હિમાચલ પ્રદેશ ફક્ત તેના બરફથી ઢંકાયેલા પહાડો અને સુંદર ખીણો માટે જ પ્રખ્યાત નથી પરંતુ અહીંના મંદિરો પણ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જી હાં, હિમાચલમાં ઘણાં એવા સુંદર મંદિર છે, જે પ્રાચીન કાળથી અહીં સ્થાપિત છે.
આ જ ક્રમમાં આજે અમે તમને હિમાચલના એક એવા મંદિર અંગે બતાવીશું જેનું નિર્માણ મહાભારત કાળમાં પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ છે, બાથૂ કી લડી. આ મંદિરની ખાસ વાત એ છે કે વર્ષના 8 મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત ચાર મહિના જ દેખાય છે.
પાણીમાં ડૂબ્યું બાથૂની લડી
આ મંદિર 1970માં પોંગ બાંધ નિર્માણના કારણે જળાશય મહારાણા પ્રતાપ સાગરમાં 8 મહિના સુધી જળમગ્ન રહે છે. મંદિર-સમૂહ સુધી ફક્ત મે-જૂનમાં જ પહોંચી શકાય છે, જ્યારે જળ-સ્તર ઘટે છે.
મંદિરનું નામ બાથૂ કેવી રીતે પડ્યું?
આ મંદિરની ઇમારતમાં લાગેલા પથ્થરને બાથૂનો પથ્થર કહેવાય છે. બાથૂ નામથી બનેલી છે અને આ મંદિરની અન્ય આંઠ મંદિર પણ છે, જેને દૂરથી જોઇએ તો એક માળામાં પરોવેલું પ્રતીત થાય છે એટલે આ સુંદર મંદિરને બાથૂની લડી કહેવાય છે.
આ મંદિરોમાં શેષનાગ, વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત છે અને વચ્ચે એક મુખ્ય મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે.
જો કે, એ વાતનું પાક્કું પ્રમાણ નથી કે મુખ્ય મંદિર એક શિવ મંદિર છે. કેટલાક લોકો આને ભગવાન વિષ્ણુને સમર્પિત માને છે પરંતુ મંદિરની શૈલી અને બનાવટને જોતા આને શિવમંદિર માનવામાં આવે છે. થોડાક વર્ષો પહેલા સ્થાનિક લોકોએ મળીને મંદિરમાં પુનઃ એક શિવલિંગની સ્થાપના પણ કરી છે. મંદિરમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થર, શિલાઓ પર ભગવાન વિષ્ણુ, શેષ નાગ અને દેવીઓ વગેરેની કલાકૃતિઓ કોતરેલી જોવા મળે છે.
મંદિરની સ્થાપના
એવુ માનવામાં આવે છે કે બાથૂ મંદિરની સ્થાપના છઠ્ઠી શતાબ્દીમાં ગુલેરિયા સામ્રાજ્યના સમયે કરવામાં આવી હતી. જો કે, આ મંદિરના નિર્માણની પાછળ ઘણી દંતકથાઓ પ્રચલિત છે. કેટલાક લોકો આને પાંડવો દ્વારા અજ્ઞાતવાસ દરમિયાન બનાવ્યું હોવાનું માને છે. કહેવાય છે કે આનું નિર્માણ સ્વંય પાંડવોએ કરાવ્યું હતું. તેમણે પોતાના અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી. તેમણે આ મંદિરની સાથે સ્તંભીની અનુકૃતિ જેવું મંદિર બનાવી સ્વર્ગ સુધી જવાની સીડી બનાવી હતી જેનું નિર્માણ તેમણે એક રાતમાં કર્યું હતું. એક રાતમાં સ્વર્ગ સુધી સીડીઓ બનાવવી કોઇ સરળ કાર્ય નહોતું. તેમણે આના માટે ભગવાન કૃષ્ણની મદદ લીધી. ભગવાન શ્રીકૃષ્ણએ છ મહિનાની એક રાત કરી દીધી પરંતુ 6 મહિનાની રાતમાં પણ સીડીઓ બનીને તૈયાર ન થઇ શકી. ફક્ત અઢી સીડીઓથી તેમનું કાર્ય અધુરુ રહ્યું અને સવાર થઇ ગઇ.
આજે પણ આ મંદિરમાં સ્વર્ગ તરફ જતી સીડીઓ નજરે પડે છે. હાલમાં અહીં સ્વર્ગની 40 સીડીઓ આવેલી છે. જેને લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. અહીં થોડેક દૂર એક પથ્થર છે જેને ભીમ દ્વારા ફેંકવામાં આવ્યો હતો. કેહવાય છે કે કાંકરો મારવાથી આ પથ્થરમાંથી લોહી નીકળે છે. આ મંદિર અંગે આવા ઘણાંબધા રહસ્યો અહીં છુપાયેલા છે.
