કુદરતના દરેક સ્વરૂપ માણવાલાયક જ હોય છે, તેમાં બેમત નથી. તેમાં પણ બીચ અને પહાડો તો પ્રવાસીઓના પ્રિય હોય છે. પણ વળી, સાચો પ્રવાસી તેને જ કહેવાય જેણે ધરતી પર આવેલા પ્રકૃતિના તમામ રૂપને જોયા હોય, માણ્યા હોય. અને તેમાં ટોચના સ્થાને મૂકી શકાય જંગલોને- જ્યાં અનેકવિધ સજીવસૃષ્ટિ વસે છે..
આપણા દેશમાં પણ કુદરતનો કરિશ્મા કહી શકાય તેવા અદભૂત ઘેઘૂર જંગલો આવેલા છે જેની સૌ પ્રવાસીઓએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
કાઝીરંગા, આસામ
આસામની કાઝીરંગા નેશનલ પાર્ક એ પૂર્વોત્તરમાં આવેલું સૌથી લોકપ્રિય જંગલ છે. યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન ધરાવતું કાઝીરંગા એ જગતભરમાં એકશિંગી ગેંડાનું એકમાત્ર ઠેકાણું છે. વળી, અહીં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા ઘણા સારા રિસોર્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. પૂર્વોત્તરનો પ્રવાસ કાઝીરંગાની મુલાકાત વગર અધૂરો ગણાય છે.
જિમ કોર્બેટ, ઉત્તરાખંડ
વર્ષ 1936માં હાએલી નેશનલ પાર્ક નામથી સ્થાપવામાં આવેલો જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનાં સૌથી જુના નેશનલ પાર્ક હોવાનું બહુમાન ધરાવે છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલું આ જંગલ 520 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલું છે. ભારતનું આ એકમાત્ર જંગલ છે જેમાં રાતવાસો કરવાની પણ વ્યવસ્થા છે.
સુંદરબન, પશ્ચિમ બંગાળ
વિશ્વનું સૌથી મોટું મેનગૃવનું આ જંગલ રોયલ બેંગાલ ટાઈગરનું ઘર છે. સુંદરબનના નામે ઓળખાતો આ પ્રદેશ ભારત અને બાંગ્લાદેશ બંને દેશોમાં ફેલાયેલો 40,000 ચોરસ કિમીનો ડેલ્ટા વિસ્તાર છે. વળી, પશ્ચિમ બંગાળની હુગલીથી બાંગ્લાદેશની બાલેશ્વર નદી સુધી લંબાયેલો આ વન વિસ્તાર જંગલ ફરવા માટે એક મજાની જગ્યા છે.
બંદિપુર, કર્ણાટક
ત્રણ અન્ય નેશનલ પાર્ક (નાગરહૉલ નેશનલ પાર્ક, વાયનાડ નેશનલ પાર્ક અને મુદુમલાઈ નેશનલ પાર્ક)ની સીમા ધરાવે છે. આ સાથે કર્ણાટકનો બંદિપુર નેશનલ પાર્ક દક્ષિણ ભારતનો સૌથી મોટો વન વિસ્તાર છે. અહીં પુષ્કળ વન્ય જીવો અને પ્રાણીઓ વસે છે જેમની રક્ષા માટે આ આખા વિસ્તારમાં રાતે 9 થી સવારે 6 દરમિયાન વાહન વ્યવહાર પ્રતિબંધિત છે.
હેમિસ, લદ્દાખ
સમુદ્રસપાટીથી 3500 થી 6000 મીટર ઊંચાઈ પર આવેલો કોઈ નેશનલ પાર્ક આપોઆપ જ કઈક અનોખો બની જાય છે. લદ્દાખના પૂર્વ ભાગમાં હેમિસ નેશનલ પાર્ક આવેલો છે જે 16 પ્રજાતિના સસ્તન વર્ગના પ્રાણીઓ તેમજ 73 પ્રજાતિના પક્ષીઓનું ઘર છે.
રણથંભોર, રાજસ્થાન
ઉત્તર ભારતમાં જયપુરથી 130 કિમી દૂર સવાઇ માધોપુર જિલ્લામાં વાઇલ્ડ લાઈફને જોવાનો તેમજ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા લોકો માટે આ એક આદર્શ નેશનલ પાર્ક છે. અહીં સફારી, બર્ડ વોચિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવાની અનોખી મજા છે.
પેરિયાર, કેરળ
કેરળના ઠેકડીમાં આવેલું અને 777 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું પેરિયાર નેશનલ પાર્ક અહીંની ખૂબ જ અનોખી વન્ય વનસ્પતિઓ અને ફૂલો માટે વખણાય છે. પેરિયારમાં ઇકો-ટુરિઝમનો ઘણો સારો વિકાસ થયો છે જ્યાં સફારી, ટ્રેકિંગ, કેમ્પ વગેરે પ્રવૃત્તિઓ સુલભ છે.
કાન્હા, મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં એક-બે નહિ, પૂરા નવ નેશનલ પાર્ક્સ આવેલા છે. વળી, અહીં છ ટાઈગર રિઝર્વ અને 25 જેટલા અભયારણ્યો આવેલા છે. અલબત્ત, આ તમામ જગ્યાઓ જોવા જેવી છે, પણ તેમાં સૌથી લોકપ્રિય હોય તો તે છે કાન્હા નેશનલ પાર્ક. જબલપુરથી 200 કિમી દૂર આવેલા આ નેશનલ પાર્ક અને નજીકમાં આવેલા પેંચ નેશનલ પાર્કને આધાર રાખીને રડયાર્ડ કિપલિંગે વિશ્વ-વિખ્યાત ‘ધ જંગલ બૂક’નું સર્જન કર્યું હતું.
ગીર, ગુજરાત
લાસ્ટ, બટ નોટ ધ લિસ્ટ, સોરઠના સાવજનું ઘર, આપણા ગુજરાતમાં આવેલું ગીર. એશિયાટિક લાયન આખા વિશ્વમાં આપણી માતૃભૂમિ પર બિરાજે છે તે કેટલી અનોખી વાત છે! દેશમાં બીજા તમામ જંગલો જોવા જેવા છે જ, પણ આપણા ઘર આંગણે આવેલા જંગલની અવગણના ક્યાંથી થઈ શકે?
શું તમે આમાંના કોઈ જંગલની મુલાકાત લીધી છે? તમારો અનુભવ Tripoto પર વર્ણવો..
.