જમ્મૂ-કાશ્મીરમાં એક રસ્તો છે ઘણો જુનો અને ઘણાં જ સુંદર દ્રશ્યોથી ભરેલો છે. આ રસ્તાને ઘણાં ઓછા લોકો વાપરે છે અને તે રસ્તાનું નામ છે, મુગલ રોડ. મુગલ રોડને નમક રોડના નામથી પણ ઓળખવામાં આવે છે. બહુ પહેલા આ જગ્યા કાશ્મીરથી પાકિસ્તાન જવામાં ઉપયોગમાં આવતી હતી પરંતુ હવે આ કાશ્મીરની સુંદરતાને દર્શાવવા માટે જાણીતી છે. એડવેંચર પસંદ અને દરેક રખડુએ એક વાર મુગલ રોડની યાત્રા જરુર કરવી જોઇએ.
મુગલ રોડ કાશ્મીરના બે જિલ્લાઓને પરસ્પર જોડે છે. મુગલ રોડ પૂંછના બફલિઆજ પ્રાંતથી શોપિયાં જિલ્લા સુધી છે. આમ તો મુગલ રોડનું કુલ અંતર 300 કિ.મી.થી વધારે છે પરંતુ હવે પૂંછથી શોપિયાં જિલ્લા સુધીના રસ્તાને જ મુગલ રોડના નામથી ઓળખવામાં આવે છે. પુંછથી શોપિયાં સુધી મુગલ રોડનું કુલ અંતર 84 કિ.મી. છે. મુગલ રોડની યાત્રા દરમિયાન બેહરામગલ્લા, ચંદીમાર, પોશાના, ચત્તાપાની, પીરની ગલી અને અલીબાદ જેવી જગ્યાઓ મળશે.
મુગલ રોડ
આ રસ્તાને મુગલ રોડ કેમ કહેવાય છે? આ એ જ રસ્તો છે જયાંથી મુગલ સમ્રાટ અકબર પહેલીવાર કાશ્મીર ગયા હતા. ત્યાર બાદ મુગલ બાદશાહ જહાંગીર. તેમના પછી શાહજહાં અને ઔરંગઝેબ પણ આ જ માર્ગે કાશ્મીરની સફર કરી હતી. ઘણાં મુગલ બાદશાહ આ રસ્તા પરથી પસાર થયા છે એટલા માટે આનું નામ મુગલ રોડ રાખવામાં આવ્યું. મુગલ રોડ પર ઓછી ગાડીઓ, ઓછા લોકો જોવા મળશે પરંતુ સુંદરતા એવી કે દિલ ખુશ થઇ જાય.
કેમ કરવી જોઇએ મુગલ રોડની યાત્રા?
મુગલ રોડ કાશ્મીરના રિમોટ અને ઘણાં અંદરના ભાગમાંથી પસાર થાય છે. એવામાં તમે એવા કાશ્મીરને જોઇ શકો છો જેના અંગે ઘણાં ઓછા લોકો જાણે છે.
અસલ કાશ્મીર તમને મુગલ રોડ પર યાત્રા દરમિયાન જોવા મળશે. મુગલ રોડની સફરમાં કાશ્મીરની સુંદરતા જોઇને દંગ રહી જશો. એવું કાશ્મીર કદાચ જ તમે જોયું હશે.
મુગલ રોડ રુટ
મુગલ રોડની યાત્રા કરવા માટે તમારે જમ્મૂથી શ્રીનગર સુધીની યાત્રા કરવી પડશે. જમ્મૂથી મુગલ રોડના બફ્લિઆજ નગર સુધીના રસ્તામાં સંદરબની, નૌશેરા અને રાજૌરી મળશે. બફ્લિઆજ પ્રાંત પૂંછ જિલ્લામાં આવે છે અને અહીંથી જ મુગલ રોડ શરુ થાય છે. મુગલ રોડ પર આવતા જ કાશ્મીરની સુંદરતાની ઝલક તમને જોવા મળશે. થોડાક સમય પછી તમે ચંદીમઢ પહોંચી જશો.
ચંદીમઢ પછી રસ્તો થોડોક ખરાબ થવા લાગે છે અને મુસાફરી મુશ્કેલ થવા લાગે છે. મુગલ રોડ સૌથી મુશ્કેલ અને ખતરનાક રસ્તાઓમાંનો એક છે એટલા માટે અહીં સંભાળીને ચલાવવાની જરુર છે. તમે પહાડોના રસ્તાઓમાં ગુમ થઇ જશો. થોડાક સમય પછી સુંદર રસ્તા પર પહોંચી જશો. ત્યારપછી તમે પીરની ગલી પાસેથી પસાર થશો. આ જગ્યાનું નામ સ્થાનિક સંત બાબા શેખ કરીમના નામ પર પડ્યું છે. સમુદ્રની સપાટીએથી 3,490 મીટર પર પીરની ગલી સ્થિત છે. અહીંથી તમને કાશ્મીરના સુંદર દ્રશ્ય જોવા મળશે.
પીરની ગલી પછી તમે શોપિયાં પહોંચશો. ત્યારપછી પંપૌર થઇને શ્રીનગર પહોંચી શકો છો. મુગલ રોડ જમ્મૂ અને શ્રીનગરનું અંતર ઘટાડી દે છે. મુગલ રોડ પર પહાડોના સુંદર-સુંદર દ્રશ્યો તો જોવા મળે જ છે, આ ઉપરાંત, સફરજનના ઘણાં બગીચા પણ જોવા મળશે. કાશ્મીર જાઓ તો અહીંના સફરજન જરુર ચાખજો. તમે એક દિવસમાં મુગલ રોડની યાત્રા ઘણાં જ આરામથી કરી શકો છો.
શું આ સેફ છે?
જો તમે આતંકવાદને ધ્યાનમાં રાખીને આ સવાલ પૂછી રહ્યા છો તો હાં, મુગલ રોડ પર યાત્રા કરવાનું બિલકુલ સુરક્ષિત છે અને દરેકે આ યાત્રા કરવી જોઇએ.
કેવી રીતે જશો?
તમે પોતાની કાર કે બસ, ટેક્સી અને કેબથી મુગલ રોડની યાત્રા કરી શકો છો.
પ્રાઇવેટ ટેક્સીઃ તમે પ્રાઇવેટ ટેક્સી લઇને મુગલ રોડની યાત્રા કરી શકો છો. સામાન્ય રીતે પ્રાઇવેટ ટેક્સીનું ભાડું 2 હજાર રુપિયા હોય છે જે ઘણીવાર વધારે-ઓછું હોય છે. આ ઉપરાંત, શેયર્ડ કેબ પણ લઇ શકો છો જેનું ભાડું ઓછું રહેશે.
બસથીઃ તમે બસથી પણ મુગલ રોડની યાત્રા કરી શકો છો. આના માટે બે જગ્યાએથી બસ બદલવી પડશે. સૌથી પહેલા જમ્મૂથી રાજૌરી માટે બસ પકડો. ત્યાર બાદ રાજૌરીથી શ્રીનગર માટે બસ પકડો.
ક્યારે જશો?
મુગલ રોડની યાત્રા કરવાનો સૌથી બેસ્ટ ટાઇમ ગરમીનો છે. તમે મુગલ રોડ માટે એપ્રિલથી જૂન સુધી ક્યારેય પણ પ્લાન બનાવી શકો છો. આ સમયગાળા દરમિયાન તમને ચારે તરફ સુંદરતા જ સુંદરતા જોવા મળશે.
ક્યાં રોકાશો?
મુગલ રોડના રસ્તે મળનારા ગામોમાં કેટલીક હોટલ તમને મળી જશે. આ ઉપરાંત, રસ્તામાં સુંદરબની, રાજૌરી, શોપિયામાં પણ એટીએમ મળશે. લગભગ બધા પ્રાંતમાં પેટ્રોલ પંપ અને મિકેનિક પણ મળી જશે જે તમારી સફરને સરળ બનાવી દેશે.