શિવની મૂર્તિને અડ્યા વિના અસ્ત નથી થતો સૂરજ
જી હાં, આનું રહસ્ય વૈજ્ઞાનિક પણ નથી લગાવી શક્યા, પરંતુ આ મંદિરનું નિર્માણ કંઇક એ રીતે કરવામાં આવ્યું છે, સૂર્યના અસ્ત થતાં પહેલા સૂર્યના કિરણો બાથૂ મંદિરમાં વિરાજમાન મહાદેવના ચરણને અડે છે.
પક્ષી અભયારણ્ય તરીકે આરક્ષિત ક્ષેત્ર
આ બધો વિસ્તાર ભારત સરકાર દ્વારા પ્રવાસી પક્ષીઓના આશ્રય સ્થાન માટે પક્ષી અભયારણ્ય કે વેટલેન્ડ તરીકે સંરક્ષિત છે. જેમાં કોઇપણ પ્રકારનું ભવનનું નિર્માણ વર્જિત છે. પક્ષીઓ પર અધ્યયન માટે આવનારા છાત્રો, વૈજ્ઞાનિકો કે પ્રકૃતિ પ્રેમી માટે સૌથી ઉત્તમ જગ્યા છે. વિદેશી પ્રવાસીઓનું અહીં આવવા-જવાનું ચાલતુ રહે છે. ખુલ્લા મેદાનને પાર કરીને જળાશયના કિનારે પહોંચીને ત્યાંનું દ્રશ્ય જોવાલાયક હોય છે. જળાશયમાં ઉછળતી લહેરો સમુદ્ર જેવો રોમાંચ અનુભવ કરાવે છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન આ મંદિરના દર્શન માટે ઉત્તમ સમય છે. બાકીના 8 મહિના સુધી આ મંદિર પાણીમાં જળમગ્ન રહે છે. તો તે સમય દરમિયાન આ મંદિરનો ઉપરનો ભાગ જ જોવા મળે છે. આ મંદિરની આસપાસ કેટલાક નાના-નાના ટાપુ બનેલા છે. જેમાં એક પર્યટનની દ્રષ્ટિએ પ્રસિદ્ધ છે. જેને રેનસર નામથી ઓળખવામાં આવે છે. તેમાં રેનસરના ફોરેસ્ટ વિભાગના કેટલાક રિસોર્ટ્સ છે. જ્યાં પર્યટકોના રહેવાની ઉચિત વ્યવસ્થા છે.
મંદિરની આસપાસનું વાતાવરણ ઘણું જ મનોરમ્ય છે જેની તરફ કોઇપણ આકર્ષિત થઇ જાય. ચારેબાજુ પાણી અને વચ્ચે મંદિરોને સમૂહ ઘણો સુંદર દેખાય છે. મંદિર સ્થળથી હિમાલયની ધોલાધાર પવર્ત શ્રેણીનો અદ્ભુત નજારો જોવા મળે છે. બાથૂની લડીથી પર્યટનની અપાર સંભાવનાઓ છે. પ્રતિદિન લોકો હજારોની સંખ્યામાં અહીં જાય છે.
કેવી રીતે પહોંચશો
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના તાલુકા જ્વાલીના અંતર્ગત આવનારા આ મંદિર સુધી રોડ માર્ગે પહોંચી શકાય છે. તાલુકા મથક જ્વાલીથી લગભગ 16 કિલોમીટરના અંતરે સ્થિત આ મંદિર સુધી કાર દ્વારા વાયા કેહરિયા-ઢન-ચલવાડા-ગુગલાડા કનેક્ટીંગ રોડે પહોંચી શકાય છે. જ્વાલીથી બાથૂની લડી પહોંચવાના બે રસ્તા છે, એક બિલકુલ સીધો રસ્તો છે. જેનાથી તમે બાથૂ સુધી અડધા કલાકમાં પહોંચી શકો છો અને બીજા રસ્તેથી તમને આ મંદિર સુધી પહોંચવામાં અંદાજે 40 મિનિટનો સમય લાગશે. મુખ્ય રસ્તે લગભગ 3 કિલોમીટરનું અંતર કાપ્યા પછી મંદિર સુધી પહોંચી શકાય છે.
આ મંદિર સુધી પહોંચવાનું સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે. ગગ્ગલ એરપોર્ટથી આ મંદિરનું અંતર દોઢ કલાકનું છે. પર્યટક રેલવે સ્ટેશન અને એરપોર્ટથી જ્વાલી પહોંચી શકાય છે, જ્યાંથી આ મંદિરનું અંતર 37 કિ.મી. છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો