વારાણસી, કાશી, બનારસ...
શ્રાવણ માસમાં દેશના કોઈ વિશેષ સ્થળની વાત કરવાની હોય તો તે શિવજી સાથે સંબંધિત સ્થળ જ હોવાનું, આ વાતમાં શંકાને સ્થાન નથી. કહેવાય છે કે આ વિશ્વનું સૌથી જૂનું શહેર છે.
અરે! આમ તો જે શહેર ભોલે કી નગરી (ભગવાન શિવનું શહેર) કહેવાતું હોય તેને 'ખાસ' હોવા માટે અન્ય કોઈ કારણની જરૂર જ ન હોય ને! પણ તેમ છતાં આ શહેર ખરેખર સાવ અનોખું છે... એક એવું શહેર જેની જીવનમાં એક વાર તો અચૂક મુલાકાત લેવી જોઈએ.
1. કાશી વિશ્વનાથ મંદિર
દેશમાં માત્ર બાર સૌથી મહત્વના શિવ મંદિરો આવેલા છે જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર એ એક અત્યંત મહત્વનું મંદિર છે. વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે તેથી અહીં કોઈ પણ મુશ્કેલી પડવાની નહિવત સંભાવના છે. ઉપરાંત, આ ભગવાન શિવનું મંદિર હોવાથી માત્ર રાત્રે 12 થી સવારે 4 સુધી બંધ રહે છે, બાકી ગમે ત્યારે દર્શનનો લાભ લઈ શકાય છે.
2. અનેક અતિ પ્રાચીન મંદિરો
આવા મંદિરોની યાદીમાં કાલ ભૈરવ મંદિર સૌથી ટોચના સ્થાને મૂકી શકાય. કહેવાય છે કે વિશ્વનાથ કાશીના રાજા છે તો કાલ ભૈરવ કાશીના સેનાપતિ છે. કાશીની મુલાકાત આ મંદિરની મુલાકાત વગર અધૂરી છે. આ ઉપરાંત અહીં ભારત માતા મંદિર છે એ પણ મસ્ટ-વિઝિટ મંદિર કહી શકાય. કારણકે દેશમાં ચુનંદા મંદિરો હશે જ્યાં ભારત-માતાને ઈશ્વરનું સ્થાન આપીને તેમની પૂજા કરવામાં આવતી હોય. વળી, વારાણસીથી માત્ર 12 કિમીના અંતરે સારનાથ આવેલું છે જે બૌદ્ધ ધર્મનું એક ઘણું મહત્વનું સ્થળ છે. બૌદ્ધ ધર્મસ્થળ ઉપરાંત આ સ્થળ દેશ માટે પણ મહત્વનું છે કારણ કે અહીં આપણું ઓરિજનલ રાષ્ટ્રીય સ્મારક જોઈ શકાય છે.
3. ગંગા આરતી
હું વ્યક્તિગત રીતે માનું છું કે માણસે જીવનમાં અમુક અનુભવો અચૂકપણે કરવા જ જોઈએ તેમાંનો એક અનુભવ તે ગંગા આરતી છે. હરદ્વારની ગંગા આરતી પણ એટલી જ પ્રખ્યાત છે પણ કાશીની વાત જ નિરાળી છે! અહીં જે આદ્યાત્મિકતાનો અનુભવ થાય છે તે ભાગ્યે જ કોઈ બીજી જગ્યાએ થઈ શકે. વારાણસીના દશસ્વમેઘ ઘાટ ખાતે થતી આ ગંગા આરતી જેટલી અલૌકિક છે એટલી જ ભવ્ય અને આકર્ષક પણ છે. પ્રચંડ જનમેદની વચ્ચે પાંચ પૂજારીઓ દ્વારા અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતી ગંગા આરતી એ કોઈ પણ નાસ્તિકને પણ આસ્તિક બનાવી દેવા સમર્થ છે!
4. સંખ્યાબંધ ઘાટ
વારાણસીમાં ગંગા કિનારે આશરે 88 જેટલા ઘાટ આવેલા છે. દશસ્વમેઘ, અસ્સી, રેવા, કેદાર, માનસરોવર, નારદ, દરભંગા, મીરા, વગેરે વગેરે દરેક ઘાટના નામ પાછળ એક ઐતિહાસિક વાર્તા છે. ગંગામાં બોટિંગ કરતાં કરતાં વિવિધ ઘાટ વિશે વાર્તા સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. મણિકર્ણિકા ઘાટ એ જગતનું સૌથી પવિત્ર સ્મશાન કહેવાય છે. કાશી વિશ્વનાથ મંદિરથી ચાલીને નજીકમાં જ મણિકર્ણિકા ઘાટ દ્વાર છે, આ દ્વારમાં પસાર થઈને સાંકડા ગલી-ખાચાઓમાંથી પસાર થઈને મણિકર્ણિકા ઘાટ પહોંચી શકાય છે. તમને 10-15 મિનિટમાં આ અંતર કાપતા ઓછામાં ઓછી 5 સ્મશાન-યાત્રા રસ્તામાં મળશે. વારાણસી શહેર તો ખરું જ, તે સિવાય તેની આસપાસ 200-300 કિમી જેટલા દૂરના સ્થળોએથી પણ લોકો અહીં અંતિમ-સંસ્કાર માટે આવતા હોવાથી આ સ્મશાન 24 કલાક કાર્યરત છે.
