મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં...

Tripoto
Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

નર્મદાના કાંઠે આવેલા શહેર જબલપુરમાં મળશે પ્રકૃતિ અને ઈતિહાસની ઝલક. આ મનોરમ દ્શ્યો નજરમાં કરી લો કેદ.

જો આપ પ્રકૃતિ અને ઈતિહાસ પ્રેમી છો તો ચોક્કસથી આપને જબલપુર સાથે પ્રેમ થઈ જશે. મધ્ય પ્રદેશના મહત્વના પર્યટન સ્થળોમાંથી એક છે જબલપુર જે પોતાના ખૂબસૂરત નજારા, પ્રાચીન ઈતિહાસ અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીંની નદીઓ, ઐતિહાસિક જગ્યાઓ અને પ્રાકૃતિક ઝરણા પ્રકૃતિપ્રેમીઓને આકર્ષિત કરે છે. આપ આપના હોલિડેઝ કોઈ એવી જગ્યાએ મનાવવા ઈચ્છો છો જ્યાં આપ મોજ મસ્તી સાથે પોતાનો સમય વિતાવી શકો તો જબલપુરની આસપાસ આપને બેસ્ટ ટુરિસ્ટ પ્લેસના ઘણા બધા ઓપ્શન મળે છે.

જબલપુર પહોંચવું કેવી રીતે ?

જબલપુર પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે ડુમના એરપોર્ટ જે શહેરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. જબલપુર મુંબઈ, દિલ્લી, હૈદરાબાદ, પુણે, નાગપુર, ભોપાલ, ઈંદૌર જેવા મોટા શહેરો સાથે કનેક્ટિવિટી ધરાવે છે.

જબલપુર મધ્યભારતનું એક પ્રમુખ રેલવે સ્ટેશન છે. જબલપુર જંક્શન શહેરથી માત્ર 6 કિમીના અંતરે આવેલું છે. અહીં રેલવે કનેક્ટિવિટી દિલ્લી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે, વારાણસી જેવા મોટા શહેરો અને પર્યટન સ્થળો સાથે જોડાયેલી છે. જબલપુર થઈને પસાર થનારી તમામ મહત્વપુર્ણ ટ્રેન અહીં રોકાય છે.

નેશનલહાઈવે 7 જબલપુરથી પસાર થાય છે જે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે. જબલપુર જવા માટે મોટા શહેરોથી બસની પણ સારી સુવિધા છે. તો ટેક્સીની સુવિધા પણ આપને મળી રહેશે.

જબલપુરમાં રહેવું ક્યાં ?

જબલપુર શહેરમાં પ્રવાસીઓ માટે ખુબ જ મોટી સંખ્યામાં હોટલ્સ, રિસોર્ટ્સ ઉપલબ્ધ છે. અહીં આપને ઘણી બજેટ હોટલ્સ પણ મળી રહેશે. જો તમારો વિચાર ખરીદી કરવાનો પણ છે તો આપ માર્કેટની નજીકની હોટલ પસંદ કરી શકો છો. જબલપુરમાં આપને આપના પસંદીદા ભોજનના તમામ વિકલ્પો મળી રહેશે.

જબલપુરના સ્ટાર અટ્રેક્શન

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

ધુઆંધાર ફોલ્સ

જબલપુરનું સૌથી વધુ પ્રખ્યાતિ ધરાવતું આકર્ષણ છે ધુઆંધાર ધોધ. શહેરથી 30 કિલોમીટરના અંતરે આવેલો ધુઆંધાર ફોલ 98 ફીટની ઉંચાઈ પરથી પડતા નર્મદા નદીના પ્રવાહના નયનરમ્ય નજારાને કારણે વિખ્યાત છે. નર્મદા નદીના ખુબ જ વેગથી વહેતા પાણીનું પુરા જોર સાથે નીચે પડતા જે દ્રશ્ય સર્જાય તે એક રોમાંચક અનુભવ છે. બેહદ ખૂબસૂરત એવા વોટરફોલની મજા માણવા સાથે બોટિંગ, કેબલકાર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ અહીં કરી શકાય છે. સાથે જ કિનારા પર ફેમિલી સાથે પિકનિકનો આનંદ પણ માણી શકાય છે. વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ધુઆંધારની મુલાકાત લઈ શકાય છે. મોટાભાગે મોનસૂનની સિઝનમાં ધૂઆંધાર આવનારા પર્યટકોની સંખ્યા વધારે રહેતી હોય છે જ્યારે ધૂઆંધાર એક અનોખી સુંદરતા ધારણ કરે છે. જો આપ ધુઆંધાર જઈ રહ્યા છો તો સાથે એક્સ્ટ્રા કપડા લઈ જવાનું ભુલશો નહીં

