીર્વાદ છે કે બે વર્ષમાં એક પણ વાર મારે રેસિઝમનો સામનો કરવાનો સમય નથી આવ્યો.
મેલબોર્ન ઘણું મોટું શહેર છે અને અમે શહેરના મુખ્ય વિસ્તારથી થોડા દૂર રહીએ છીએ. કુદરતી સુંદરતાની વાત કરું તો હું આટલી સુંદર જગ્યાએ ક્યારેય નથી રહી. અમારા ઘરની નજીકમાં જ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી હોય તેવી પુષ્કળ જગ્યાઓ છે. કોવિડ લોકડાઉનમાં બહુ દૂર જવું શક્ય નહોતું તેવામાં અમે મેલબોર્નની આસપાસમાં ઘણા પ્રવાસો કર્યા છે.
.