ગુજરાતની આસપાસના રાજ્યોમાં પ્રકૃતિના અનેક સ્વરૂપો જોવા મળે છે. અહીં પહોંચવું પણ ગુજરાતના લોકો માટે ઘણું સરળ હોવાથી પ્રવાસપ્રેમીઓ સફરની એક પણ તક જતી કરતાં નથી. અમદાવાદનું એક થિએટર ગ્રુપ મહારાષ્ટ્રના જગ્યાએ ટ્રેક કરવા ગયું હતું. આ ગ્રુપના જ એક મેમ્બર નંદીશ ભટ્ટના શબ્દોમાં જાણીએ તેમનો અનેરો અનુભવ:
જૂન 2019 માં અમે મારા મિત્રનો બર્થડે ઉજવવા સંધન વેલી એક ગ્રુપ ટ્રીપ પર જવાની યોજના બનાવી હતી. સંધન વેલી નાશિકથી 90 કિમી દૂર આવેલી છે. મુંબઈથી વાહનમાર્ગે 6 કલાકમાં પહોંચી શકાય છે.
સંધન વેલી જતાં પહેલા અમે ટ્રીપની શરૂઆત કરી ભંડારધારાથી. સંધન વેલીથી આ ગામ 60 કિમી દૂર આવેલું છે અને અહીં આરામદાયક વેકેશન માણવા ખૂબ સુંદર રિસોર્ટ્સ ઉપલબ્ધ છે. પણ અમે આવી શુષ્ક ટ્રીપ કરવાના હેતુથી નહોતા નીકળ્યા અમે કઈક અનોખું એડવેન્ચર કરવા ઇચ્છતા હતા.
કોઈ કોમન કોન્ટેક્ટ દ્વારા અમે ભાસ્કર નામનાં ત્યાંનાં લોકલ ગાઈડનો નંબર મેળવ્યો અને ભાસ્કરે અમને 2 દિવસના પ્રવાસનું ઘણું સાનુકૂળ આયોજન કરી દીધું.
અને અમે સૌ બેઝ કેમ્પ પર પહોંચ્યા. મારી ધારણા વિરુદ્ધ ત્યાં કોઈ જ ટેન્ટ કે કેમ્પ નહોતા, પણ એક ખૂબ નાનું ગામ હતું. અમે આમતેમ ભટકી રહ્યા હતા એવામાં કોઈ ઝુંપડી જેવા દેખાતા ઘર પાસે પહોંચ્યા. જાણવા મળ્યું કે આ ઘર તો ભાસ્કરનું જ છે! તેની ઘરડી માતાને મરાઠી સિવાય કોઈ ભાષા નહોતી આવડતી પણ તેમને ભાસ્કરે વાત કરેલી કે અમે સૌ વેજીટેરિયન છીએ. અમે ત્યાં પહોંચીએ એ પહેલા જ અમારા સૌ માટે શાકાહારી પરંપરાગત મહારાષ્ટ્રીયન ભોજન તૈયાર હતું! ખૂબ ઓથેન્ટિક અને ખૂબ સ્વાદિષ્ટ! આટલું સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન ભોજન કદાચ આ પહેલા મેં ક્યારેય ખાધું નહોતું.
સાંજ થવા આવી હતી એટલે બહુ જલ્દી અમે ત્યાં નજીકમાં આવેલા એક શિખર પર જવા ટ્રેકની શરૂઆત કરી. થોડું ચાલ્યા પછી અમે નોંધ્યું કે એક કૂતરું ટ્રેકની શરૂઆતથી જ આગળ ચાલીને અમારી આગેવાની કરી રહ્યું હતું. અમે પણ તેની કંપની સ્વીકારીને આગળ વધતાં રહ્યા. તે હજુ પણ અમારી સાથે જ હતું. જાણે આગળ ક્યાં જવું એ અમને સૌને સમજાવી રહ્યું હોય! ભાસ્કરનો મિત્ર અમારી સાથે હતો તેણે ખૂબ રસપ્રદ જવાબ આપ્યો.
“આ કૂતરું અહીંનું ગાઈડ છે.” તેણે કહ્યું! અમારા સૌની નવાઈનો પાર ન રહ્યો.