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

ભેડાઘાટ માર્બલ રોક

નર્મદા નદીના કિનારે જબલપુરથી 25 કિલોમીટર દૂર આવેલો છે ભેડાઘાટ. અહીં લગભગ 25 કિલોમીટર સુધી પથરાયેલી આરસપહાણની ટેકરીઓ આ વિસ્તારની ખાસિયત છે. આરસપહાણના પથ્થરો અને નર્મદાનદીના પાણી પર પડતા સુર્યકિરણો અહીંની ખૂબસૂરતી વધારે છે. ભેડાઘાટમાં નર્મદાનદીના શાંત અને મંત્રમુગ્ધ કરનારા સ્વરુપથી પર્યટકોને એક અદભુત અનુભૂતિ થાય છે. પંચવટી ઘાટ પર જેટીથી મોટરબોટ દ્વારા આ ઘાટમાં બોટિંગની મજા માણી શકાય છે. ભેડાઘાટમાં લગભગ 50 મિનિટ સુધી આપને સફર કરવા માટે કાઉન્ટર પરથી ટિકિટ્સ લેવાની રહે છે. હવે ભેડાઘાટ પહોંચવું કેવી રીતે એ વિચારતા હો તો જબલપુરથી ટૅક્સી ભાડે કરીને સડકમાર્ગે ભેડાઘાટ પહોંચી શકાય છે. જબલપુરથી ભેડાઘાટ પહોંચવા માટે લગભગ 30-40 મિનિટનો સમય લાગે છે.

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

મદન મહલ ફોર્ટ

પ્રકૃતિની ખૂબસૂરતી માણી તો હવે ઈતિહાસમાં પણ ડોકિયુ કરવાની તક મળે છે મદન મહલ ફોર્ટમાં. જબલપુરમાં ઘણા ઐતિહાસિક સ્મારકો પણ આવેલા છે. જેમાં મદનમહલ ફોર્ટ એક પહાડી પર આવેલો છે. મદન મહિલ કિલ્લો ગોંડ શાસકોના શાસનકાળની કહાની દર્શાવે છે જેને ઈ.સ. 1116માં રાજા મદનશાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે સમયના રાજાશાહી સ્થાપત્યની સુંદરતાની ઝલક જોવા મળે છે મદન મહલ ફોર્ટમાં. ફોર્ટની ઉપરના ભાગેથી આખા શહેરનો નજારો જોવા મળે છે. તો આ કિલ્લામાં આવેલા યુદ્ધખંડ, ગુપ્ત માર્ગ, અશ્વશાળા અને નાનકડું જળાશય પણ આકર્ષણ છે.

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

બેલેન્સિંગ રોક

મદન મહલ ફોર્ટ જોઈને નીચે ઉતરો એટલે નજીકમાં જ આશ્ચર્યજનક અજાયબી એવો બેલેન્સિંગ રોક જોવાનું બિલકુલ મિસ ન કરાય. એક એવો મોટો પથ્થર જે કોઈ પણ પ્રાકૃતિક આફતમાં ટસનો મસ નથી થતો. ચાહે ભુકંપ આવે કે કંઈ પણ થાય આ પથ્થર પોતાની સ્થિતીમાં જૈસે થે જેવો જ રહે છે. બેલેન્સિંગ રોકનો આ નજારો જોવો એ લહાવો છે. લોકો વિચારતા થઈ જાય છે કે આખરે આ શક્ય કઈ રીતે બન્યું.