5. સ્વાદિષ્ટ વ્યંજનો
શું તમે જાણો છો? વારાણસી એ ફૂડ-લવર્સ માટે સ્વર્ગ સમાન જગ્યા છે. અહીં સો વર્ષ કરતાં પણ જૂની ખાણી-પીણીની દુકાનો હજુ પણ એટલી જ ધમધમે છે. શિયાળામાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) પાસે મળતી મીઠાઇ 'મલાયા' ખાવા દેશ અને દુનિયાના ફૂડીઝ ખાસ ઠંડીની ઋતુમાં વારાણસીના પ્રવાસનું આયોજન કરે છે. મણિકર્ણિકા ઘાટ તરફ જતાં સવા સો વર્ષ જૂની બ્લૂ લસ્સી ખાતે પણ દર વર્ષે કેટલાય સેલેબ્સ સહિત લાખો માણસો અહીંની લસ્સીનો સ્વાદ માણે છે. અને હા, કાશીની ગલી-ગલીમાં મળી રહેતા બનારસી પાન ખાવાનું ન ભુલશો!
6. બજેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
વારાણસીમાં હોમ સ્ટે, હોસ્ટેલથી માંડીને ફાઇવ-સ્ટાર હોટેલ્સ સુધીના તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. કાશી વિશ્વનાથ મંદિરથી નજીક શહેરના અન્ય વિસ્તારોની સરખામણીમાં વધુ કિંમત હોય તેવું બની શકે પણ અહીં પણ બધી જ પ્રકારના રહેવાના સ્થળ છે. વળી, વારાણસીમાં ફરવા માટે રોજિંદા ધોરણે પુષ્કળ રિક્ષા કે ટેક્સી મળી રહે છે.
7. ખરીદી માટે આદર્શ શહેર
સ્ત્રીઓ માટે તેમની પાસે એકાદ બનારસી સિલ્ક સાડી હોવી ફરજિયાત છે, તો એ સાડીની ખરીદી બનારસથી જ ખરીદવા મળે તેનાથી સારું શું હોય શકે? અહીં બનારસી સિલ્કના બનેલા વિવિધ વસ્ત્રો તેમજ ધાર્મિક ચીજવાસ્તુઓનું ખૂબ મોટું માર્કેટ છે. તમામ વર્ગના લોકોને પરવડે તેવી ખરીદી કરવાનો આનંદ અહીં મળે છે.
8. તહેવારોની ભવ્યાતિભવ્ય ઉજવણી
આખા જગતમાં દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાનું સૌથી ભવ્યાતિભવ્ય આયોજન કરનાર કોઈ શહેર હોય તો તે વારાણસી છે. ગત વર્ષે આ દિવસો દરમિયાન અહીં હોટ એર બલૂન ફેસ્ટિવલનું આયોજન થયું હતું. મહા શિવરાત્રી પર દેશ-દુનિયામાંથી પ્રચંડ જનમેદની કાશીની મુલાકાતે આવે છે. ઉપરાંત અહીં હોળી-ધૂળેટીની પણ ઘણી જ વિશિષ્ટ ઉજવણી થાય છે.
9. આસ્થા અને આધુનિકતાનો આદર્શ સંગમ
વારાણસી એક પૌરાણિક શહેર છે તેથી તદ્દન જુનવાણી હશે તેવું માનવાની ભૂલ ન કરશો! છેલ્લા કેટલાક વર્ષોમાં વારાણસીમાં વિકાસે હરણફાળ ભરી છે અને શહેરમાં ગમે ત્યાં તેનો પુરાવો જોઈ શકાય છે. વારાણસીના સ્થાનિકો સાથે વાત કરશો તો જાણવા મળશે કે ગત અમુક વર્ષોમાં વારાણસીમાં કેટલી હદે સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ દ્રષ્ટિએ વારાણસી એ આસ્થા અને આધુનિકતાનો આદર્શ સંગમ ધરાવતું શહેર કહી શકાય.
તો હવે રાહ શેની? તમારો આગામી પ્રવાસ ભોલેની નગરી વારાણસીમાં જ કરવાનું આયોજન કરો!
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