તેમણે જણાવ્યું કે કોઈ ઓફિશિયલ ગાઈડ હોય કે ન હોય, તે કૂતરું હંમેશા આગળ ચાલીને અહીંના પ્રવાસીઓને રસ્તો બતાવે છે. ટોચ પર પહોંચી ગયા બાદ જો તે પ્રવાસી તેને બિસ્કિટ કે અન્ય કશું ખાવાનું ન આપે તો તે આપોઆપ ત્યાંથી જતું રહે છે. એટલે કે પાછા ફરવાનો રસ્તો તમે જાતે શોધો!
ખૈર, અમે પ્રમાણમાં ઘણા ધીમા જઈ રહ્યા હતા તેથી અમારા નક્કી કરેલા બેઝ કેમ્પ સુધી ન પહોંચી શક્યા. 2 કિમીનો એક ખૂબ અઘરો ટ્રેક કરીને નજીકના બેઝ કેમ્પ પર ગયા. જે ટ્રેકમાં અમે સૌએ હિંમત હારી દીધી હતી તેવામાં પેલો માણસ અમારા સૌના ટેંટ્સ ઉપાડીને ચડી રહ્યો હતો! અહીંના બધા જ જીવ કુદરતથી કેટલા નજીક છે તેનું અમે જીવંત ઉદાહરણ જોયું.
કેમ્પ પર પહોંચ્યા પછી અમે મોડી સાંજના સમયે આસપાસમાં ચક્કર લગાવવા નીકળ્યા. અમારા ગાઈડે ટોર્ચ લઈને જવાનું સૂચન કર્યું. થોડું ચાલ્યા બાદ ટોર્ચની લાઇટ્સ સિવાય અમારી આસપાસ કોઈ જ પ્રકાશ નહોતો. પવનના સુસવાટાનો જે ગજબ અવાજ ત્યાં સાંભળ્યો, એવો મેં આ પહેલા ક્યારેય નહોતો સાંભળ્યો. 4-5 લોકોનું ગ્રુપ સાથે હોવા છતાંય એક પણ શબ્દ બોલ્યા વગર હું ત્યાં એમ જ બેસી રહ્યો. આવી સુંદર શાંતિ મેં આ પહેલા ક્યારેય અનુભવી નહોતી.
બીજા દિવસે સવારે થોડા થાક અને કંટાળા સાથે અમે આ જગ્યાથી પાછા ફરવાની સફર કરી. અડધો રસ્તો અમારો ગાઈડ અને અડધો રસ્તો પેલું કૂતરું અમારું માર્ગદર્શક બન્યા. આ દિવસે બપોર પછી અમે મુખ્ય સ્થળ સંધન વેલીની મુલાકાત લેવા ગયા.
અમે વધુ એક અવિસ્મરણીય અનુભવ કરવા માટે તૈયાર હતા. આગિયાં જોવાનો અનુભવ! ટીવી પર જ્યારે જૂગનું જોયા છે ત્યારે હંમેશા એ કોઈ પરીકથાનું કાલ્પનિક દ્રશ્ય હોય એવું જ લાગ્યું છે. પણ એ દ્રશ્ય અમે નજરે નિહાળ્યું ત્યારે સર્જનહારને સલામી આપવાનું મન થઈ ગયું! વૃક્ષો પર આપણે ઇલેક્ટ્રિક લાઇટ્સની સીરિઝ ગોઠવીએ તેના કરતાં પણ સુંદર દ્રશ્ય હતું એ! એક ચોક્કસ રિધમમાં તેમના પ્રકાશની તીવ્રતામાં વધ-ઘટ થતી હતી એ બહુ રોમાંચક ક્ષણો હતી.
અમારા પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ અમે કોઈ ગાઈડ વગર આસપાસનો પ્રદેશ એક્સપ્લોર કર્યો.
મેં આ પહેલા પણ ઘણાં પ્રવાસ કર્યા છે પણ આ ટ્રીપ ખાસ હોવાનું સૌથી મહત્વનું કારણ એ કે અહીં મેં કુદરતને જેટલું નજીકથી માણ્યું છે એટલું આ પહેલા ક્યારેય નહોતું માણ્યું!
.
વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.