ચોસઠ યોગિની મંદિર

જબલપુર પહોંચ્યા હો તો ટ્રાવેલિંગ લિસ્ટમાં ચોસઠ યોગિની મંદિરનો સમાવેશ જરુર કરવો. 10મી શતાબ્દિમાં બનેલું આ ચૌસઠ યોગિની મંદિર તેના નામ પ્રમાણે 64 યોગિનીની દેરીઓ ધરાવે છે. તો મધ્યમાં શિવ-પાર્વતી મંદિર આવેલું છે. લગભગ 150 સીડીઓ ચડીને આ મંદિરમાં જઈ શકાય છે. જબલપુરની જોવાલાયક જગ્યાઓમાંથી એક છે ચોસઠ યોગિની મંદિર.

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

કચનાર શિવમંદિર

જબલપુરની મધ્યમાં છે મહાદેવનો વાસ. કચનારમાં આવેલું શિવમંદિર જબલપુરના મહત્વના ટુરિસ્ટ પ્લેસમાંથી છે એક. અહીં ભગવાન શિવની વિશાળકાય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ 76 ફીટ ઉંચી છે . તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.તો જબલપુરની મુલાકાત સમયે આ મંદિરની મુલાકાત જરુરથી લેવી.

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

ગ્વારીઘાટ

જબલપુર પહોંચ્યા અને મા રેવાના દર્શનીય એવા પ્રવાહની પુજાનો લહાવો ન લીધો તો શું કર્યું. જબલપુરમાં આવેલા ગ્વારી ઘાટ પર મા નર્મદાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જે પ્રમાણે વારાણસીમાં મા ગંગાની આરતી કરવામાં આવે છે તે જ રીતે ગ્વારીઘાટ પર મા નર્મદાની આરતી કરવામાં આવે છે. અહીં મા નર્મદાનુ મંદિર પણ આવેલું છે જે પાણીની વચ્ચે છે. ગ્વારીઘાટ પર સાંજના સમયે આરતી થતી હોવાથી અહીંનું વાતાવરણ અને નજારો અત્યંત ભક્તિમય બની જતો હોય છે. ત્યારે નર્મદા નદીમાં ખુબ જ સુંદર રીતે શણગારેલી બોટમાં બોટિંગની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Photo of મધ્યપ્રદેશના જબલપુરમાં આ 9 ટુરિસ્ટ પ્લેસ જોવાનું ચુકશો નહીં... by Kinnari Shah

બરગી ડેમ

જબલપુરમાં નર્મદા નદી પરનો બરગી ડેમ પણ એક અદભુત અને શાંતિનો અનુભવ કરાવનારું ટુરિસ્ટ પ્લેસ છે. અહીં પર્યટકો માટે બોટિંગની પરમિશન પણ આપવામાં આવી છે. એક મોટી બોટમાં મ્યુઝિક અને ડાન્સની મસ્તી સાથે શાંત પાણી પર સેર કરવાનો લુત્ફ લેવા જેવો છે. ટિકિટ્સ માટે અલગ અલગ રેટ્સ છે. તો અહીં જેટ સ્કીની મજા પણ માણી શકાય છે. એડવેન્ચર લવર્સ માટે આ જગ્યા બેસ્ટ છે.

ડુમના નેચર રિઝર્વ પાર્ક

જો આપને પ્રકૃતિ સાથે પ્રેમ છે તો જબલપુરની નજીક પર્યાવરણને માણવા માટેનું સ્થળ છે ડુમના નેચર રિઝર્વ પાર્ક જ્યાં આપ ચોક્કસથી જઈ શકો છો. આ પાર્ક લગભગ 1058 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં પર્યાવરણના સુંદર દ્રશ્યો, વિભિન્ન પ્રકારની વનસ્પતિ અને કુદરતી સૌંદર્યની ભરમાર છે. અહીં બોટિંગ પણ થઈ શકે છે તો નાનકડો ચિલ્ડ્રન પાર્ક પણ છે જ્યાં મિની ટ્રેનની સવારીની સુવિધા પણ છે. ઉપરાંત અહીં રેસ્ટોરન્ટ અને રિસોર્ટ્સ પણ આવેલા છે.

જબલપુર પોતાના ઈતિહાસ, ઝરણા, નદીઓ, કિલ્લા અને મા નર્મદાના ઘાટ માટે પ્રસિદ્ધ છે. ત્યારે મધ્યપ્રદેશના આ મહત્વના શહેરની મુલાકાત આપના માટે એક નવો જ અનુભવ લઈને આવશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads